પરવાનેદારોની હડતાળને પગલે વિતરણ વ્યવસ્થા ખોરંભે! રાજ્યમાં માત્ર આટલા જ રેશનકાર્ડ ધારકોને જ મળ્યું નવેમ્બરનું અનાજ
રાજકોટ સહિત રાજ્યભરમાં સસ્તા અનાજના વેપારીઓના બે અલગ અલગ સંગઠન દ્વારા 1લી નવેમ્બરથી જુદી-જુદી 20 માંગણીઓને લઈ રાજ્ય વ્યાપી હડતાળ ઉપર ઉતરી ગયા બાદ સરકાર સાથે સમાધાન થતા 4 નવેમ્બરે હડતાળ સમાપ્ત થવા છતાં છેલ્લા ત્રણ દિવસમાં વિતરણ વ્યવસ્થા પાટે ચડી નથી. પુરવઠા વિભાગના સત્તાવાર આંકડા મુજબ 7 નવેમ્બર સુધીમાં રાજ્યમાં 33,939 રેશનકાર્ડ ધારકોને તેમના હિસ્સાનું અનાજ મળ્યું છે. સાથે જ રાજકોટ જિલ્લામાં 3,11,999 રેશનકાર્ડ ધારકો પૈકી 5242 લોકોને ઘઉં-ચોખા મળ્યા હોવાના આંકડા સામે આવ્યા છે.નોંધનીય છે કે, સામાન્ય સંજોગોમાં મહિનાની શરૂઆતના 10 દિવસમાં જ મોટાભાગના રેશનકાર્ડ ધારકોને પોતાના હિસ્સાનું અનાજ મળી જતું હોય છે.

રાજ્યના 17 હજાર વ્યાજબી ભાવના દુકાનદારો વિવિધ 20 માંગણીઓને હડતાળ ઉપર ઉતરી ગયા બાદ તા.4 નવેમ્બરના રોજ સરકાર સાથે સમાધાન બાદ તમામ વેપારીઓએ નવેમ્બર માસના ચલણ, પરમીટ જનરેટ કરી નાખ્યા છે. જો કે, હજુ મોટાભાગની દુકાનો સુધી ગરીબ રેશનકાર્ડ ધારકોના હિસ્સાનું અનાજ પહોંચ્યું ન હોવાથી હડતાલ ખતમ થયાના ત્રણ દિવસ બાદ પણ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળનો લાભ ધરાવતા બીપીએલ અને અંત્યોદય પરિવારોને ઘઉં, ચોખા, ખાંડ, મીઠું, ચણા અને તુવેરદાળ સહિતનો જથ્થો મળી શક્યો ન હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો : રાજકોટ મહાપાલિકા પાસેથી 23 લાખ પડાવી લેવાનો કોન્ટ્રાક્ટરોનો ‘ખેલ’ પકડાયો,જાણો શું છે સમગ્ર મામલો
પુરવઠા વિભાગના સત્તાવાર આંકડા મુજબ રાજ્યમાં 7 નવેમ્બર સુધીમાં રાજ્યના માત્રને માત્ર 33,939 રેશનકાર્ડ ધારકોને જ ઘઉં-ચોખા સહિતની જણસી મળી છે. જેમાં રાજ્યમાં સૌથી વધુ વિતરણમાં ભરૂચ જિલ્લામાં 8,361, આણંદ જિલ્લામાં 5,644, રાજકોટ જિલ્લામાં 5,241, બનાસકાંઠા જિલ્લામાં 1,735, અમરેલી જિલ્લામાં 1,859, સાબરકાંઠા જિલ્લામાં 1,170, જામનગર જિલ્લામાં 899, અમદાવાદ જિલ્લામાં 399, મોરબી જિલ્લામાં 10 રેશનકાર્ડ ધારકોને લાભ મળ્યો છે. સાથે જ ડાંગ જિલ્લામાં તો હજુ સુધી એક પણ લાભાર્થીને લાભ મળ્યો નથી. જો , આગામી સોમવાર સુધીમાં જાહેર વિતરણ વ્યવસ્થાની ગાડી પાટે ચડી જવાની ધારણા છે.
