રીલની ઘેલછામાં મળ્યું મોત : અમદાવાદની ફતેહવાડી કેનાલમાં કાર સાથે ખાબકેલા 3 યુવકોના મૃતદેહ મળ્યા
અમદાવાદના વાસણા વિસ્તારમાં ફતેવાડી તરફ જતી કેનાલમાં 5 માર્ચને બુધવારે સ્કોર્પિયો કાર સાથે પડેલા ત્રણ વ્યક્તિમાંથી બે વ્યક્તિના મૃતદેહ ગુરુવારે સવારે મળ્યા હતા. જ્યારે આજે (7 માર્ચ) શુક્રવારે સવારે ક્રિશ દવે નામના યુવકનો મૃતદેહ ફતેવાડી નજીક કેનાલમાંથી ફાયરની ટીમની ટીમ દ્વારા કાઢવામાં આવ્યો હતો. ઘણા પ્રયાસો અને લગભગ 36 કલાક બાદ છેવટે ક્રિશ દવેનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. તેનો મૃતદેહ કાદવમાં દટાયેલી હાલતમાં મળ્યો હતો. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સોંપો પડી ગયો છે. આ મામલે ગાડી ભાડે આપનારા સામે પણ ગુનો નોંધી લેવામાં આવ્યો છે.
વાંચો સમગ્ર ઘટના
આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે બુધવારે સાંજે મૌલિક જાલેરાએ સ્ક્રોપિયો કાર સેલ્ફ ડ્રાઇવ કંપનીમાંથી ચાર કલાકના ભાડે લીધી હતી. જે કાર લઇને ત યુદય વયાંતા (ન્યુ વાસણા), ધુ્રવ સોલંકી ( વેજલપુર) સાથે સાથે વાસણા ભાઠા કેનાલ રોડ પર આવ્યા હતા. જ્યા અગાઉથી વિરાજસિંહ રાઠોડ ( પાલડી), યક્ષ વિક્રમ ભંકોડિયા ( આંબાવાડી), યશ સોંલકી ( આંબાવાડી) અને ક્રિશ દવે (પાલડી) નામના મિત્રો પણ હાજર હતા. ત્યારબાદ વાસણા બેરેજ રોડથી યક્ષ ભંકોડિયાએ કાર ચલાવીને થોડે દુર ગયા બાદ યશ સોંલકીને ચલાવવા માટે આપી હતી. આ સમયે ક્રિશ પણ કારમાં બેઠો હતો. જોકે યશ સોલંકીને કાર ચલાવતા નહોતી આવડતી અને તેણે ભૂલથી બ્રેકની જગ્યાએ એક્સિલેટર પર પગ મૂકી દેતાં કાર સીધી કેનાલમાં ખાબકી ગઈ હતી.
આ સમયે વિરાજસિંહ રાઠોડે રસ્સો નાખીને તમામને બહાર આવવા માટે કહ્યું હતું પરતુ, ત્રણેય જણા પાણીમાં તણાઈ ગયા હતા.જેથી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડ તેમજ પોલીસ કંટ્રોલ રૂમ પર જાણ કરી હતી. જેના આધારે વાસણા પોલીસ સ્ટેશનના પીઆઇ આર એન પટેલ તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. સાથેસાથે સ્થાનિક તરવૈયાઓએ તપાસ કરી હતી. પરંતુ, કારમાં કોઇ મળી આવ્યું નહોતું. બીજી તરફ પોલીસને પ્રાથમિક વિગતો જાણવા મળી હતી કે યુવકોએ રીલ્સ બનાવવા માટે કાર ભાડે લીધી હતી અને કેનાલ પર આવ્યા હતા. આ બનાવની જાણ થતા પોલીસે તેમના પરિવારજનોને પણ સ્થળ પર બોલાવ્યા હતા અને ફાયરબ્રિગેડની મદદથી યુવકોની શોધખોળ હાથ ધરી હતી.