ગ્રામ પંચાયતની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ : પ્રાથમિક મતદાર યાદી જાહેર, જાણો ક્યા તાલુકામાં કેટલી યોજાશે ચૂંટણી
રાજ્યની 8400 જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણી જૂનના અંત ભાગમાં યોજાય તેવા સંકેતો વચ્ચે મતદારયાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કરી દેવામાં આવી છે અને 6મી મેં સુધીમાં વાંધા સૂચનો મંગાવી આગામી તા.16મીએ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે. બીજી તરફ રાજકોટ જિલ્લામાં 65 ગ્રામ પંચાયતોની સામાન્ય અને 242 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી માટે પણ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને જે – જે ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાનાર છે તે તમામ ગ્રામ પંચાયતોમાં શુક્રવારે મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કરી દેવામાં આવી હતી.
રાજકોટ જિલ્લા કલેકટર કચેરીની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી શાખાના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતોની ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, ગત સમાહમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજાયા બાદ રાજ્ય ચૂંટણી આયોગના આદેશ અન્વયે રાજકોટ જિલ્લામાં 65 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી તેમજ 242 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી યોજવા માટેની કાર્યવાહીના ભાગરૂપે મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કરી વાંધા-સૂચનો મંગાવવામાં આવ્યા છે. જેમાં તા.8મી સુધીમાં વાંધા સૂચનો મંગાવ્યા બાદ આગામી તા.16મી મેના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરી દેવામાં આવશે. હાલની તૈયારીઓ જોતા રાજકોટ સહિત રાજ્યની તમામ 8400 જેટલી ગ્રામ પંચાયતોની જૂન માસના અંત ભાગમાં ચૂંટણી યોજાઈ તેવા સંકેત મળી રહ્યા છે.
