દેવભૂમિ દ્વારકા : ગાંધવી ગામ ખાતે તા.8મીએ યોજાશે રાજ્યકક્ષાનો ‘૭૫મો વન મહોત્સવ’
-મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યકક્ષાના ૨૩મા સાંસ્કૃતિક ‘હરસિદ્ધિ વન’નું દેવભૂમિ દ્વારકાના હર્ષદ ખાતે લોકાર્પણ
ગાંધીનગર
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘એક પેડ મા કે નામ’ અભિયાનને વધુ સફળ બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ્ હસ્તે તેમજ વન – પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરા અને રાજ્ય કક્ષાના વન – પર્યાવરણ મંત્રી મુકેશભાઇ પટેલની ખાસ ઉપસ્થિતિમાં દેવભૂમિ દ્વારકાના કલ્યાણપૂર તાલુકાના ગાંધવી ગામ ખાતે આવેલા પૌરાણિક તથા ઐતિહાસિક મહત્વ ધરાવતા હરસિદ્ધિ માતા મંદિર ખાતે ‘૭૫મા વન મહોત્સવ’ની ઉજવણી અને ૨૩મા સાંસ્કૃતિક વન ‘હરસિદ્ધિ વન’ નું લોકાર્પણ આગામી તા. ૮ ઓગસ્ટ, ૨૦૨૪ ના રોજ કરવામાં આવશે.
આ વનનું લોકાર્પણ મુખ્યમંત્રી સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં સાંજે ૪.૦૦ કલાકે કરવામાં આવશે.તેમ,વન વિભાગની યાદીમાં જણાવાયું છે.
વધુમાં જણાવાયું છે કે,આ વર્ષે ૭૫મા વન મહોત્સવની ઉજવણી નિમિત્તે સાંસ્કૃતિક વનોની હારમાળામાં વધુ એક સાંસ્કૃતિક વન “હરસિદ્ધિ વન” નું લોકાર્પણ કરવામાં આવનાર છે.સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિની ઝલક દર્શાવતી ‘સૌરાષ્ટ્રની સુગંધ’ થીમ સાથે રાજ્યના ૨૩માં સાંસ્કૃતિક “હરસિદ્ધિ વન” માં નવા અભિગમ સાથે આ વન માં મુખ્ય દ્વાર, પ્રવેશ પરિસર, હરસિદ્ધિ માતાજી સાંસ્કૃતિક વાટીકા, સેરેમોનીયલ ગાર્ડન, શ્રી કૃષ્ણ ઉપવન, શ્રી કૃષ્ણ કમળ વાટીકા વગેરે જેવા સાંસ્કૃતિક આકર્ષણો નિમાર્ણ કરવામાં આવેલ છે. આ ઉપરાંત સાંસ્કૃતિક વનમાં મુખ્ય વન તરીકે સ્વાગત વાટીકા, આયુષવન, વન કવચ, તાડ વાટીકા, પવિત્ર ઉપવન, ગુગળ વન, કેક્ટસ વાટીકા, સ્ટોન મેઝ ગાર્ડન, સ્ટોન થેરાપી વોક વે, વાઈલ્ડ લાઇફ ઝોન વગેરે જેવા વનોનું નિમાર્ણ કરવામાં આવેલ છે.
ઉપરાંત ઉજાણી સ્થળ તરીકે પર્યટકો આકર્ષાય તે હેતુથી આ સાંસ્કૃતિક વનમાં બાળવાટીકા, સેલ્ફી પોઇન્ટ ગાર્ડન, બીચ થીમ સીટીંગ એરીયા, મેડીટેશન ગઝેબો, ગઝેબો, સનસેટ પોઇન્ટ વગેરે પણ તૈયાર કરવામાં આવ્યા છે. પર્યટકોની સુગમતા ધ્યાને લઈ પાર્કીંગ એરીયા, પીવાના પાણી-શૌચાલય તેમજ રોપા વેચાણ કેન્દ્ર જેવી જન સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આમ ગાંધવી ગામ ખાતે નિર્મિત “હરસિદ્ધિ વન” પર્યાવરણના જતનની સાથે રાજ્યના નાગરિકોની સુખાકારી માટે રાજ્ય સરકારની વધુ એક ઉત્કૃષ્ટ પહેલ સાથે ૭૫મા વન મહોત્સવની ઉજવણી નિમિત્તે આ વનનું લોકાર્પણ કરવામાં આવનાર છે તેમ વન વિભાગ દ્વારા વધુમાં જણાવાયું હતું.