રૂ.200 માટે દેશ સાથે ગદ્દારી !! ઓખા જેટી પર વેલ્ડિંગ કામ કરતો દીપેશ ગોહેલે દેશને જોખમમાં મૂક્યો : પાકિસ્તાની મહિલાને મોકલતો હતો માહિતી
હજુ એકાદ મહિના પહેલાં પોરબંદરમાંથી પંકજ કોટિયા નામના શખસને ભારતની જાસૂસી કરવા બદલ પકડી લેવાયા બાદ એટીએસે આવા જ એક `ગદ્દાર’ને ઓખામાંથી પકડી પાડ્યો છે. ઓખામાં રહીને દુશ્મન દેશ પાકિસ્તાનને ભારતીય કોસ્ટગાર્ડની સંવેદનશીલ માહિતી અને એ પણ માત્ર ૨૦૦ રૂપિયાના બદલામાં પૂરી પાડી રહેલા દીપેશ ગોહેલ નામના શખ્સને દબોચી લેવામાં સુરક્ષા એજન્સીને સફળતા સાંપડી હતી.
ગુજરાત એટીએસના વડા દીપેન ભદ્રનના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી વીરજીતસિંહ પરમાર સહિતની ટીમે અત્યંત ગુપ્ત ઓપરેશન પાર પાડી દીપેશ ગોહેલને પકડ્યો હતો. દીપેશ પાકિસ્તાની જાસૂસી એજન્ટ માટે કામ કરતો હોવાનું ધ્યાન પર આવ્યું છે. તે ભારતીય જળ સીમામાં પેટ્રોલિંગ કરતી કોસ્ટગાર્ડની શીપની મૂવમેન્ટ જાણી તેની સઘળી માહિતી પાકિસ્તાનને મોકલતો હતો. એટીએસ દ્વારા અપાયેલી
વિગતો પ્રમાણે દીપેશ ગોહેલ સાત મહિના પહેલાં ફેસબુકના માધ્યમથી પાકિસ્તાનની સાહિમા નામની એક યુવતીના સંપર્કમાં આવ્યો હતો. સાહિમા દ્વારા દીપેશને ફેસબુક પર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલાયા બાદ દીપેશે તેનો સ્વીકાર કર્યો હતો. ફેસબુક પર વાતચીત કર્યા બાદ બન્ને વચ્ચે નંબરની આપ-લે કરવામાં આવી હતી ત્યારબાદ બન્ને વૉટસએપ ઉપર ચેટિંગ તેમજ ફોન પર વાતચીત કરતા હતા. પાકિસ્તાની સાહિમા નેવિમાં નોકરી કરતી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. સાહિમાએ દીપેશને ગુપ્ત માહિતી આપવા માટે પૈસાની લાલચ આપી હતી. જો કે આ રકમ માત્ર ૨૦૦ રૂપિયા જ હતી. સાહિમા-દીપેશ વચ્ચે એવું નક્કી થયું હતું કે તે દીપેશને દરરોજ ૨૦૦ અને મહિને ૬૦૦૦ રૂપિયા આપશે. આ પછી દીપેશ સોશ્યલ મીડિયા તેમજ અન્ય માધ્યમથી કોસ્ટગાર્ડ અને ભારતીય દરિયાઈ સરહદની તસવીરો પાકિસ્તાન મોકલી રહ્યો હતો.
દીપેશ ભારતીય જળસીમા પર પેટ્રોલિંગ કરી રહેલા કોસ્ટ ગાર્ડના જહાજોની ગતિવિધિ જાણતો હતો અને તે માહિતી પાકિસ્તાન પહોંચાડી રહ્યો હતો. દીપેશના ફોનની તપાસ કરતા તે સાહિમા નામની મહિલા સાથે જોડાયેલો હોવાનું ધ્યાન પર આવ્યું હતું. ત્યારબાદ એટીએસે દીપેશ જે નંબર પર વાત કરતો હતો તે નંબરનું આઈપી એડે્રસ સર્ચ કરાતાં તે પાકિસ્તાનનું નીકળ્યું હતું.