૧૨ લોકોની હત્યા કબુલ્યા પછી પોલીસ કસ્ટડીમાં મોત
પોતે મહાણી મેલડી માતાનો ભૂવો હોવાનો દાવો કરી એકના ચાર કરવાની લાલચ આપતો અને પછી દારૂમાં સોડિયમ નાઈટ્રેટ ભેળવીને હત્યાને અંજામ આપતો
રિમાન્ડ દરમિયાન વઢવાણના નવલસિંહ ચાવડાની તબિયત લથડી અને હોસ્પિટલ પહોંચે તે પહેલા જ મોત મળ્યુ
રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ત્રણ-ત્રણ, પડધરી, વાંકાનેર અને અંજારમાં એક-એક હત્યા કરી છે : દાદી અને કાકાને પણ મોતને ઘાટ ઉતાર્યા હતા
એક અત્યંત ચોંકાવનારી ઘટનામાં અમદાવાદના એક ફેક્ટરીના માલિકની હત્યાના ગુનામાં પકડાયેલા મૂળ વઢવાણના એક ભુવાએ અમદાવાદ પોલીસની પૂછપરછ દરમિયાન પોતે એક-બે નહી પરંતુ બાર-બાર હત્યા કરી હોવાની કબુલાત આપતા પોલીસ સ્તબ્ધ થઇ ગઈ હતી. આ કબુલાત આપ્યા બાદ અચાનક આ ભુવાને વોમિટ થઇ હતી અને તે મોતને ભેટ્યો હતો. આ ભુવાએ મરતા પહેલા પોતે રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ત્રણ-ત્રણ, અંજાર, વાંકાનેર અને પડધરીમાં એક-એક તથા અમદાવાદના અસલાલીમાં એક અને બાકી પોતાના પરિવારજનોની મળીને કુલ ૧૨ લોકોની હત્યા કર્યાની કબુલાત આપી હતી. અમદાવાદ ઝોન-૭નાં ડી.સી.પી. શિવમ વર્માએ પત્રકારોને કહ્યું હતું કે, નવલસિંહ ચાવડા નામનો આ ભૂવો પોલીસ પાસે રિમાન્ડ ઉપર હતો અને રવિવારે સવારે અચાનક તેને વોમિટ થઇ હતી. આ પછી ૧૦૮ મારફત તેને હોસ્પિટલ લઇ ગયા હતા પરંતુ રસ્તામાં જ તેનું મોત થઇ ગયુ હતુ.
અમદાવાદના સરખેજ વિસ્તારમાં રહેતા ચોંગોદરમાં એબીઆર કોસ્મેટિક ટ્રેડિંગ ફેક્ટરીના માલિક અભિજિત સિંહ રાજપૂતને ભુવા નવલસિંહ ચાવડાએ તાંત્રિક વિધિ દ્વારા એક કા ચાર કરી આપવાની લાલચ આપી હતી. ભુવાએ ફેક્ટરીના માલિકને 1 ડિસેમ્બરે બપોરે 3 વાગ્યે સનાથલ ખાતે રૂપિયા લઈને બોલાવ્યો હતો. ત્યારબાદ તાંત્રિક વિધિના નામે માલિકને દારુમાં ઝેરી પદાર્થ ભેળવીને વિધિના બહાને પીવડાવી તેની હત્યાનો પ્રયાસ કર્યો હતો. ફેક્ટરીના માલિકની હત્યા કરી ભુવા સમગ્ર રૂપિયા લઈ નાસી જવાની તૈયારીમાં હતો. જોકે, સમગ્ર મામલાની સરખેજ પોલીસને બાતમી મળતાં તે સમયસર ઘટના સ્થળે પહોંચી અને ફેક્ટરીના માલિકનો જીવ બચાવી લીધો હતો.
આ મામલામાં સરખેજ પોલીસે મૂળ વઢવાણનાં નવલસિંહ ચાવડાની ત્રીજી ડિસેમ્બરે ધરપકડ કરીને ૧૦ તારીખ સુધી રિમાન્ડ ઉપર લીધો હતો. રિમાન્ડ દરમિયાન તેની પૂછપરછ થઇ હતી. આ દરમિયાન રવિવારે સવારે અચાનક તેની તબિયત લથડી અને મોતને ભેટ્યો હતો. જો કે આ પૂર્વે આ ભુવાએ પોલીસ પૂછપરછમાં જે કબુલાત આપી હતી તે અત્યંત ચોંકાવનારી હતી.
નવલસિંહ ચાવડા પોતે ભુવો હતો અને તાંત્રિક વિધિના બહાને લોકોને ફસાવતો હતો. ચાર ગણા રૂપિયા કરી આપવાની લાલચ આપતો હતો અને પછી તેની પાસેથી રૂપિયા મેળવી દારૂમાં સોડીયમ નાઈટ્રાઈટ ભેળવી હત્યા કરી નાખતો હતો.
આ ભુવાએ પોતાના જ પરિવારના દાદી અને કાકાની પણ હત્યા કરી નાખી હતી તેવું પોલીસ કબુલાતમાં જણાવ્યુ હતુ.
સરખેજ પોલીસે તેની ધરપકડ કર્યા પછી તપાસાર્થે તેને વઢવાણ પણ લઇ ગઈ હતી અને કેટલીંક ઘટનાઓનું રી કન્સ્ટ્રકશન કરીને તપાસ પણ કરી હતી. પોલીસ તપાસ માટે નવલસિંહના મઢમાં પણ ગઈ હતી. નવલસિંહે જે કલરની દુકાનેથી સોડિયમ નાઈટ્રેટ કેમિકલ ખરીદ્યું હતું ત્યાં પણ પૂછપરછ હાથ ધરી હતી.
મોજે મસાણી નામની યુટ્યુબ ચેનલ બનાવી હતી
પોલીસને નવલસિંહ ચાવડા એટલે કે ભુવાની અનેક વર્તણુક શંકાસ્પદ જણાઈ આવી હતી. આ ભૂવાએ યુ-ટ્યુબ પર મોજે મસાણી નામની ચેનલ બનાવી હતી. જેમાં તાંત્રિક વિદ્યા કરતા વીડિયો પણ શેર કરવામાં આવ્યા હતા. ભાવેશ નામનો યુવક તેની યુટ્યુબ ચેનલમાં વિડીયો અપલોડ કરતો હતો. થોડા સમય પહેલા ભાવેશનું શંકાસ્પદ મોત થયું હતું. પોલીસે રિમાન્ડ અરજીમાં એવી આશંકા સેવી હતી કે, આરોપીએ તાંત્રિક વીધી માટે નર બલી ચઢાવ્યાની શક્યતા છે.
૧૨ હત્યાનુ રહસ્ય બહાર નહી આવે
હત્યાના પ્રયાસમાં રિમાન્ડ ઉપર રહેલા નવલસિંહ ચાવડાનુ મોત થતા હવે ૧૨ જેટલી હત્યાનું રહસ્ય ક્યારેય બહાર નહી આવે. પોલીસના સુત્રોના જણાવ્યા અનુસાર, રિમાન્ડ દરમિયાનની પૂછપરછ દરમિયાન આ ભુવાએ પોતે હત્યાની કબુલાત આપી હતી પરંતુ કોની કોની હત્યા કરી હતી તેની વિગતો મેળવવાની બાકી હતી. હવે તેનુ મોત થઇ ગયુ છે તેથી હત્યાનો ભોગ બનનારના નામ મેળવવા મુશ્કેલભર્યા બનશે.