રાજકોટમાં હીટ એન્ડ રનની ઘટનામાં દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી: શાસ્ત્રી મેદાન પાસે કાર ચાલકે મોટરસાયકલને ઠોકરે લેતા વૃદ્ધનું મોત
રાજકોટ શહેરમાં ફરી એક વખત રફતારના કહેરે એક પરિવારનો માળો વિખેર્યો છે. વહેલી સવારે શાસ્ત્રી મેદાન નજીક લીમડા ચોક પાસે બેફામ સ્પીડમાં આવેલા કાર ચાલકે વૃદ્ધને અડફેટે લેતા તેમનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત થયું હતું. પોલીસે ઘટનાની નોંધ કરી ફરાર કાર ચાલકની શોધખોળ હાથધરી છે.
વહેલી સવારે સર્જાયેલી કરૂણ ઘટનામાં પોલીસે નોંધ કરી મૃતદેહ પોસ્ટમોર્ટન અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. તો બીજી તરફ મૃતક મીઠાભાઈના પરિવારજનોને ઘટનાની જાણ થતા તેઓ પીએમ રૂમે દોડી આવ્યા હતા. પિતાના કરૂણ મૃત્યુ અંગે પુત્રી પૂનમબેને જણાવ્યું હતું કે, પિતા મીઠાભાઈ સેન્ટ્રિંગ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આજે સવારે તેઓ કામ પર જઈ રહ્યા હતા ત્યારે બેફામ સ્પીડમાં આવેલા કાર ચાલકે અડફેટે લેતા મારા પિતાનું મોત નિપજ્યું હતું. સ્પીડના સોદાગર અનેક વખત અન્યના પરિવારના માળા વિખી નાખ્યા છે તેવી રીતે આજ અમારા પરિવારનો પણ માળો વિખાઈ ગયો છે. ત્યારે અમારી બસ એટલી જ માગ છે કે આ મામલે અમને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ. ફરાર કાર ચાલકને ગમે ત્યાંથી પકડી અમારી સામે હાજર કરો અને તેને કડક માં કડક સજા ફટકારી અમને ન્યાય અપાયો.

ત્યારે મૃતક મીઠાભાઈની મોટી પુત્રી દેવલબેને કહ્યું કે, ‘સવારે મારા પિતા કામે જતા હતા ત્યારે ફોર વ્હીલના ચાલકે ઉડાડતા તેમણે જીવ ગુમાવ્યો હતો. આ ઘટનામાં અમારે ન્યાય જોઈએ છે. અમે નાના માણસો છીએ તેથી પોલીસ તરફથી અમને પૂરો સપોર્ટ અને સહાય મળે અને અમને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ.’ ઘટનાના પગલે પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા અને સિવિલમાં પોસ્ટમોર્ટન રૂમે આક્રંદ સાથે આક્રોશ ઠાલવ્યો હતો.
આ પણ વાંચો : રાજકોટમાં એકલા રહેતા 70 વર્ષીય વૃદ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો : લૂંટના ઇરાદે પ્રેમી પંખીડાએ ઢીમ ઢાળી દીધું

ત્યારે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં પૂરપાટ ઝડપે વાહન ચલાવનાર મોતના સોદાગરોની સંખ્યા વધતી જાય છે. ત્યારે આવા બેજવાબદાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવા અને લોકોના પરિવારને વિખેરનાર પર રોક લગાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.