રાજકોટની મવડી એનિમલ હોસ્ટેલમાં ગાયના મોતનું ‘તાંડવ’ શરૂ: મનપા સગવડના નામે કશું જ આપતી ન હોવાનો માલધારીઓનો આક્ષેપ
રાજ્ય સરકાર દ્વારા રાજકોટ સહિત દરેક શહેરને ઢોરમુક્ત કરવાનો આદેશ છૂટતાં જ મહાપાલિકા દ્વારા ઢોરમાલિકોને પોતાના ઢોર એનિમલ હોસ્ટેલમાં રાખવા માટે દબાણ કહો તો દબાણ, અનુરોધ કહો તો અનુરોધ બધું જ કરવામાં આવ્યું હતું. આ વાતને માન્ય રાખી ઢોરમાલિકો પોતાના વ્હાલા પશુને હોસ્ટેલમાં રાખવા માની પણ ગયા હતા. જો કે હોસ્ટેલમાં સુવિધાના નામે માત્રને માત્ર પીડા જ મળતી હોવાનું ધ્યાન પર આવ્યું છે. ખાસ કરીને મવડી ખાતે આવેલી એનિમલ હોસ્ટેલમાં ગાયના મોતનું `તાંડવ’ શરૂ થઈ ચૂક્યું હોય તેવી રીતે રવિવારે સમી સાંજે બે ગાયના તરફડીને મોત નિપજતાં માલધારીઓમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.

આ અંગે માલધારીઓએ રોષપૂર્વક જણાવ્યું હતું કે મવડીની એનિમલ હોસ્ટેલમાં અત્યારે 1500 જેટલી ગાય-ભેંસને મુકવામાં આવી છે. તંત્ર દ્વારા ગાયની સાચવણી માટે મહિને 1200 રૂપિયા અને ભેંસ રાખવાના રૂા.2700 ફી પેટે વસૂલવામાં આવી રહ્યા છે પરંતુ અહીં કોઈ જ પ્રકારની સુવિધા આપવામાં આવી રહી નથી. અમારી માલિકીની ગાય-ભેંસને દોહવા માટે જવું હોય તો અમારે અભિમન્યુના સાત કોઠા વિંધવા પડી રહ્યા છે.

પાંચ દિવસ પહેલાં એટલે કે બે જૂલાઈએ મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતનાને આ અંગેની રજૂઆત પણ કરવામાં આવી હતી જેમાં જણાવાયું હતું કે માલધારીઓની ગાયોને રાત્રીના સમયે લાઈટ વગર સાચવવામાં તકલીફ પડી રહી છે. ચોમાસામાં પણ ગાયને જ્યાં રાખવામાં આવે છે ત્યાં કાદવ-કિચડ વાહનોને ઘાસચારો લઈ આવવામાં મુશ્કેલી પડે છે સાથે સાથે વાહન પણ ફસાઈ જાય છે. રાત્રીના સમયે ગાયને ઘાસચારો નાખવા, પાણી પીવડાવવા લાઈટ વગર અંધારામાં જ જવું પડી રહ્યું છે. આટલું ઓછું હોય તેમ એનિમલ હોસ્ટેલ સુધી જવાનો રસ્તો કાચો હોય હદ બહારની તકલીફ પડી રહી છે. ખાસ કરીને ગાય બીમાર પડે અથવા તો ગાયને વિહાવવાનો સમય હોય ત્યારે ડૉક્ટર બોલાવવા પડે છે પરંતુ હોસ્ટેલમાં લાઈટ ન હોવાને કારણે ડૉક્ટર પણ આવી રહ્યા નથી.
આ પણ વાંચો : વાયદો પાણીમાં : રાજકોટના સર્વેશ્વર ચોકનું કામ હજુ દોઢ મહિનો ચાલશે
અધિકારીએ કહ્યું, રસ્તો બનાવવા માટે કહી દેવાયું છે પણ સ્ટાફ કામ કરતો નથી !
આ અંગે દાનાભાઈ ભરવાડ, લાલાભાઈ ભરવાડ, દિનેશભાઈ ભરવાડ સહિતનાએ આક્ષેપ કરતાં જણાવ્યું કે મેયર સહિતનાને જ્યારે રજૂઆત કરાઈ ત્યારે એનિમલ હોસ્ટેલના સંચાલનની જેમના પર જવાબદારી છે તે ડૉ.ઉપેન્દ્ર પટેલને તાત્કાલિક રસ્તો બનાવવા, ગંદકી દૂર કરાવવા સહિતના આદેશ અપાયા હતા. આ પછી ડૉ.પટેલને જ્યારે માલધારીઓ મળ્યા ત્યારે તેમણે એવું કહ્યું હતું કે રસ્તો બનાવવાનું મંજૂર તો થઈ ગયું છે પરંતુ સ્ટાફ કામ કરતો નથી ! આ પ્રકારનો ઉડાઉ જવાબ તેમના દ્વારા અપાયો હતો. આ અંગે ડૉ.ઉપેન્દ્ર પટેલનો સંપર્ક કરવામાં આવતા તેમનો ફોન સતત બંધ આવ્યો હતો.
