શહેરોમાં રોજેરોજ પાણીના નમૂનાની ચકાસણી પછી જ પાણી વિતરણ કરો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આદેશ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર શહેરમાં ટાઈફોઈડના રોગચાળાના કારણે સર્જાયેલી સ્થિતિના અનુસંધાને ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં તેમણે આદેશ કર્યો હતો કે રાજ્યના તમામ મહાનગરોમાં રોજે રોજ પાણીના સેમ્પલનું ચેકીંગ કર્યા બાદ જ પાણી વિતરણ કરવું.
મહાનગરપાલિકા અને રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સંયુક્તપણે લેવાઈ રહેલા દર્દીઓની સારવાર, રોગ નિયંત્રણ અને નિવારણ માટેના પગલાઓ વધુ સઘન બનાવવા માટેના સૂચનો ઉચ્ચ સ્તરીય સર્વગ્રાહી સમીક્ષા બેઠકમાં કર્યા હતા.
ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનરે આ રોગચાળાના નિયંત્રણ માટે મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય વિભાગના સંકલનમાં રહીને થઈ રહેલી કામગીરીની વિગતો મુખ્યમંત્રીને આ બેઠકમાં આપતા કહ્યું કે, હવે કેસોમાં ઉત્તરોત્તર ઘટાડો જોવા મળી રહ્યો છે. મહાનગરપાલિકા દ્વારા 85 સર્વે ટીમ બનાવીને 1 લાખ 58 હજારથી વધુ લોકોનું સર્વેલન્સ કરવામાં આવ્યું છે. ક્લોરિન ટેબલેટ્સ અને ઓ.આર.એસ. પેકેટ પણ પૂરતા પ્રમાણમાં વિતરણ કરવામાં આવ્યાં છે. લીકેજીસના રિપેરીંગ કામ અગ્રતાના ધોરણે હાથ ધરાયા છે તેમજ તમામ પાણીના સ્ત્રોતોમાં સુપર ક્લોરિનેશન પણ કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રીએ પાણીજન્ય રાગચાળો ફેલાતો અટકાવવાના સઘન ઉપાયરૂપે ગાંધીનગર સહિત રાજ્યના શહેરી ક્ષેત્રોમાં પીવાના પાણીના સેમ્પલ દરરોજ લઈ તેની યોગ્યતા અને ક્લોરિનેશનના રિપોર્ટ્સ મેળવ્યા પછી જ પાણી વિતરણ વ્યવસ્થા થાય તે માટેના સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા હતા.
મુખ્યમંત્રીએ હાલ પાઈપલાઈન અંગેના જે કામો પ્રગતિમાં છે, તેની ફિલ્ડ વિઝિટ કરીને ગુણવત્તા અને ચોકસાઈ સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી. તેમણે વોટર ટેસ્ટીંગનો વ્યાપ વધારવા અને લીકેજીસ તાત્કાલિક ધોરણે અટકાવવાના પગલાઓ લેવા તાકીદ કરી હતી.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિડીયો કોન્ફરન્સ મારફતે તથા આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનો, મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર સહિતના આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
