શું તમારે પણ શ્રાવણ માસમાં કરવા છે સોમનાથ દાદાના દર્શન? GSRTC દ્વારા ખાસ ટુર પેકેજ શરૂ, દર સોમવારે ઉપડશે વોલ્વો બસ
દેવોના દેવ મહાદેવને પ્રસન્ન કરવાનો મહિનો એટલે શ્રાવણ માસ જેમાં ભોળાનાથની પૂજા કરવામાં આવે છે. પ્રત્યેક શિવભક્તો માટે શ્રાવણ માસ એ 30 દિવસીય ઉત્સવ છે. ત્યારે 12 જ્યોતિલિંગમાનુ એક ગુજરાતમાં આવેલું છે જ્યાં લાખો શિવ ભક્તો ઉમટી પડે છે ત્યારે ભાવિકોની આસ્થાને ધ્યાનમાં રાખીને GSRTC દ્વારા વોલ્વો બસ શરૂ કરીને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તો ચાલો જાણીએ ટુર પેકેજની સંપૂર્ણ વિગતો
થોડા જ દિવસોમાં શ્રાવણ મહિનાની શરૂઆત થઈ જશે ત્યારે ભક્તો સોમનાથ દાદાના દર્શન કરી શકે તે માટે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા વિશેષ બસ સેવા અને ટુર પેકેજ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં શ્રદ્ધાળુઓ આરામદાયક અને સુવિધાજનક રીતે મુસાફરીનો આનંદ માણી શકશે. આ ટુર પેકેજમાં રહેવા જમવા અને વિવિધ સ્થળોની મુલાકાત આ બધી જ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે.
જો તમે પણ સોમનાથ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવવા માંગો છો તો આ બસસેવા તમને ઉપયોગી નીવડશે. જેનો લાભ શ્રાવણ મહિનાના દર સોમવારે લઇ શકાશે. એટલે આગામી 14,21,28 જુલાઇ અને 4,11,18 ઓગસ્ટ 2025થી શરૂ કરવામાં આવશે. ગુજરાત એસટી વિભાગે આ એસી વોલ્વો બસ સેવા અમદાવાદના રાણીપ બસ સ્ટેશથી શરૂ કરી છે.
બસ શ્રાવણના દર સોમવારે વહેલી સવારે 6:00 વાગે રાણીપ બસ સ્ટેશન (અમદાવાદ)થી ઉપડશે જે સાંજે 4:00 વાગે સોમનાથ પહોંચશેબીજા દિવસે સવારે સોમનાથથી 9:30 વાગે ઉપડશે અને રાત્રે 10:30 વાગે રાણીપ (અમદાવાદ) પહોંચશે.
ટુર પેકેજમાં મળશે આ સુવિધા
આ પ્રવાસ પેકેજમાં યાત્રીએ દરેક દીઠ આવાગમન માટે રૂપિયા 4,000 ચૂકવવાના રહેશે, જ્યારે બે વ્યક્તિ માટે કુલ ભાડું રૂપિયા 7,050 નક્કી કરાયું છે. આ ભાડામાં નાસ્તો, બે વખતનું ભોજન, હોટેલમાં એક રાત્રિનું રોકાણ અને માર્ગદર્શન માટે ગાઇડની સુવિધાનો સમાવેશ થાય છે. પેકેજ અંતર્ગત સોમનાથ ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શો, ત્રિવેણી સંગમમાં આરતી, ભાલકા તીર્થ, રામ મંદિર અને ગીતા મંદિરની મુલાકાત પણ કરાવવામાં આવશે.