ગ્રાહક ફોરમનો આદેશ સિવિલ કોર્ટના ચુકાદાની જેમ લાગુ થશે : સર્વોચ્ચ અદાલતનો મહત્વનો ચુકાદો, કરોડો ગ્રાહકોને લાભ
સુપ્રીમ કોર્ટે ગ્રાહક અધિકારો સંબંધિત એક મહત્વપૂર્ણ નિર્ણય આપતાં સ્પષ્ટ કર્યું છે કે ગ્રાહક ફોરમ ફક્ત વચગાળાના આદેશો જ નહીં પરંતુ તેમના તમામ આદેશો લાગુ પણ કરાવી શકે છે. કોર્ટે કહ્યું કે ગ્રાહક મંચના આદેશો હવે સિવિલ કોર્ટના હુકમનામાની જેમ લાગુ ગણવામાં આવશે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી 18 વર્ષથી ચાલી આવતી ખામી દૂર થઈ ગઈ છે. આ સાથે લાખો ગ્રાહકોને રાહત મળશે, જેમને અત્યાર સુધી ફક્ત કાગળ પર ન્યાય મળતો હતો, વ્યવહારિક રૂપમાં ન્યાય મળતો નહતો.

જસ્ટિસ જેકે મહેશ્વરી અને જસ્ટિસ રાજેશ બિંદલની બેન્ચે આ ચુકાદો આપતા કહ્યું કે 2002 માં ગ્રાહક સુરક્ષા કાયદામાં કરવામાં આવેલા સુધારાએ ગ્રાહક મંચની સત્તાને ખોટી રીતે મર્યાદિત કરી દીધી હતી. હકીકતમાં, તે સુધારામાં, ‘દરેક આદેશ’ શબ્દને ‘વચગાળાના આદેશ’ સાથે બદલવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું કે આ ફેરફાર ગ્રાહકો માટે ખૂબ જ હાનિકારક સાબિત થયો અને 2019 માં સંસદ દ્વારા સુધારો થયો ત્યાં સુધી આ પરિસ્થિતિ ચાલુ રહી. આમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે 1986 ના કાયદાની કલમ 25 એવી રીતે વાંચવી જોઈએ કે ગ્રાહક ફોરમ કોઈપણ આદેશ લાગુ કરી શકે. સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું, ‘ન્યાય માંગનારા ગ્રાહકને એવું લાગવું જોઈએ કે તેને ખરેખર ન્યાય મળ્યો છે, ફક્ત કાગળ પર નહીં.’
શું હતો મામલો ?
આ વિવાદ પુણેની પામ ગ્રોવ્સ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી સાથે સંબંધિત હતો. 2007 માં, જિલ્લા ગ્રાહક ફોરમે બિલ્ડરને સોસાયટીના પક્ષમાં કન્વેયન્સ ડીડ બનાવવાનો આદેશ આપ્યો હતો. પરંતુ 2002 ના સુધારાને ટાંકીને, ઉચ્ચ ફોરમે આ આદેશને નકારી કાઢ્યો. હવે સુપ્રીમ કોર્ટે તે નિર્ણયોને ઉલટાવી દીધા છે અને સ્પષ્ટ કર્યું છે કે આવા આદેશો લાગુ કરી શકાય છે.
આંકડા ગ્રાહકોની સમસ્યાઓ દર્શાવે છે
એટર્ની જનરલ આર. વેંકટરામણીએ કોર્ટને જણાવ્યું હતું કે 2002 ના સુધારા પછી, ગ્રાહકોની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. 1992 થી 2002 ની વચ્ચે, જિલ્લા મંચો પર 1470 અરજીઓ પેન્ડિંગ હતી. 2003 થી 2019 ની વચ્ચે, તે વધીને 42,118થઈ ગઈ, અને ૨૦૨૦ થી 2024ની વચ્ચે, તે વધુ વધીને 56578 થઈ ગઈ. તેવી જ રીતે, રાજ્ય મંચો 526104 અને રાષ્ટ્રીય ગ્રાહક તકરાર નિવારણ આયોગમાં 1945 કેસ પેન્ડિંગ મળી આવ્યા.
