રાજકોટની હૈતવી શેઠે પૂર્ણ કરી શેત્રુંજય પર્વતની 99 યાત્રા
કઠીન યાત્રા કરી બાંધ્યું પુણ્યનું ભાથું
જૈનોના પવિત્ર મહાતીર્થ સ્થાન એવા પાલિતાણામાં દાદા આદિનાથ બિરાજમાન છે. અહી શેત્રુંજય પર્વતની 99 યાત્રા કરવાનું ખૂબ જ મહત્વ છે. ત્યારે રાજકોટની હૈતવી શેઠ નામની દીકરીએ આ યાત્રા પૂર્ણ કરી છે.
પાલિતાણામાં જૈનોનું પવિત્ર મહાતીર્થ છે. જ્યાં શેત્રુંજય પર્વતની યાત્રા કરવાનું મહત્વ છે. ખાસ કરીને 99 યાત્રાનું વિશેષ મહત્વ છે કે કારણ કે અહી આદિનાથ દાદાએ 99 યાત્રા કરી હતી. જૈન ધર્મ અનુસાર જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ માટે આ 99 યાત્રા મહત્વની માનવામાં આવે છે. રાજકોટની હૈતવી વિશાલભાઈ શેઠે પણ તાજેતરમાં આ 99 યાત્રા પૂર્ણ કરી હતી.
હૈતવીએ જણાવ્યું હતું કે, જ્યારે મેં 99 યાત્રા માટે ફોર્મ ભર્યું ત્યારે મને મારા પર વિશ્વાસ ન હતો કે, હું 9 યાત્રા પણ કરી શકીશ. મેં શ્રી ગુણ-ગુણોદય, કલા-નરેન્દ્ર-ચારૂ -સિદ્ધાચલ-કન્યા 99 યાત્રામાં પુ, સા, શ્રી અમિત પ્રજ્ઞાશ્રીજીના તથા શ્રી તત્વપૂર્ણાશ્રીજી આદિઠાણાની નીશ્રામાં મે મારી યાત્રા શરૂ કરી હતી. પહેલા દિવસ થી એક યાત્રા કરી પછી મારા પગ દુ:ખતા હતા. એવું પણ થતું હતું કે ઘરે પછી જતી રહું. પણ બીજે દિવસે દાદાનું નામ લઇ યાત્રા આરંભ કરી અને સફળતાપૂર્વક યાત્રા કરી પછી મને દાદા ઉપર પૂરેપૂરી શ્રદ્ધા બેઠી અને દરરોજ બે થી ત્રણ યાત્રા કરી. દિવસો નીકળતા ગયા અને મેં છટ્ટ ( બે દિવસ ઉપવાસ ) કરી યાત્રા કરી. બાદમાં મેં દોઢ ગાવ, ત્રણ ગાવ, છ ગાવ અને બાર ગાવ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી. હૈતવીએ વધુમાં કહ્યું હતું કે, મે 99 યાત્રા સફળતા પૂર્વક કરી એમાં મારા મમ્મીનો ખુબ સહયોગ છે કારણ કે તેઓએ જ મારુ ફોર્મ ભર્યું હતું.