દીકરીની જાન આવવાની હતી પણ અંતિમયાત્રા નીકળી! લગ્નના બે દિવસ પહેલા મીંઢોળબંધ યુવતીનું ‘હાર્ટ એટેક’થી મોત
કાલાવડના રાબડીયા પરિવારમાં જે આંગણે લગ્નના મંગળ ગીતો ગવાતા હતા, ત્યાં આભ ફાટ્યું છે. 24 વર્ષીય દીપિકા, જેના મનમાં પોતાના લગ્નને લઈને અનેક કોડ હતા, તે ક્નયાના વેશમાં સજ્જ થાય તે પહેલા જ કાળનો શિકાર બની ગઈ છે. બે દિવસ બાદ યુવતીના લગ્ન હતા અને આજે તેની સગાઈ હતી ત્યારે અચાનક ઘરે ઊલટીઓ શરૂ થયા બાદ બેભાન ઢળી પડી હતી. પરિવારે તાકીદે રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ ખસેડી પણ તેણીએ આંખ મીચી દીધી હતી. પ્રાથમિક તપાસમાં યુવતીનું મોત હાર્ટ એટેકથી થયું હોવાનું સામે આવ્યું છે.
આ અંગેની વિગતો મુજબ, કાલાવડમાં રહેતા અને વ્યવસાયે ખેતી તથા ટ્રાવેલ્સ સાથે જોડાયેલા તુલસીભાઇ રાબડીયાની પુત્રી દીપિકા (ઉં.વ. 24) ના લગ્ન આગામી 28 ડિસેમ્બરના રોજ સમૂહ લગ્નોત્સવમાં નિર્ધારિત હતા. જ્ઞાતિના રિવાજ મુજબ આજે એટલે કે 27મી ડિસેમ્બરે તેની સગાઈનો પ્રસંગ યોજાવાનો હતો. ઘરમાં લગ્નની ખરીદી, મહેમાનોની અવરજવર અને ખુશીઓનો માહોલ હતો. દરમિયાન 25મીએ રાત્રિના દીપિકા ઘરે હતી ત્યારે અચાનક તેની તબિયત લથડી હતી. તેને સતત ઉલ્ટીઓ થવા લાગતા પરિવારજનો તાત્કાલિક કાલાવડની સ્થાનિક હોસ્પિટલ લઈ ગયા હતા.
આ પણ વાંચો :રાજકોટમાં વાઇબ્રન્ટ સમિટમાં જાપાન પેવેલિયન બનાવવામાં આવશે: નાગલપર ખાતે બનશે મેડિકલ ડિવાઇસ પાર્ક
ત્યાં તબિયત વધુ નાજુક જણાતા અને દીપિકા બેભાન થઈ જતાં તેને વધુ સારવાર માટે રાજકોટની ગિરિરાજ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, ટૂંકી સારવાર બાદ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. ઘટનાની જાણ થતા જ કાલાવડ પોલીસ રાજકોટ પહોંચી હતી અને જરૂરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક દ્રષ્ટિએ હાર્ટ એટેકને કારણે મોત થયું હોવાનું સામે આવ્યું હતું ઘટનાને લઈને પરિવારમાં જાણે આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.
