જસદણના ઘેલા સોમનાથ મંદિરમાં મહાપુજા મામલે વિવાદ : ભટ્ટ પરિવારે બાળકો સહિતના સભ્યો દ્વારા અનસન શરૂ
ઐતિહાસિક ઘેલા સોમનાથ મહાદેવ મંદિરમાં સ્થાપના કાળથી મહાપુજા-મહાઆરતી કરતા વેજલદાદા ભટ્ટ પરિવારને છેલ્લા બે વર્ષથી પવિત્ર શ્રાવણ માસમાં બપોરની મહાપુજા અને મહાઆરતી કરવા દેવામાં ન આવતા ભટ્ટ પરિવારની પરંપરા ખંડિત થતી હોવાના આરોપ સાથે જિલ્લા કલેકટર અને પ્રાંત અધિકારી જસદણ સમક્ષ રજુઆત છતાં પ્રશ્ન ન ઉકેલાતા શુક્રવારથી ભટ્ટ પરિવારે ન્યાયની માંગણી સાથે અનશનની શરૂઆત કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ જસદણ નજીક આવેલ ઘેલા સોમનાથ મંદિરમાં છેલ્લા 630 વર્ષથી સેવા પૂજા કરતા વેજલદાદા ભટ્ટ પરિવારના વંશજો દ્વારા વર્ષોથી શ્રાવણમાસમાં તેમજ શિવરાત્રી પર્વે બપોરની મહાપુજા અને મહા આરતી કરવામાં આવે છે. જો કે, છેલ્લા બે વર્ષથી ભટ્ટ પરિવારને ગર્ભગૃહમાં જવા દેવામાં ન આવતા હોય તેમજ ફક્ત આરતી ઉતારવા માટે જ મંદિરમાં આવવા દેવામાં આવતા હોવાની સાથે તેમને શ્રાવણ માસમાં સેવા પૂજા માટે રૂમ પણ ફાળવવામાં ન આવતો હોય ભૂદેવ પરિવારે જિલ્લા કલેક્ટરને રજુઆત કરી 24 કલાકમાં નિર્ણય નહીં આવે તો અન્ન જળનો ત્યાગ કરી ઉપવાસ આંદોલન શરૂ કરવાની ચમકી આપી હતી. જે અન્વયે શુક્રવારે સવારથી ભટ્ટ પરિવારના નાના-નાના બાળકો સહિતના લોકોએ તેઓના વડવાઓની ખાંભી પાસે આંદોલન શરૂ કર્યું હતું.
આ પણ વાંચો : લો બોલો! જન્મતાંની સાથે જ બાળકની ઉંમર થઇ 30 વર્ષ: વિશ્વના સૌથી વૃદ્ધ બાળકનો જન્મ,કારણ જાણીને તમે પણ ચોંકી જશો
નોંધનીય છે કે, ઘેલા સોમનાથ મંદિરના સ્થાપના કાળથી ભટ્ટ પરિવાર મંદિર સાથે જોડાયેલ છે તેમ છતાં ટ્રસ્ટમાં પણ ભટ્ટ પરિવારનો સમાવેશ ન કરાયો હોય છેલ્લા 630 વર્ષથી સેવા કરતા ભટ્ટ પરિવારના સભ્યો દ્વારા વિવિધ માંગણીઓને લઈ અન્ન જળનો ત્યાગ કરી શ્રાવણ માસમાં જ ઉપવાસ આંદોલન શરૂ કરતા ભુદેવની નારાજગીનો મામલો ચર્ચાસ્પદ બન્યો છે. જો કે, મંદિરમાં પૂજાને લઈ વિવાદ તેમજ ભટ્ટ પરિવારના પ્રશ્નો અંગે જસદણ પ્રાંત અધિકારી અને ઘેલા સોમનાથ મહાદેવ મંદિર સમિતિના અધ્યક્ષનો સંપર્ક કરવા પ્રયાસ કરતા તેમનો મોબાઈલ રિસીવ થયો ન હતો.
