અન્ય ધારાસભ્યનું ઉદ્ઘાટક તરીકે નામ લખાતાં દર્શિતાબેન-મેયર વચ્ચે જામી પડી : ફરીવાર ઘરના જ ‘વાસણ’ ખખડતાં નવી ચર્ચા
રાજકોટ મહાપાલિકાની ચૂંટણી આડે હવે માંડ બે કે ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે બરાબર ત્યારે જ 68 (હાલ 64) બેઠક ઉપર ચૂંટાયેલા ભાજપની અંદર જ એક બાદ એક વિવાદ સામે આવી રહ્યા હોય આ વખતે ચૂંટણીમાં કેવી ગરમાગરમી રહેશે તે જોવું રસપ્રદ બની રહેવાનું છે. જે બોલાબાલી, તડાફડી સહિતનું સામે આવ્યા બાદ પક્ષના મોવડીઓ અને હોદ્દેદારો દ્વારા તેને શાંત પાડી મોઢા મીઠા કરાવી દેવામાં આવે છે પરંતુ એક મામલો પૂરો થાય કે બીજો મોઢું ફાડીને જ ઉભો રહેતો હોય કોણે કોને સમજાવે તેવી સ્થિતિ નિર્માણ પામી ગયાનો ગણગણાટ પક્ષમાં જ શરૂ થઈ ગયો છે. હવે ધારાસભ્ય અને મેયર વચ્ચે જામી પડતા ફરી નેતાઓએ દરમિયાનગીરી કરી હાલ તો મામલો શાંત પાડી દીધો છે પરંતુ ક્યાં સુધી શાંતિ જળવાઈ રહેશે તે કહેવાની સ્થિતિમાં કોઈ નથી !
આ અંગે મેયર નયનાબેન પેઢડિયાનો સંપર્ક સાધવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે મહાપાલિકા દ્વારા રેસકોર્સ રિંગરોડ ઉપર પાંચ દિવસીય દિવાળી કાર્નિવલ ઉપરાંત સ્વદેશી મેળાનું રેસકોર્સમાં આયોજન કરવામાં આવ્યું છે. આ વિસ્તાર વિધાનસભા-69માં આવતો હોવાથી બન્ને કાર્યક્રમના ઉદ્ઘાટન માટે ધારાસભ્ય ડૉ.દર્શિતા શાહનું નામ હોવું જોઈએ તેવો આગ્રહ તેમણે રાખતા થોડો સમય સુધી સામાન્ય બોલાચાલી થઈ હતી. મેયર તરીકે મારે મત વિસ્તાર ન જોવાનો હોય પરંતુ દરેક મંત્રી, ધારાસભ્ય, સાંસદ સહિતના નામ ઉદ્ઘાટક તરીકે આવે તે જોવાનું હોવાથી વિધાનસભા-69 મત વિસ્તારમાં આયોજિત કાર્યક્રમમાં ઉદ્ઘાટક તરીકેનું નામ વિધાનસભા-70ના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાનું નામ લખ્યું હતું. જ્યારે દિવાળી કાર્નિવલના ઉદ્ઘાટક તરીકે સાંસદ રામભાઈ મોકરિયા રહેશે.
આ પણ વાંચો :આજે અમદાવાદમાં ફિલ્મફેર એવોર્ડ : બોલીવુડનો જમાવડો, લાંબા સમય બાદ શાહરૂખ ખાન ફિલ્મફેર સમારોહ કરશે હોસ્ટ
એકંદરે પોતાના જ મત વિસ્તારમાં ઉદ્ઘાટક તરીકે પોતાનું નામ ન હોવાથી ડૉ.દર્શિતાબેન શાહને માઠું લાગી ગયું હોવાનું અને તેમણે મેયર સાથે આ મુદ્દે ચર્ચા કરી હોવાનું સામે આવ્યું હતું. આ ચર્ચા શુક્રવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળે તે પૂર્વે મળેલી સંકલન બેઠકમાં થઈ હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે આ અંગે ધારાસભ્ય ડૉ.દર્શિતાબેન શાહનો સંપર્ક સાધવામાં આવ્યો હતો પરંતુ તેમણે ફોન ઉપાડવાનું ટાળ્યું હતું.
