લો બોલો! રાજકોટમાં કંપનીના પૂર્વ એકાઉન્ટન્ટે આઇડી હેક કરી માલિક પાસે 80 લાખ માંગ્યા,જાણો શું છે મામલો
રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર મવડી સર્કલ નજીક આવેલા આર.કે.એમ્પાયરમાં કાર્યરત પ્રોમોકાશ આઉટ સોર્સિંગ કંપનીનું ઈ-મેઈલ આઈડી હેક કરી પૂર્વ કર્મચારીએ જ 80 લાખની માંગણી કરતા સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.
આ અંગે કંપનીના ડાયરેક્ટર કૈલાશ અરવિંદભાઈ પ્રજાપતિએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેમની કંપની દ્વારા લેબર સપ્લાયનું કામ કરવામાં આવે છે અને ઈ-મેઈલ આઈડીનો વપરાશ ફરિયાદી પોતે જ કરે છે. દરમિયાન 27 જૂને તેઓ કંપની પર હતા ત્યારે મોબાઈલ પર નોટિફિકેશન આવ્યું હતું કે કંપનીનું ઈ-મેઈલ આઈડી અન્ય ડિવાઈસમાં લોગ-ઈન થયું છે.
આ પછી કૈલાશે તેના મોબાઈલમાં પોતાનું આઈડી લોગ-ઈન કરતા તે થઈ રહ્યું ન્હોતું અને હેક થયાનું સામે આવ્યું હતું. આ પછી થોડા દિવસ બાદ અનંત કોબિયા કે જે અગાઉ કંપનીમાં નોકરી કરતો હતો તે કૈલાશને સોરઠિયાવાડી સર્કલ પાસે મળ્યો હતો અને કૈલાશને કહ્યું હતું કે કંપનીનું આઈડી તેણે જ હેક કર્યું છે એટલે આઈડી અને કંપનીનો તમામ ડેટા પરત જોઈતો હોય તો 80 લાખ આપવા પડશે અને જે પૈસા નહીં આપે તો કંપનીનો પસા ડેટા વાયરલ કરી દેશે.
આ પણ વાંચો :બેધ્યાનપણું ? હજુ સરકારી બંગલો પર તો રાજકોટના જૂના S.P.નો જ સિક્કો !
કૈલાશ પ્રજાપતિએ જણાવ્યું કે અનંત વાઘજીભાઈ કોબિયા ત્રણ વર્ષ પહેલાં પ્રોમોકાશ કંપનીમાં એકાઉન્ટન્ટ તેમજ એચ.આર.તરીકે નોકરી કરતો હતો પરંતુ તેની સાથે મનમેળ ન આવતાં છૂટો કરવામાં આવ્યો હોવાથી તેણે કંપનીની જાણ બહાર આઈડી હેક કરી ડેટા વાયરલ કરવાની ધમકી આપી હતી. પોલીસે ગુનો નોંધી અનંત કોબિયાની શોધખોળ આદરી હતી.