રાજકોટ રૂરલ ટ્રાફિક બ્રાન્ચ આપોઆપ શુધ્ધ બની ગઇ કે નવા સાહેબનો પરચો? ‘પાણીદાર’ ક્રાઇમ બ્રાન્ચ પાણી વિનાની!વાંચો કાનાફૂસી
રાજકોટ રૂરલ ટ્રાફિક બ્રાન્ચમાં અચાનક જ બદલાવ આવી ગયો છે. એકાએક ટીમ, સ્ટાફ શુધ્ધ બની ગયો છે તેવું આ રસ્તા પર દોડતા રોજિંદા વાહનચાલકો, પેસેન્જર્સ વ્હિકલ્સ કે ડમ્પર કે આવા ધંધાર્થીઓમાં ગણગણાટ છે. થોડા વખત પૂર્વે રાજકોટ જિલ્લાના હાઈ-વે પર રાજકોટ રૂરલ ટ્રાફિક પોલીસની ટીમ, વાહન ચોક્કસ કામો માટે 24-7ની માફક ગમે ત્યાં મળી જતા અને ચેકિંગ કે વાહનોમાં થોડું આઘુ-પાછુ નિયમ વિરૂધ્ધ હોય એ મુજબ ટ્રાફિક પોલીસ કામ કરી લેતી હતીની છાપ કે ચર્ચા હતી. નવા એસપી આવતા રાજકોટ જિલ્લા ટ્રાફિક પોલીસમાં મોટો ચેન્જ દેખાયો છે. કેટલાક કર્મીની તો બદલી થઈ ગઈ અને બચ્યા છે તેઓ પણ નિયમબધ્ધ કામમાં છે. એવી વાત કે કાનાફૂસી પણ છે કે સાહેબે જવાબદારોને બોલાવીને બંધ બારણે કાનમાં સ્પષ્ટ સંભળાય તેવા અવાજે કહી દીધું છે કે મારે ક્યાંય કોઈપણ પ્રકારની કોઈ ગડબડ ન જોઈએ. કેટલાકના તો ક્લાસ પણ લઈ લીધાની વાત છે. જ્યારે બદલાયેલાઓ પૈકીનાઓ ક્યાંક પોતાનો મનનો ઉભરો ઠાલવ્યો હતો કે અમે તો લાઈનદોરી હોય એ મુજબ દોડતા રહીએે. આમેય મહત્તમ જગ્યાઓ પર નાનો સ્ટાફ તો ક્યારેય પોતાની લક્ષ્મણરેખા ન જ ઓળંગે જો ઉપરી કહે કે આ કરો કે સિસ્ટમમાં આમ કરવું જ પડશે તો સિસ્ટમમાં રહેવા ઉપરીની સૂચના મુજબ કામ કરતા હોય છે.
રાજકોટની `પાણીદાર’ ક્રાઇમ બ્રાન્ચ પાણી વિનાની !!
કોઈપણ શહેર-જિલ્લામાં ક્રાઈમ બ્રાન્ચ (ડીસીબી) (ગ્રામ્યમાં એલસીબીથી ઓળખાય)નો દબદબો, રૂતબો જ અલગ હોય. કામ, ડીટેકશનમાં પાણીદાર હોય, કોઈ અટપટા કેસ કે તપાસોમાં ક્રાઈમ બ્રાન્ચનો રોલ મુખ્ય રહેતો હોય છે. રાજકોટ શહેર પોલીસની ક્રાઈમ બ્રાન્ચ પણ આમ તો પાણીદાર જ છે. અઘરા ભેદ ઉકેલી નાખે છે. એમાય હવે તો ડીસીપી પોતે જ વધુ દોડતા હોવાથી અધિકારીઓ સ્ટાફે તો દોડવું જ પડે, કામમાં પગે પાણી ઉતરે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચનું બિલ્ડિંગ પણ કરોડોના ખર્ચે અદ્યતન છે. એક જ કમ્પાઉન્ડમાં ક્રાઈમ બ્રાન્ચ તથા સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના બિલ્ડિંગો છે. જોવાનું એ છે કે પાણીદાર ક્રાઈમ બ્રાન્ચ પાણી વિનાની એટલે કે એ સાઈડના બોરમાં પાણી જ ઓછું, બાજુમાં સાઈબર ક્રાઈમ બિલ્ડિંગના બોરમાં ધમધોકાર પાણી, ક્રાઈમ બ્રાન્ચના બિલ્ડીંગમાં અન્ય ઈ.ઓ. ડબલ્યુ. પણ બેસે, સ્ટાફ પણ વધુ પાણીની પળોજળ રહે. કરોડોના ખર્ચે તૈયાર થયેલા બિલ્ડિંગમાં એ સમયે બોર તો થયો પરંતુ પાણી ડચકે ચડી ગયું. ક્રાઈમ બ્રાન્ચનો પાણીનો આધાર મહાપાલિકાના જ્યુબેલી સમ્પ પર આવી ગયો. પોલીસ વિભાગનું જ ટેન્કર સમ્પ પર જઈને પાણી ભરી આવે અને ક્રાઈમ બ્રાન્ચના મોટા અન્ડર ગ્રાઉન્ડ ટેન્કમાં ઠલવાય ત્યાંથી પુરા બિલ્ડિંગમાં સપ્લાય થાય. જો ટેન્કર વહેલા મોડુ થાય કે મહાપાલિકાના સમયમાં મુશ્કેલી પડે તો પાણીદાર ક્રાઈમ બ્રાન્ચ પાણી વિનાની બની રહે. સ્ટાફમાં પણ એક પ્રકારની રમુજ રહે છે કે એક જ દિવાલે બે પોલીસ મથક પાડોશી સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના બોરમાં ફૂલ પાણીને આપણે પાણી વિનાના કે પારકે પાણીએ !!
રાજકોટ સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં હવે કામ માટે જાણે કુસ્તી !!
રાજકોટ શહેર પોલીસમાં સાઈબર ક્રાઈમ પોલીસ મથકમાં અદ્યતન બિલ્ડિંગ, અદ્યતન ટેકનોલોજી, સુવિધા સાથે છ-છ તો પીઆઈ છે. પીએસઆઈ, એએસઆઈથી લઈ પી.સી. (પોલીસ કોન્સ્ટેબલ) સુધીનો સ્ટાફ તો અલગ જ. પહેલાં સાઈબર ક્રાઈમ પોલીસ મથકમાં કામનો મારો રહેતો. લાવો-લાવો થતું. અરજીઓના તપાસોના ઢગલા રહેતા સમય ટંકો પડતો તેવું કામ રહેતું. જો કે પાંચ લાખથી ઓછાના ફ્રોડની તપાસ જ્યારથી જે તે સંબંધિત પોલીસ મથકોમાં ચાલી ગઈ ત્યારથી સાઈબર ક્રાઈમ પોલીસ મથકમાં જાણે મંદી આવી ગઈ હોય કામ ઓછું થતાં મંદીની અસર અન્ય રીતે પણ પડે. હવે તો ક્યારેક એવી અરજીઓ પણ નથી હોતી કે જે પીઆઈ પોતે તપાસ કરી કરાવી શકે, કારણ કે પાંચ લાખથી ઓછાના ઓનલાઈન ફ્રોડ કે આવા કોઈ કામ તો આવતા નથી. જો આવી અરજી-ફરિયાદ લેવાતી તો સંલગ્ન બેન્કોમાં એકાઉન્ટ્સ ફ્રીઝ કરતા, પેમેન્ટ હોલ્ટ કરાવી દેવાતા અને કામગીરી થઈ શકતી, હવે તો પાંચ લાખ કે તેથી વધુની અરજી-ફરિયાદોની રાહ જોવી પડે તેવું જાણે કામ માટે કુસ્તી (રાહ જોવી) કરવી પડે. આવું આંતરિક રીતે ચર્ચાય છે.
રાજકોટમાં લીકર પરમીટ રિન્યુમાં પગે પાણી ઉતરી રહ્યા છે !!
રાજકોટ શહેરમાં એક સમય હતો કે બીમારી માટે કે ફ્રેશનેશ આવા કોઈ મેડિકલ અથવા ઉમર સંબંધી કારણો સાથે લીકર (દારૂની) પરમીટો ધડાધડ (લાંબી કડાકૂટ નહીં) નિયમ અને ચોક્કસ તાલ સાથે સરળતાથી મળી જતી હતી. લીકર પરમીટમાં નશાબંધી આબકારી વિભાગમાં સ્ટાફથી લઈ અધિકારી સુધીની જરૂરી નિયમો પાલન, દસ્તાવેજો સાથે લીલીઝંડી જોઈએ પરંતુ મેડિકલ રિપોર્ટમાં સિવિલ સર્જનનું મતુ (મંજૂરી) જરૂરી છે. બન્ને જગ્યાએથી હા હોય તો જ લીકર પરમીટ હાથમાં આવી જાય (પીવાનું લાઈસન્સ મળી જાય). પરમીટ રિન્યુ કરાવવી પડતી હોય છે. તેમાં પણ ફરીને સિવિલ હોસ્પિટલ સંબંધીત સ્ટાફ બાદ અંતે સિવિલ સર્જનની તો આખરી મંજૂરી જોઈએ. લીકર ધારકો કે સંકળાયેલાઓના કહેવા મુજબ અત્યારે રિન્યુ માટે બીજે બધેથી તો નિયમ કે ગોઠવાઈ જાય છે પરંતુ છેલ્લે સિવિલમાં આવીને અટકીને ઉભું રહી જાય છે. રિન્યુઅલમાં મત્તુ મારતા નથી. નવી પરમીટ તો ઠીક રિન્યુ કરાવવામાં પણ અત્યારે તો પગે પાણી ઉતરી જાય છે. એક માત્ર રાજકોટ સિવિલ એવી છે કે પરમીટ માટે રોગી કલ્યાણ સતિિમાં નક્કી કર્યા મુજબની રકમ આપવી પડે છે. એ આપવા ઉપરાંત પણ પરમીટ લેવા ઈચ્છુકો તૈયાર હોય છે છતાં પાઘડીનો વળ છેડેની માફક અટકી જતું હોવાની પરમીટ સાથે સંકળાયેલાઓમાં કાનાફૂસી, ચર્ચા છે.
હજુ કસ્ટમ, ઇમિગે્રશનના નેઠા નથી, રાજકોટ દુબઇની ફ્લાઇટ ઉડશે કેમ ?
રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનું નામ જ માત્ર અત્યારે ઈન્ટરનેશનલ એરપોર્ટ છે. બાકી ડોમેસ્ટિક ફ્લાઈટ જ ઉડાન ભરે છે. રાજકોટથી દિલ્હીની બે ફ્લાઈટ નવા વર્ષથી શરૂ થઈ છે જેથી હવે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વેપારીઓ કે રાજકોટ-દિલ્હી કનેક્ટેડ વ્યક્તિઓને લાભ મળશે. દિલ્હીથી પ્રથમ ફ્લાઈટમાં રાજકોટ આવેલા કેન્દ્રીય કેબીનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયાએ આ બન્ને એરલાઈનની ફ્લાઈટથી રાજકોટ, મોરબીના મહાજનોને ફાયદો થશે તેવું જણાવ્યું હતું સાથે એવું પણ કહ્યું કે વિદેશી વેપારીઓનું રાજકોટ, મોરબીમાં આવાગમન વધે કે અહીંથી દુબઈ જઈ શકાય એ માટે રાજકોટ દુબઈની આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ આવનાર દિવસોમાં શરૂ થાય તે માટે એવીએશન ડિપાર્ટમેન્ટમાં રજૂઆત કરાઈ છે. મંત્રી દ્વારા જે પ્રયાસો થઈ રહ્યા છે તે સરાહનીય છે પરંતુ હાલની સ્થિતિએ સો મણનો સવાલ જ એ છે કે જો કોઈ એરલાઈન આ ઈન્ટરનેશનલ ફ્લાઈટ ચાલુ કરવા માંગે તો પણ ન કરી શકે કારણકે રાજકોટ એરપોર્ટ પર હજુ કસ્ટમ-ઈમિગે્રશન વિભાગના નેઠા નથી. પ્રથમ તો કસ્ટમ, ઈમિગે્રશન શરૂ થયા બાદમાં જ વિદેશી ઉડાન શક્ય બની શકે. કદાચિત કેબીનેટ મંત્રી માંડવિયા દ્વારા આ બન્ને વિભાગ વહેલીતકે કાર્યરત થાય એ માટે કેન્દ્રમાં સંબંધિત મંત્રાલયમાં રજૂઆત અથવા આવા પ્રયત્નો ઝડપભેર કરવા પડશે તો જ વહેલીતકે વિદેશી ઉડાન શક્ય બનશે.
