રાજકોટ જિલ્લા બેન્કની મોભાદાર ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ : રાજકારણ ગરમાયુ, મતદારયાદીની તૈયારી શરૂ
સહકારીક્ષેત્રે અગ્રીમ હરોળનું સ્થાન ધરાવતી રાજકોટ જિલ્લા બેન્કના આગામી બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણી માટે તૈયારીનો ધમધમાટ શરૂ થયો છે. આગામી જુલાઈ-ઓગસ્ટમાં યોજાનાર ચૂંટણીને લઈ જિલ્લા બેન્ક દ્વારા મતદારયાદી અદ્યતન કરવા તમામ મંડળીઓ પાસેથી વિગતો એકત્રિત શરૂ કરી દેવામાં આવી છે.નોંધનીય છે કે, ડીસ્ટ્રીકટ બેન્કનું સુકાન હસ્તગત કરવા અનેક રાજકીય માથાઓ અનેકવિધ ચાલ રમી સોગઠાબાજી ગોઠવતા હોવા છતાં મોટાભાગે જિલ્લા બેન્કની ચૂંટણી બિનહરીફ થતી આવી છે અને સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયા બાદ પૂર્વમંત્રી અને વર્તમાન ધારાસભ્ય જયેશ રાદડિયા જિલ્લા બેન્ક ઉપર પ્રભુત્વ જાળવી રહ્યા છે.
1959માં સ્થપાયેલી રાજકોટ ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેન્ક સાથે 452થી વધુ ખેત સહકારી મંડળીઓ અને ખરીદ વેચાણ સંઘ જોડાયેલ છે. જિલ્લા બેન્કના પ્રતિષ્ઠાભર્યા ચેરમેન પદ માટે કઈ કેટલાય સહકારી અગ્રણીઓ અને રાજકીય મોટામાથાઓ એડી ચોટીનું જોર લગાવી ચુક્યા છે છતાં પણ વર્ષોથી જિલ્લા બેન્ક ઉપર વર્ચસ્વ જાળવી રાખવામાં રાદડિયા પરિવાર સફળ રહ્યો છે ત્યારે આગામી જુલાઈ-ઓગસ્ટ માસમાં જિલ્લા બેન્કમાં આગામી બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણી આવી રહી હોય બેન્ક દ્વારા મતદાર યાદી અદ્યતન કરવાની કાર્યવાહી શરૂ કરી તમામ મંડળી પાસેથી વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે.
નોંધણીયક છે કે, 31-03-2024ના રોજ પુરા થતા વર્ષનો બેન્કનો ચોખ્ખો નફો 8700 લાખ થયો છે. સાથે જ બેંકે ધીરાના વસૂલાતમાં પણ 99 ટકાથી વધુ સિદ્ધિ હાંસલ કરી પોતાની પરંપરા જાળવી રાખી છે. હાલમાં રાજકોટ અને મોરબી જિલ્લાના 15 તાલુકાઓમાં બેન્કની 200થી વધુ શાખાઓ કાર્યરત છે. ત્યારે આગામી જુલાઈ -ઓગસ્ટમાં બોર્ડ ઓફડાયરેક્ટરની 17 બેઠકો માટેની ચૂંટણી તૈયારી શરૂ થતા જ રાજકારણમાં પણ અત્યારથી ગરમાવો આવ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. જો કે, મોટાભાગે બિનહરીફ થતી જિલ્લામાં બેંકમાં ગત ચૂંટણી સમયે કોર્ટ સુધી મામલો ગયા બાદ પણ બિનહરીફની પરંપરા જળવાયેલી રહી હતી ત્યારે આ વખતે જિલ્લા બેન્કની ચૂંટણી કેવો ગરમાવો પકડે છે તે આવનારો સમય બતાવશે.