રાજકોટની પારસ સોસાયટીના જમીન કૌભાંડમાં કલેકટરનો મહત્વનો ચુકાદો : નકલી દસ્તાવેજના આધારે કરોડોની જમીન હડપ કરવાનો પ્રયાસ નિષ્ફળ
રાજકોટ શહેરના નિર્મલા કોન્વેન્ટ રોડ ઉપર પારસ સોસાયટીમાં આવેલી કરોડોની કિંમતની 917 ચોરસવાર જમીનમાં કૌભાંડ આચરી જમીન કૌભાંડી તત્વોએ સ્ટેમ્પ પેપર વગરના બોગસ કુલમુખત્યારનામા અને સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધાયા જ ન હોય તેવા દસ્તાવેજના આધારે હડપ કરી લઈ બાદમાં ઉતરોતર અન્ય ચાર વેચાણ વ્યવહાર કરી આ જમીનનું ટાઇટલ ડહોળી નાખવા પ્રકરણમાં વર્ષ 2009માં દાખલ કરેલી અપીલ અરજી વર્ષ 2021માં કાઢી નાખ્યા બાદ જમીનના સાચા માલિક એવા અરજદારોએ વર્ષ 2021માં જિલ્લા કલેકટર રાજકોટ સમક્ષ રીવીઝન કેસ દાખલ કરતા રાજકોટ જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશે જમીન કૌભાંડી તત્વોને કડક સંદેશો આપતો મહત્વનો ચુકાદો આપી બોગસ દસ્તાવેજના આધારે થયેલી પાંચ નોંધ રદ કરવા હુકમ કર્યો હતો.

રાજકોટ જિલ્લા કલેકટર તરીકે ચાર્જ સંભાળતાની સાથે જ પેન્ડિંગ રેવન્યુ કેસનો નિકાલ કરવાની નેમ સાથે અઠવાડિયામાં ત્રણ -ત્રણ અપીલ બોર્ડ ચલાવતા જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશે એક રીવીઝન કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. શહેરના નિર્મલા કોન્વેન્ટ રોડ ઉપર આવેલ પારસ સોસાયટીમાં આવેલ રૈયા રેવન્યુ સર્વે નંબર 91ના પ્લોટ નંબર 82 અને રૈયા ટીપી સ્કીમ નંબર -1ના ફાઇનલ પ્લોટ નંબર 314ની જમીન મૂળ માલિક સવિતાબેન પ્રેમચંદભાઈ મહેતાના નામે આવેલ હતી. જેમાં સવિતાબેન મહેતાનું વર્ષ 1975માં અવસાન થયું હોવા છતાં જમીન કૌભાંડી તત્વોએ કરોડોની કિંમતની 917 વાર જમીન હડપ કરી જવા વર્ષ 1962માં સ્ટેમ્પ પેપર વગરનું કુલમુખત્યાર નામું બનાવી ગુલાબચંદ છગનલાલ શાહ નામના વ્યક્તિએ આ જમીનનો છોટાલાલ લાધાભાઇ રાજવીરના નામે દસ્તાવેજ કરી આપ્યો હતો. બાદમાં છોટાલાલ રાજવીરે આ જમીન 1972માં ભાયાવદરના તત્કાલીન ચીફ ઓફિસર મેરામણ કાળુભાઇ ચુડાસમાને વેચાણ આપી દીધી હતી અને ઉતરોતર વેચાણ બાદ મેરામણભાઇ કાળુભાઇ ચુડાસમાના વારસદારોએ આ જમીન કોર્ટમાંથી હેઅરશીપ સર્ટી ફિકેટ મેળવી પોપટભાઈ રત્નાભાઇ કરડાણી અને મોહનલાલ રાજાભાઈ કંટારીયાને વેચી નાખી હતી.
બીજીતરફ ગુજરનાર સવિતાબેન પ્રેમચંદભાઈ મહેતાના વારસદારોએ જમીન કૌભાંડની જાણ થતા જ કાયદકીય રીતે જે દસ્તાવેજ સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધાયા જ નથી તેને સિવિલ કોર્ટ સહિતની જગ્યાઓએ પડકાર્યા હતા અને લાંબી કાનૂની લડત આપી જમીન કૌભાંડ મામલે વર્ષ 2009માં રાજકોટ શહેર પ્રાંત-1 કચેરીમાં મહેસુલી કાયદાની કલમ 108(5) અન્વયે અપીલ કરી પડકાર્યો હતો પરંતુ પ્રાંત અધિકારીએ અપીલ કાઢી નાખતા વર્ષ 2021માં જિલ્લા કલેકટર સમક્ષ અપીલ સામે રીવીઝન અરજી કરવામાં આવતા જિલ્લા કલેકટર રાજકોટ દ્વારા અરજદાર ગુજરનાર સવિતાબેન પ્રેમચંદભાઈ મહેતાના વારસદાર અજયભાઇ પ્રેમચંદભાઈ મહેતા સહિતના ત્રણ અરજદારોની તરફેણમાં ચુકાદો આપી રીવીઝન અરજી મંજુર કરી રેવન્યુ રેકર્ડમાં પડેલી પાંચ નોંધ રદ કરવા હુકમ કર્યો હતો.
વર્ષ 2009માં મામલતદારે ફોજદારી કરવા અભિપ્રાય આપેલ
વર્ષ 2009માં નિર્મલા રોડના જમીન કૌભાંડમાં બોગસ દસ્તાવેજના આધારે હકકપત્રકમાં દાખલ થયેલ નોંધ મામલે તાત્કાલીક ફોજદારી કાર્યવાહી કરવા દાખલારૂપ કાર્યવાહી કરવા મામલતદારે અભિપ્રાય અપાતા રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા સબ રજીસ્ટ્રાર રાજકોટને ફરીયાદ દાખલ કરવા પણ ખાનગી અગ્રતા લક્ષી પત્ર પણ લખેલ હોવાનો મુદ્દો પણ રીવીઝન કેસની દલીલ દરમિયાન ફરિયાદ પક્ષ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો.
પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાઈ હતી ફરિયાદ
બોગસ દસ્તાવેજને આધારે નિર્મલા રોડ ઉપર જમીન હડપ કરવાના કૌભાંડમાં વર્ષ 2011માં પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ગુન્હા રજીસ્ટર નં.32/11થી વ્રજકુંવરબા મેરામણ ચુડાસમા તેમના પૌત્ર દિવ્યરાજસિંહ પ્રવિણસિંહ ચુડાસમા, મહીપાલસિંહ ચુડાસમા તથા એક એડવોકેટ સામે કેસ દાખલ થયો હોવાનું અને આ કેસના કાગળો પણ રીવીઝન કેસમાં રજૂ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
