રાજકોટની બજારમાં દિવાળીની ચમક : ટેકસટાઇલ ટ્રેડમાં તેજી,તહેવારોમાં 4000 કરોડનો વેપાર, ખરીદીનો ધમધમાટ
વર્ષનાં સૌથી મોટા તહેવારને આડે હવે એક રવિવાર બાકી છે ત્યારે ગઈકાલે રવિવારે રાજકોટની બજારમાં દિવાળીની ચમક જોવા મળી હતી.રાજકોટમાં આવેલી ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજરોડ ,સાંગણવા ચોક, દિવાનપરા, ઘીકાંટા રોડ, ગુંદાવાડી ,ડોક્ટર યાજ્ઞિક રોડ સહિત અલગ અલગ વિસ્તારોમાં આવેલી માર્કેટની દુકાનો અને શો રૂમમાં શરદપૂનમ પહેલાં જ દિવાળી અને લગ્નની ખરીદીની રોનક જોવા મળી છે.હવે આગામી એક જ રવિવાર તહેવાર વચ્ચે આવી રહ્યો હોય બજારો સવારે 10 વાગ્યાથી શરૂ થઈ મોડી રાત્રિનાં 11 વાગ્યા સુધી ધમધમશે.
દિવાળીનાં તહેવારમાં ખાસ કરીને કપડાં,ગૃહ સુશોભિત વસ્તુઓ,મુખવાસ,દિવા વગેરેની ખરીદી સૌથી વધુ થતી હોવાથી ગારમેન્ટ સેકટરમાં હાલમાં તેજી આવી છે.વેપારીઓ નાં મત મુજબ આ વખતે જીએસટી રીફોર્મના કારણે ખાસ કરીને મધ્યમ વર્ગીય પરિવારને મોટો ફાયદો થયો છે.બે વરસથી ઓનલાઈન શોપિંગ સામે દિવાળીના તહેવારમાં સ્થાનિક બજારની ખરીદી વધી છે.રેડીમેઈડ ગારમેન્ટમાં નવી નવી ડિઝાઇન અને લેટેસ્ટ સ્ટાઇલ સાથે કપડાઓ હવે મળી રહે છે.
આ પણ વાંચો :આજે શરદ પૂર્ણિમા : શું તમે જાણો છો શરદ પૂર્ણિમાની રાત્રીએ ચંદ્રની ચાંદનીમાં ખીર ખાવાનો મહિમા શું છે?
રાજકોટ હોલસેલ ટેકસટાઇલ માર્કેટ એસો.નાં પ્રમુખ હિતેશભાઈ અનડકટએ જણાવ્યું હતું કે,અગાઉ 1000 રૂ.ની કપડાંની ખરીદી પર 5 ટકા જીએસટી ગ્રાહકોને ચૂકવવો પડતો હતો,જેની સામે હવે એ લિમિટ વધીને 2500 રૂ.માં થઈ ગઈ હોવાથી એક ગ્રાહકને દોઢો ફાયદો થયો હોય જેની અસર બજારમાં જોવા મળી છે.દિવાળીનો તહેવાર બજાર માટે કેવો રહેશે..? તેનો અણસાર રક્ષાબંધન અને ગણેશઉત્સવ પરથી આવી જાય છે.આ વર્ષે વરસાદ પણ સમયસર રહ્યો હોવાથી ગામડાની ખરીદી શરૂ થઈ છે.
દિવાળી અને લગ્નગાળાની સિઝન સારી રહેતાં આ સમયગાળામાં ટેકસટાઇલ ટ્રેડને અંદાજે 3500 થી 4000 કરોડનું ટર્નઓવર રહે તેવી ધારણા વેપારીઓએ વ્યક્ત કરી હતી.શરદપૂનમ પછી દિવાળી તહેવારની સિઝન ધમધમે છે પણ આ વખતે રવિવાર આવી ગયો હોય બજારમાં તેજી આવી ગઈ છે.
આ પણ વાંચો :ક્રિકેટમાં ભારતનું ‘ઓપરેશન સિંદૂર’ યથાવત : પુરુષ બાદ મહિલા ટીમનો પણ પાકિસ્તાનને તમાચો, વન-ડે વર્લ્ડકપમાં 88 રને શાનદાર જીત
દીવાળી પછી તુરંત જ લગ્નગાળો: ટ્રેડિશનલ ડ્રેસની ડિમાન્ડ
તહેવારોની સાથે દિવાળી પછી લગ્નની મોસમ શરૂ થઈ જતી હોવાથી અટયરે લગ્નપ્રસંગને અનુરૂપ ખરીદી વધી છે.જેમાં ખાસ કરીને ધરચોળા, પાનેતર,ભારે ડ્રેસ,ચણિયાચોળી,સરારા, સાડી,સેરવાની,બ્લેઝરની માંગ છે.આ અવસરને લઈને વેપારીઓએ ખાસ ડિસ્કાઉન્ટ ઓફર પણ મૂકી છે.જેનો લાભ ગ્રાહકો લઈ રહ્યા છે.
આખા વર્ષનાં વેપારની આશા દિવાળી પર્વ પર હોય છે.
આખા વર્ષનો વેપાર દિવાળીનાં તહેવાર દરમિયાન થઈ જતો હોવાથી દુકાનદારોને ખાસ આશા હોય છે. આથી તહેવારોને અનુરૂપ અને દિવાળી પછી જ લગ્નની સીઝન પૂરું થતી હોવાથી રેડીમેઇડ ડ્રેસીસ માટે અગાઉથી જ ડિઝાઇન તૈયાર કરાવીને સ્ટોક કરી દેવામાં આવતો હોય છે. રક્ષાબંધનથી લઈ જન્માષ્ટમી, નવરાત્રી, દશેરા અને દિવાળી આ સમયગાળો વેપારીઓ માટે વિશિષ્ટ મહત્વ રાખે છે.
