રાજકોટના મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમા ‘ભાવ’નો ભ્રષ્ટાચાર, PCRના ડ્રાઇવરો માટે ભાવબાંધણુ? જાણો શું છે સમગ્ર ઘટના
રાજકોટ શહેર પોલીસનો હેડ ક્વાર્ટર વિભાગ કોઈને કોઈ બાબતોએ સમયાંતરે ચર્ચામાં રહે છે. હવે અંદરના એમ.ટી. વિભાગમાં ભાવ બાંધણાના ગફલા ચાલતા હોવાની ચર્ચા ચાલી રહી છે. મોટર ટ્રાન્સપોર્ટ (એમ.ટી.) વિભાગ મારફતે શહેરના પોલીસ મથકોમાં પીસીઆર વાનો માટો ફાળવાતા ડ્રાઈવરોમાં જેવી જગ્યા એવો ભાવ બોલતો હોવાની કે સારા પોલીસ મથક વિસ્તારોમાં પોલીસ વાન ચલાવવા માટે ચાલકો દ્વારા ચોક્કસ વહીવટદારોને મહિને નક્કી થયેલો આંક આપવો પડે છે. આવું જ વાહનોના પાર્ટ્સ ચેન્જથી લઈ રિપેરિંગ સુધીમાં ચાલતું હોવાની ચર્ચા છે.
શહેરમાં પોલીસ મથકો, બ્રાન્ચોમાં સરકારી વાહનો પીસીઆર, બોલેરો કે આવા વાહનોની ફાળવણી એમ.ટી. વિભાગમાંથી થાય છે અને વાહનોના ડ્રાઈવરો પણ એમ.ટી. વિભાગના અન્ડરમાં હોય ત્યાંથી જ ડ્યુટી અપાતી હોય છે. પોલીસ વિભાગમાં વાહનો માટે આઉટ સોર્સિંગ પર ચાલકોની ભરતી કરાયેલી છે.
આ પણ વાંચો : રાજકોટ એરપોર્ટનાં ડાયરેક્ટરની બદલીનાં ભણકારા: ટર્મિનલ અને ATCમાં અધિકારીઓની બદલી
એમ.ટી. વિભાગના આંતરિક સૂત્રોમાં ચર્ચાતી વિગતો મુજબ શહેરના પોલીસ મથકોમાં જે સારા વિસ્તારો છે ત્યાંની પીસીઆરમાં જવા માટે ચાલકોએ મહિને જેવી જગ્યા એવા ભાવ મુજબ ચાર આંકડાના નૈવેદ્ય દર મહિને ચૂકવવા પડે છે.. છે. જે મોટો ફિગર આપી શકે તેમને સારા વિસ્તારના પોલીસ મથકોમાં પીસીઆરમાં ડ્યુટી અપાતી હોવાની ચર્ચા છે, એવી પણ વાત છે કે જે વહીવટ સંભાળે છે કે સંભાળતા હશે તે ત્યાંના મુખીયા પણ નાળ પારખી ગયા છે. સારા એરિયામાં જવા માટે ચાલકોમાં આંતરિક હરિફાઈ ચાલતી હોવાની વાત છે.
આ પણ વાંચો : ઓછી રકમનાં દસ્તાવેજો બનાવવાની ITની તપાસ હિંમતનગર, સુરત અને અમદાવાદ પહોંચી
એમ.ટી. વિભાગમાં સરકારી વાહનોમાં ચોક્કસ કિલોમીટર બાદ ટાયરો ચેન્જ કરવાના હોય, ઓઈલ ચેન્જ હોય, મેઈન્ટેનન્સ કે રિપેરિંગ પણ કરવા પડતા હોય છે. આવા કામો માટે પણ જે તે વાહનોના ચાલકો, કર્મીઓ પાસેથી નૈવેદ્ય લેવાતા હોવાની વાત છે. ટાયરોનો સ્ટોક સરકાર તરફથી આવતો હોય છે પરંતુ આ ટાયરો ચેન્જ કરવા માટે પણ ચાર આંકડા જેવો વહીવટ કરવો પડતો હોવાની ચર્ચા છે. એવી પણ વાતો છે કે બાંધણા ઉપરાંતની નાની-મોટી સેવાઓ અપાતી હોય તે અલગ. ઉપરોક્ત બાબતો હાલ તો ક્યાંય ઓન પેપર નથી માટે જો અને તો, ચર્ચારૂપ કે અફવા માનવી પડે પરંતુ જો આવું ભાવ બાંધણુ, ભ્રષ્ટાચાર ચાલતો હોય તો શું ઉચ્ચ અધિકારીઓ અજાણ હશે ?
એક જોડી તરફ ચિંધાતી આંગળી !
એમ.ટી.માં ગોઠવણની એવી પણ વાતો કે ચર્ચા છે કે ત્યાં ‘ભ’ અને ‘ય’ના નામ વાળી જોડી વહીવટ ચલાવે છે. જો ખરેખર સત્ય હોય તો ખાનગીરાહે તપાસ કરાવવી જોઈએ અને જો ભાવ બાંધણા ભ્રષ્ટાચાર જેવું ચાલતું હોય નાના કર્મીઓનું શોષણ કરાતુ હોય તો આવો સડો સાફ કરવો જોઈએ.
