રાજકોટના રૈયા વિસ્તારમાં બે સ્થળોએ ઓપરેશન ડિમોલિશન : 30 કરોડની જમીન ખુલ્લી કરાવાઈ
રાજકોટ શહેરના રૈયા વિસ્તારમાં પશ્ચિમ મામલતદારે ગુરુવારે બુલડોઝર એક્શન લઈ ટીપી સ્કીમમાં ફાળવવામાં આવેલી અંદાજે 6500 બેસી જમીન પુત્ર ખુડકાઈ ગયેલા ઝુંપડા, બે ઢોરવાડા સહિતના દબાણો ઉપર બુલડોઝર ફેરવી દઈ રૂપિયા 30 કરોડથી વધુ કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાવી હતી. નોંધનીય છે કે, અગાઉ અહીં ઓપરેશન ડિમોલિશન હાથ ધરવામાં આવતા વિરોધ બાદ ઓપરેશન મોકૂફ રાખવામાં આવ્યું હતું પરંતુ આજે મક્કમતા પૂર્વક તમામ દબાણોનો કડૂસલો બોલાવી દેવામાં આવ્યો હતો.

રાજકોટ પશ્ચિમ મામલતદાર અજિત જોશી દ્વારા ગુરુવારે શહેરના રૈયા રોડ ઉપર આવેલ રૈયા સરવે નંબર 318માં આવેલ ટાઉનપ્લાનિંગ સ્ક્રીમ નંબર 22ના ફાઈનલ પ્લોટ નંબર 66/1/1 તેમજ 66/1/2 ની અંદાજિત 6500 ચો.મી. જમીન પર ગેરકાયદેસર દબાણ કરી બનાવવામાં આવેલ એક સર્વિસ સ્ટેશન,ઢોર બાંધવાના વાડો, ૨ રહેણાંક મકાન, બે દુકાન, તેમજ 35 ઝુંપડા ઉપર બુલડોઝર ફેરવી દઈ દબાણ ખુલ્લા કરાવી અંદાજિત રૂપિયા 30 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, તાજા ભૂતકાળમાં આ સ્થળ ઉપરથી પાણીના પ્લાંટ, કારખાના તેમજ સર્વિસ સ્ટેશનના દબાણ દૂર કરવામાં આવ્યા હતા. આ વેળાએ ઝુંપડા અને રહેણાંક સહિતના દબાણ દૂર કરવા કાર્યવાહી કરવામાં આવતા સ્થાનિકોએ વિરોધ કરતા એક અઠવાડિયાની મુદત આપવામાં આવ્યા બાદ ગુરુવારે પશ્ચિમ મામલતદારની આગેવાનીમાં મહેસુલી ટીમે બુલડોઝર એક્શન લઈ દબાણો ખુલ્લા કરાવ્યા હતા. જો કે, ડિમોલિશન દરમિયાન સ્થાનિકોએ હોહા દેકારો કર્યો હતો પરંતુ મામલતદાર દ્વારા કડકહાથે કામગીરી કરી ઓપરેશન ડિમોલિશન પૂર્ણ કરાયું હતું.
