લો બોલો! રાજકોટમાં જમાદાર સોનાનો ઢાળિયો ‘ઓળવી’ ગયાની 27 વર્ષે ખબર પડી, વાંચો શું છે સમગ્ર મામલો
રાજકોટ શહેર પોલીસમાં મોકો મળે તો હાથ મારવામાં પાછીપાની ન કરે એવા ઘણા પોલીસ બાબુઓ છે. આવા જ એક નિવૃત્ત પોલીસ કર્મી (ASI) તેમના ફરજકાળ દરમિયાન 1998ની સાલમાં પોલીસે કબજે કરેલા સોનાના મુદ્દામાલ સોનાનો ઢાળિયો ‘જમી’ (ઓળવી) ગયાનો હવે 27 વર્ષે પ્ર.નગર પોલીસ મથકે ગુનો નોંધાયો છે.

પોલીસ ફરિયાદની વિગતો મુજબ 1998ની સાલમાં પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં મુદ્દામાલ રાઈટર હેડ તરીકે ASI નવીનચંદ્ર બાલશંકર ભટ્ટ ફરજ બજાવતા હતા. તેમના એ સમય દરમિયાન પોલીસે એક ઘરફોડીનું ડિટેક્શન કર્યું હતું અને તા.9-10-1998ના રોજ 65000 (એ સમયના ભાવ મુજબ)નું સોનુ ઢાળિયો કબજે કર્યો હતો જે મુદ્દામાલ એ સમયના મુદ્દામાલ રાઈટર હેડ નવીનચંદ્ર ભટ્ટને જમા કરાવ્યો હતો.
પોલીસ વિભાગમાં બદલાતી ફરજ મુજબ નવીનચંદ્ર ભટ્ટની બદલી થઈ અને તેમના સ્થાને ASI ગોકળભાઈ વસંતભાઈ પરમારને મુકાયા હતા. ચાર્જ લેતી-દેતી સમયે જેટલો મુદ્દામાલ હોય તેની નોંધ અને બન્નેની સહીઓ સાથે ઓનપેપર વર્ક થતું હોય એ સમયે નવીનચંદ્ર ભટ્ટે 1998નો કબજે થયેલા મુદ્દામાલ સોનાનો ઢાળિયો જમા કરાવ્યો ન હતો કે આવું કાંઈ દર્શાવ્યું ન હતું. જે ભાંડો હવે 27 વર્ષે ખૂલ્યો હતો જેથી PSI આર.કે. ગોહિલે સરકાર પક્ષે ફરિયાદી બની નિવૃત્ત ASI નવીનચંદ્ર ભટ્ટ સામે આર્જે પ્ર.નગર પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે.
આ પણ વાંચો : 15 વર્ષ પછી I.M.A.માં ગુજરાતનું પ્રતિનિધિત્વ: નેશનલ પ્રેસીડન્ટ તરીકે ડો.અનિલ નાયક,વાઇસ પ્રેસીડન્ટમાં ડો. યજ્ઞેશ પોપટની નિયુક્તિ
આ અગાઉ ગાંધીગ્રામ પોલીસ મથકના મુદ્દામાલ રાઈટર હેડ નરેન્દ્ર રાવળ સામે પણ આવી રીતે ગુનો નોંધાયો હતો. સામાન્ય રીતે નિયમ મુજબ જે તે પોલીસ મથકોમાં ACP, DCPનું ઈન્સ્પેક્શન રહેતું હોય છે ત્યારે કાંઈ ધ્યાને નહીં પડતું હોય ? કદાચ સ્ટાફ કે તાબાના અધિકારીઓ પર વિશ્વાસે બધું ઓઠે કરી દેવાતું હશે ? ફરિયાદ નોંધાતા PSI કોઠીવાળે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : રિલાયન્સ અને નયારા પછી હવે જામનગર જિલ્લામાં સ્થપાશે ONGCની ઓઈલ રીફાઈનરી
ઘરધણી મુદ્દામાલ છોડાવવા આવ્યા ત્યારે તો પોલીસને ખબર પડી
છેલ્લા 27 વર્ષથી ઢોલમારે પોલની જેમ ચાલતા સોનાનો ઢાળિયો ગુમ થયેલા પ્રકરણમાં જેનું સોનુ ચોરાયું હતું તે 1994માં ચોરી થઈ હતી. 1998માં પોલીસે ચોર પકડયા હતા અને ત્યારે 65000નું સોનુ કબજે લીધું હતું જે કેસ ચાલી જતાં અદાલતે ગત વર્ષે 18-5-2024ના રોજ મુદ્દામાલ માલિક મૃદુલાબેન અરવિંદભાઈ ઠાકરને સોંપવા હુકમ કર્યો હતો. જે હુકમ આધારે મૃદુલાબેન સોનુ છોડાવવા જતાં પોલીસે મુદ્દામાલ કબાટમાં તપાસ કરી તો તે સોનુ હતું નહીં. જે તે સમયે એ વખતના મુદ્દામાલ રાઈટર હેડ નવીનચંદ્રએ જમા કરાવ્યા ન હતા. તપાસ દરમિયાન નવીનચંદ્ર આરોપી નીકળતા હવે ગુનો નોંધાવાયો છે.