કોર્ટનો આદેશ છતાં સાંથણીની જમીન માટે માજીસૈનિક પરિવારને હળહળતો અન્યાય
- વેરાવળના નુનરડા ગામે માજી સૈનિકને જમીન ફાળવવા આદેશ બાદ રેવન્યુ વિભાગે જમીન જ ન આપી
- ગીર સોમનાથ ક્લેક્ટરથી લઈ મુખ્યમંત્રી સુધી બ્રાહ્મણ પરિવારની રજુઆત છતાં ઠાલા આશ્વાસન સિવાય કશું જ ન મળ્યું
રાજકોટ : ગુજરાત સરકારનો મહેસુલ વિભાગ બેધારી નીતિ અપનાવી ઉદ્યોગકારો અને રાજકારણીઓ માટે અલગ માપદંડ અને માજી સૈનિકો માટે જમીન ફાળવણીમાં અલગ માપદંડ અપનાવી માજી સૈનિકોને અન્યાય કરી રહ્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. ગીર સોમનાથ જિલ્લામાં માં ભોમની રક્ષા માટે ટાઢ, તાપ કે વરસાદની પ્રતિકૂળ સ્થિતિ વચ્ચે પણ અડગ બનીને ફરજ બજાવી નિવૃત થયેલા બ્રાહ્મણ માજી સૈનિકો અને તેમમના પરિવારને કલેકટર સહિતના અધિકારીઓએ સાંથણીની જમીન માટે એવો ધંધે લગાવ્યો છે કે આ પરિવાર છેલ્લા 14 વર્ષથી કોર્ટ કચેરીના ધક્કા ખાઈ રહ્યો છે અને કોર્ટના આદેશ બાદ પણ સાંથણીની જમીન ફાળવવાને બદલે હાઇકોર્ટમાં પ્રકરણ લંબાવી માજી સૈનિક પરિવારને હેરાન કરવામાં કોઈ કસર ન છોડી હોવાનું સામે આવ્યું છે.
હાલમાં રાજકોટ ખાતે રાવલનગર મેઈન રોડ ઉપર કૈલાશનગરમાં રહેતા માજી સૈનિક સ્વર્ગસ્થ પિયુષચંદ્ર ન.મહેતાના પુત્ર હિતેષભાઇ પી.મહેતાએ ગીર સોમનાથ જિલ્લા કલેકટર, અધિક નિવાસી નાયબ કલેકટર, ડેપ્યુટી કલેકટર અને મામલતદાર સહિતના અધિકારીઓના કડવા અનુભવ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, તેઓના ગુજરનાર પિતા પિયુષભાઇ ન મેહતાને માજી સૈનિક દરજ્જે નાયબ કલેકટર વેરાવળના હુકમથી વર્ષ 1975માં સાંથણીની જમીન ફાળવણી કરવા હુકમ કરવામાં આવ્યો હતો. જો કે, બાદમાં અન્ય કોઈ વ્યક્તિઓએ વાંધા લેતા સમગ્ર મામલો કોર્ટમાં જતા જે તે સમયે સાંથણીની જમીનના કબ્જા સોંપવામાં આવ્યા ન હતા.
બાદમાં ગુજરાનાર માજી સૈનિક પિયુષભાઇ ન. મહેતાએ સમગ્ર મામલે કોર્ટમાં દાવો દાખલ કરી સાંથણીની જમીન ફાળવવા માટે કાનૂની લડાઈ લડતા 8 વર્ષ 11 મહિના અને 4 દિવસ બાદ કોર્ટે માજી સૈનિક પિયુષભાઇ ન. મહેતાનો દાવો અંશતઃ માન્ય રાખી જિલ્લા કલેક્ટરને માજીસૈનિક દરજ્જે જમીન ફાળવી આપવા આદેશ કર્યો હતો. જો , બ્રાહ્મણ પરિવાર કોર્ટમાં કેસ જીતી જવા છતાં પોતાના ઘરના મોભી ગુમાવી દેવાના દુઃખ સાથે અવાર નવાર જિલ્લા કલેકટર કચેરી ખાતે કોર્ટના આદેશ મુજબ નુનરડા ગામે જમીન ફાળવવા આજીજી સાથે અરજી કરવા છતાં કલેકટર તંત્રએ નકારાત્મક અભિગમ અપનાવી જમીન ઉપલબ્ધ ન હોવાનો જવાબ આપતા મહેતા પરિવારે નુનરડા ગામે જગ્યા ન હોય તો વેરાવળ તાલુકાના કોઈપણ ગામમાં જમીન ફાળવણી કરવા અરજી કરી હતી.
જો કે, આમ છતાં પણ અક્ક્ડ કલેકટર તંત્રે બ્રાહ્મણ અને માજી સૈનિક પરિવારને હેરાનગતિના એક માત્ર ધ્યેય સાથે વેરાવળ તાલુકાના કોઈપણ ગામમાં જમીન ફાળવવાને બદલે નીચલી કોર્ટના ચુકાદાને ઉપલી કોર્ટમાં પડકારવા કાર્યવાહી કરી છે કે હાઇકોર્ટ સુધી લડત આપી હતી જેમાં હિતેષભાઇ મહેતાના જણાવ્યા મુજબ હાઇકોર્ટે પણ માજી સૈનિક દરજ્જે જમીન ફાળવવા નિર્દેશ આપવા છતાં હજુ પણ ગીર સોમનાથ કલેકટર તંત્ર ન્યાય આપતું ન હોય આ મામલે મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમ સહિત અનેક સ્થળોએ ન્યાય માટે ગુહાર લગાવી છે છતાં નીંભર તંત્ર માજી સૈનિક પરિવારને મદદરૂપ થવાને બદલે કાયદાની આંટીધુટીંમાં ફસાવી હેરાન પરેશાન કરી રહ્યું હોવાનો આરોપ અંતમાં હિતેષભાઇ મહેતાએ લગાવ્યો હતો.