બસોમાં કરોડોનો ખર્ચ છતાં રાજકોટ મનપા-એજન્સી વચ્ચેની ખો-ખો રમતમાં મુસાફરોનો નિકળતો ‘ખો’
રાજકોટ મહાપાલિકા અને બસ સંચાલન કરતી કોન્ટ્રાક્ટ એજન્સી વચ્ચે જાણે ચલક ચલાણું જેવી ખો-ખોની રમત જ ચાલ્યા કરે છે. ચાર-ચાર વ્યક્તિના મોત નિપજ્યા છતાં હજુ તો જાણે નથી મહાપાલિકાના પેટનું પાણી હલતું કે નથી એજન્સી સુધરવાનું કે સુધારા કરવાનું નામ લેતી. આવી બેજવાબદારી વચ્ચે રોજિંદા અસંખ્ય મુસાફરોનો ‘ખો’ નીકળી રહ્યો છે.
રાજકોટમાં સિટી બસ સેવાની ફરિયાદો રહે જ છે. ગત મહિને તો બસે ઈન્દિરા સર્કલ પાસે ચાર-ચાર વ્યક્તિના ભોગ લીધા એટલે એવું હતું કે હવે બસ સેવા સુધરશે. જો કે મહાપાલિકા અને બસનો લોકલ લેવલે કોન્ટ્રાક્ટ સંભાળતી વિશ્વમ એજન્સીની સાંઠગાંઠ અથવા તો મહાપાલિકાનું કાંઈ ઉપજતું ન હોય કે
એજન્સીને કોઈનું પીઠબળ હોય તે રીતે એજન્સી મહાપાલિકાના બાબુઓને ગણકારતી ન હોય તેવો હજુ માહોલ છે. અકસ્માતની ઘટના બાદ પણ હજુ રોજિંદા બસોની 25 જેટલી ફરિયાદો આવે જ છે.
બીઆરપીએસ એટલે રિંગરોડ પરના માર્ગ વચ્ચે દોડતી બસો અને આરએમટીએસ રાજકોટ શહેરમાં ફરતી બસો મળી 234 જેટલી સીએનજી, ઈલેક્ટ્રીક બસોનો મુખ્ય કોન્ટ્રાક્ટ દિલ્હીની પીએમવાય એજન્સીને છે. આ એજન્સીએ રાજકોટની વિશ્વમ એજન્સીને 2022થી કોન્ટ્રાક્ટ આપેલો છે એટલે મહાપાલિકાના જવાબદાર વિભાગે વિશ્વમ એજન્સીના સંપર્કમાં વધુ રહેવાનું હોય બસ બાબતે કોઈ ફરિયાદ કે કાંઈ હોય તો વિશ્વમ એજન્સીને લેખિત જાણ કરે અને ડ્રાઈવર આવું કોઈ સોલ્યુશન એજન્સીએ કરવાનું અને મહાપાલિકાને જાણ કરે.
મહાપાલિકા દ્વારા ચારના મોતની ઘટના બાદ પણ હજુ એવો જ રાગ આલાપાય છે કે અમે તો ફરિયાદ આવે એટલે એજન્સીને ફોરવર્ડ કરવા સિવાય વિશેષ કાંઈ ન કરી શકીએ. એજન્સીએ પગલાં લેવાના હોય. આમ, મહાપાલિકા અને એજન્સી બન્ને વચ્ચેની ખો-ખો રમત વચ્ચે આખરે પિસાઈ રહ્યા છે કે ‘ખો’ નીકળી રહ્યો છે સામાન્ય જન મુસાફરોનો. મહાપાલિકાના ઉચ્ચસ્તરીય અધિકારીઓ, કારીઓ, પદાધિકારીઓએ બસ સેવા બાબતે કોઈ યોગ્ય તોડ કાઢવો જોઈએ જેથી મુસાફરોના હિતમાં ચાલતી સાચી બસ સેવા ગણી શકાય નહીં તો મનપા બસ સેવાનો ઓનપેપર સંતોષ લીધા કરશે અને એજન્સી મનમાની ચલાવશે.
હજુ ઘણા સુધરતા નથી, બસો બેફામ ચલાવે, મોબાઈલમાં મશગૂલ રહે !
ચારના મોતના અકસ્માત બાદ એવું હતું કે એજન્સી પર આકરાં પગલાં લેવાશે, ટર્મીનેટ થશે અથવા તો એજન્સીમાં સુધારો આવશે અને તેમના બસચાલકો સુધરી જશે. જો કે આવું કશું હજુ થયું ન હોય અથવા તો અકસ્માત તો થયા રાખે એવા ગુમાનમાં રાચતા હશે. હજુ પણ ઘણાખરા એવા ચાલક છે કે બસ ઓવરસ્પીડે ચલાવે જ છે. કાં તો હાથમાં મોબાઈલ ફોન હોય એક હાથે સ્ટિયરિંગ અને વાતો ચાલુ હોય જો સ્ટિયરિંગ જરા ફગે તો આસપાસમાં જતાં વાહનો કે રાહદારીઓ હડફેટે ચડે જ ખુરદો બોલે. બધા ચાલકો આવા પર નથી હોતા, સારા ચાલકો પણ છે પરંતુ તેઓને પણ કેટલાકના કારણે બદનામ થવું પડે કે સહન કરવું પડે છે.
તો શું મહાપાલિકાના જવાબદારોનો રોલ માત્ર ટપાલી જેવો જ?
ફરિયાદો બાબતે મહાપાલિકાને જાણે અમારે કોઈ લેવા-દેવા નહીં અથવા તો ઓનપેપર સૂચના આપીને છૂટા એવું જ હોય કે નાદારી નોંધાવી દીધા મુજબ હાથ ઉંચા કરી દે છે કે અમે બસ એજન્સીને ફરિયાદો ફોરવર્ડ કરી દઈએ, વિશેષ કશું ન થઈ શકે. કરારમાં આવા કોઈ ઉલ્લેખો નથી તો શું મહાપાલિલકાનો રોલ ટપાલી જેવો જ માનવો રહ્યો કે માત્ર ફરિયાદો આવે એ એજન્સી સુધી પહોંચાડીને અદબ વાળી લેવાની ? જો આવું હોય તો એજન્સી પોતાના ડ્રાઈવરોને 200, 500નો દંડ કરે બહું થાય તો આકરી ફરિયાદમાં છૂટા કરે પણ એથી વિશેષ વાળ વાંકો ન તો એજન્સીનો થાય કે ન તો ભૂલ કરનારા કર્મચારીઓનો.
મહાપાલિકાના કરોડોના કેમેરાઓમાં સિટી બસો દેખાતી જ નહીં હોય ?
રાજકોટ શહેરમાં મહાપાલિકાદ્વવારા કરોડોના ખર્ચે સીસીટીવી કેમેરા શહેરના સર્કલો પર ઇન્સ્ટોલ કરાયેલા છે. મોનિટરિંગ રૂમ પણ છે અને ત્યાં અધિકારીઓ, કર્મચારીઓ પણ અલાયદા હોય છે. શું બેફામ દોડતી કે રસ્તામાં આડેધડ ઉભી રહી જતી આવી બસો સીસીટીવી કેમેરામાં દેખાતી નહીં હોય ? કે પછી મહાપાલિકા સંચાલિત એવા હોય એટલે એ તરફ ધ્યાન નહીં દેવાતું હોય ?