રાજકોટમાં બેંકો દ્વારા કરાતી સ્ટેમ્પ ડ્યુટી ચોરીનું મહાકૌભાંડ ઝડપી લેતા નાયબ કલેકટર
રાજકોટ શહેર અને જિલ્લામાં ઘરનું ઘર લેવા માટે મોટાભાગના મિલ્કત ખરીદનારાઓ બેન્ક અથવા એનબીએફસી કંપનીમાંથી લોન મેળવીને જ મકાન, ફ્લેટ કે બંગલો ખરીદી કરતા હોય છે ત્યારે કરોડો રૂપિયાનું ટર્ન ઓવર કરતી નેશનલાઇઝડ, સહકારી અને ખાનગી બેંકો તેમજ નોન બેન્કિંગ ફાયનાન્સ કંપનીઓ સ્ટેમ્પ ડ્યુટીની ચોરી કરી ગુજરાત સરકારને છેલ્લા લાંબા સમયથી ચૂનો ચોપડી રહી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. રાજકોટ શહેર સ્ટેમ્પ ડયુટી નાયબ કલેકટર દ્વારા બેંકોનું આવું મહાકૌભાંડ ઝડપી લઈ બેન્કોને સ્ટેમ્પ ડ્યુટી ચોરીના કિસ્સામાં દસથી અગિયાર ગણો દંડ પણ ફટકારવામાં આવી રહ્યો છે. જો કે,ચાલાક બેંકો હાલમાં આવી સ્ટેમ્પડ્યુટીની ચોરીનો દંડ જે તે મિલ્કત ખરીદનાર અને વેચાણ લેનારના શિરે ઢોળી રહી છે.
રાજકોટમાં બેંકો દ્વારા સરકારની તિજોરીને નુકશાન પહોંચાડી કરવામાં આવતી સ્ટેમ્પ ડ્યુટીની ચોરી અંગે વિગતો આપતા રાજકોટ શહેર સ્ટેમ્પડ્યુટી નાયબ કલેકટર ડી.વી.વાળાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, કોઈપણ મોર્ગેજ એટલે કે ગીરોખતના રજીસ્ટ્રેશન માટે લોન એમાઉન્ટના 0.35 ટકા સ્ટેમ્પ ડ્યુટી ભરવા પાત્ર છે. જો કે, મોટાભાગની બેંકો છેલ્લા બેએક વર્ષને બાદ કરતા અગાઉ માત્ર 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર આવા મોર્ગેજ ડોક્યુમેન્ટ રજીસ્ટર કરાવી મોટા પાયે સ્ટેમ્પ ડ્યુટી ચોરી કરી રહી હોવાનું અમારા ધ્યાને ડિફોલ્ટરોનાં કિસ્સામાં સામે આવ્યું છે.
વધુમાં તેઓ ઉમેરે છે કે, બેન્કમાંથી લોન મેળવ્યા બાદ અનેક એવા આસામીઓ હોય છે કે, જેઓ લોન ભરપાઈ ન કરી શકતા આવી પ્રોપર્ટી બેંકો જાહેર હરરાજીથી વેચાણ કરી નાખે છે. જો કે, અહીં પણ બેંકો હરરાજીમાં પ્રોપર્ટી ખરીદનારા ગ્રાહકોને સ્ટેમ્પડ્યુટી ચોરી અંગેની કોઈ જ વિગતો આવી મિલ્કત ખરીદારનારને જણાવતી ન હોય જયારે દસ્તાવેજ નોંધણીનો સમય આવે ત્યારે હરરાજીમાં મિલ્કત ખરીદનાર ફસાઈ જાય છે અને જ્યાં સુધી મોર્ગેજ ડોક્યુમેન્ટની ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી ન ભરે ત્યાં સુધી હેરાનગતિ ભોગવવી પડે છે.
વધુમાં હાલમાં જ રાજકોટ સીટી સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેકટર કચેરી દ્વારા 12થી 14 જેટલા કિસ્સામાં હરરાજીથી વેચાણના કિસ્સામાં માત્ર રૂપિયા 300ના સ્ટેમ્પ પેપર વાપરી મોર્ગેજ ડોક્યુમેન્ટ રજીસ્ટર કરનાર બેન્ક તેમજ ડિફોલ્ટર અસામીઓને 6000થી લઈ 91 હજાર રૂપિયા સુધીના દંડ ફટકાર્યા છે અને દર મહિને આવા 20થી વધુ કિસ્સામાં સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન કચેરી દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું તેઓએ જણાવ્યું હતું.
બેંકની હરરાજીમાંથી મિલ્કત ખરીદતા પહેલા ચેતજો
રાજકોટમાં મોટાભાગની બેંકો અને એનબીએફસી કંપનીઓ દ્વારા ગ્રાહકોને હાઉસિંગ લોન આપ્યા બાદ આવી લોની મિલકતનું ગીરોખત કરવામાં આવે છે અને જયારે લોન લેનાર પાર્ટી લોન ભરપાઈ ન કરે તેવા કિસ્સામાં બેન્ક હરરાજી કરી આવી પ્રોપર્ટી વેચી મારતી હોય છે. જો કે, હરરાજીથી મિલ્કતના વેચાણના કિસ્સામાં બેંકો ગ્રાહકોને સ્ટેમ્પ ડ્યુટી ચોરીનો મામલો છુપાવતી હોય ગ્રાહકના ગળામાં વધારાના 50 હજારથી 1 લાખ સુધીનો દંડ ભરવો પડતો હોય છે જેથી રાજકોટમાં હરરાજીથી મિલ્કત ખરીદીના કિસ્સામાં બેંકો પાસેથી આવી સ્પષ્ટતા કરવાવ પણ ડેપ્યુટી કલેકટર વાળાએ જણાવ્યું હતું.
લીગલ એડવાઈઝર પણ બેન્કની ગેરકાનૂની પ્રવૃત્તિથી અજાણ
મોર્ગેજ કે ગીરોખતના રજિસ્ટ્રેશનમાં લોનની રકમના 0.35 ટકા સ્ટેમ્પ ડયુટી લાગુ પડતી હોવા છતાં વર્ષોથી બેંકો દ્વારા સરકારને ચૂનો ચોપડવા માટે માત્ર 300 રૂપિયાની જ સ્ટેમ્પ ડ્યુટી ભરી સરકારને નુકશાન પહોંચાડવામાં આવી રહ્યું હોવાનું સામે આવતા હવેથી રાજ્યના નોંધણી સર નિરીક્ષક દ્વારા ખાસ પરિપત્ર કરી તમામ મોર્ગેજ ડોક્યુમેન્ટમાં પૂર્ણ સ્ટેમ્પ ડ્યુટી ભરવામાં આવી હોય તો જ રજીસ્ટ્રેશન કરવા આદેશ કરવામાં આવ્યો છે. જો કે, હાલમાં સ્ટેમ્પ ડ્યુટી ચોરીના કેસ ચલાવતા સમયે પણ બેંકો સરકારના નિયમોથી અજાણ હોવાના ઢોંગ કરતી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે ત્યારે સવાલ એ ઉઠે છે કે, બેંકો પાસેથી લાખો રૂપિયા ચાર્જ વસુલતા લીગલ એડવાઈઝર પણ શું આ નિયમથી અજાણ હોઈ શકે ખરા ?