ચાલતી કારમાં ભયાનક વિસ્ફોટથી હચમચી ઉઠ્યું દિલ્હી! 10થી વધુના મોત, અનેક લોકો ઘાયલ: યુપી, દિલ્હી,ગુજરાતમાં હાઈ એલર્ટ
ફરીદાબાદમાં મળેલા વિસ્ફોટકોની તપાસ હજુ ચાલુ હતી ત્યારે આજે સાંજે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એક પ્રચંડ વિસ્ફોટ થયો. દિલ્હીના લાલ કિલ્લા પાસે એક કારમાં વિસ્ફોટ થયો. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેના કારણે નજીકના અનેક વાહનો નાશ પામ્યા. આ વિસ્તાર સામાન્ય રીતે સાંજે ભીડભાડવાળો હોય છે. વિસ્ફોટમાં 10થી વધુ લોકોના મોત નીપજ્યા છે તો 40થી વધુ લોકો ઘાયલ છે. ત્યારે ઘટનાને પગલે ખળભળાટ મચી જવા પામ્યો છે. પીએમ મોદી અને અમિત શાહે આ મામલે જાણકારી મેળવી હતી. વિસ્ફોટ બાદ દિલ્હી,યુપી,ગુજરાત સહિતના રાજ્યોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.તેમજ ગુજરાતના રાજકોટ,અમદાવાદ,ગાંધીનગર,સુરત સહિતના જિલ્લામાં પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
સોમવારે મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે પાર્કિંગમાં પાર્ક કરેલી એક કારમાં વિસ્ફોટ થયો હોવાનું જાણવા મળે છે. આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે નજીકમાં પાર્ક કરેલા અન્ય ત્રણ વાહનો પણ બળી ગયા. માહિતી મળતાં, ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને આગને કાબુમાં લીધી.ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે વિસ્ફોટના કારણની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે વિસ્તારને ઘેરી લીધો છે, અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે હાજર છે. નજીકના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.
કમિશનરે વિસ્ફોટ અંગે માહિતી આપી
દિલ્હી પોલીસ કમિશનર સતીશ ગોલ્ચાએ જણાવ્યું હતું કે, “આજે સાંજે લગભગ 6:52 વાગ્યે, એક ધીમી ગતિએ ચાલતું વાહન લાલ લાઇટ પર અટકી ગયું. વાહનમાં વિસ્ફોટ થયો, જેનાથી નજીકના વાહનોને નુકસાન થયું. બધી એજન્સીઓ, FSL, NIA, બનાવ સ્થળે પહોંચી છે… ઘટનામાં કેટલાક લોકો મૃત્યુ પામ્યા છે અને કેટલાક ઘાયલ થયા છે. પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. ગૃહમંત્રીએ પણ અમને ફોન કર્યો છે તેમજ વડાપ્રધાન મોદીએ પણ ગૃહ મંત્રાલય પાસેથી માહિતી મેળવી હતી.
વિસ્ફોટનો અવાજ એટલો જોરદાર હતો કે નજીકની દુકાનોના કાચ અને બારીઓ તૂટી ગયા
લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે પાર્ક કરેલી કારમાં વિસ્ફોટ થયો હતો, ત્યારબાદ નજીકમાં પાર્ક કરેલા અન્ય વાહનોમાં પણ આગ લાગી હતી. વિસ્ફોટનો અવાજ એટલો જોરદાર હતો કે નજીકની દુકાનોના કાચ અને દરવાજા અને બારીઓ તૂટી ગયા હતા, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
પીએમ મોદીએ ગૃહ મંત્રાલય પાસેથી બ્લાસ્ટ વિશે માહિતી મેળવી
સોમવારે સાંજે દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે વિસ્ફોટ થયો હતો. મેટ્રો સ્ટેશન નજીક એક કારમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે નજીકમાં પાર્ક કરેલા વાહનો પણ ઉડી ગયા હતા. નવ લોકોના મોત નીપજ્યા છે ત્યારે વિસ્ફોટની માહિતી મળતાં, સાત ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગને કાબુમાં લીધી હતી. દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલની એક ટીમ પણ ઘટનાસ્થળે હાજર છે. વિસ્ફોટ બાદ દિલ્હીમાં હાઇ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
