પાગલ પ્રેમી !! પ્રેમિકાએ સંબંધ તોડી નાખતાં રોષે ભરાયેલા પ્રેમીએ બોગસ એકાઉન્ટ બનાવી ગાળો ભાંડી
રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી ઈન્સ્ટાગ્રામ ઉપર બોગસ એકાઉન્ટ બનાવી પજવણી કરવાના કિસ્સામાં ચિંતાજનક ઉછાળો આવ્યો છે. આ પ્રકારની સપ્તાહમાં એકાદ-બે વખત ફરિયાદ નોંધાયા વગર રહેતી નથી ત્યારે વધુ એક ગુનો પોલીસ ચોપડે નોંધાવા પામ્યો છે. એક સમયે પ્રેમી-પ્રેમિકા તરીકે સંબંધમાં રહ્યા બાદ પ્રેમિકાએ સંબંધ તોડી નાખતાં રોષે ભરાયેલા પ્રેમીએ પ્રેમિકાના નામનું બોગસ એકાઉન્ટ બનાવી તેને ઈન્સ્ટાગ્રામ ઉપર બેફામ ગાળો ભાંડતાં યુવતીએ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
આ અંગે વધુમાં જાણવા મળ્યા પ્રમાણે કારખાનામાં નોકરી કરતો અક્ષય સોરઠિયા નામના યુવકને ઈન્સ્ટાગ્રામ થકી જ ફરિયાદી યુવતી સાથે પરિચય કેળવાયો હતો. આ પછી બન્ને એકબીજા સાથે નિયમિત વાતચીત કરતા હતા. જો કે અક્ષય યુવતીને હદ બહાર હેરાન કરવા લાગતાં આખરે તેની સાથે સંબંધ તોડી નાખ્યો હતો. પ્રેમિકાએ છોડી દેતાં અક્ષય રોષે ભરાયો હતો અને તેણે યુવતીના નામનું જ બોગસ એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ ઉપર બનાવ્યું હતું. આ પછી પ્રોફાઈલ પિક્ચર તરીકે – પણ યુવતીનો ફોટો તેના ઉપર ચીપકાવી યુવતીને ઈન્સ્ટાગ્રામ ઉપર મેસેજ કરી બેફામ ગાળો ભાંડતાં કંટાળીને યુવતીએ ફરિયાદ નોંધાવતાં સાયબર ક્રાઈમ પોલીસે અક્ષયની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.