કચ્છમાં કોલ્ડવેવ વચ્ચે રાજકોટમાં ઠંડી વધી
રાજકોટના લઘુતમ તાપમાનમાં 1.5 ડિગ્રી ઘટી 9.3 ડિગ્રી થયું
રાજકોટ : હવામાન વિભાગે કચ્છમાં બે દિવસના કોલ્ડવેવ યલો એલર્ટ આપ્યાની સાથે જ સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનું પ્રમાણ વધી ગયું હતું, રાજકોટમાં બુધવારે લઘુતમ તાપમાન દોઢ ડિગ્રી ઘટી જતા તાપમાનનો પારો ફરી સિંગલ ડીઝીટમાં ચાલ્યો ગયો હતો અને લઘુતમ તાપમાન 9.3 ડિગ્રી નોંધાયું હતું. આ ઉપરાંત નલિયામાં 7.5 ડિગ્રી, અમરેલીમાં 9.8 ડિગ્રી અને ભાવનગરમાં પણ 9.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું.
સૌરાષ્ટ્ર -ગુજરાતમાં બે દિવસ ઠંડીમાં રાહત અનુભવાયા બાદ ગઈકાલથી ફરી ઠંડીની તીવ્રતામાં વધારા સાથે હવામાન વિભાગે કચ્છ માટે બે દિવસનું કોલ્ડવેવનું યલો એલર્ટ આપતા બુધવારે રાજકોટ, ભાવનગર,અમરેલી અને નલિયામાં લઘુતમ તાપમાનનો પારો સડસડાટ નીચે ઉતરી ગયો હતો. બુધવારે નલિયામાં 7.5, રાજકોટમાં 9.3 ડિગ્રી, ભાવનગરમાં 9.6 ડિગ્રી નોંધાયું હતું જયારે અમદાવાદમાં ઠંડી ઘટતા લઘુતમ તાપમાન 14.8, વડોદરામાં 12.8, ભુજમાં 10.6, દમણમાં 14.4, ડિસામાં 12.8, દિવમાં 15, દ્વારકામાં 16.2, ગાંધીનગર ખાતે 12 ડિગ્રી અને કંડલામાં 13.5, ઓખામાં 18.6, પોરબંદરમાં 10.5, સુરતમાં 15.2 તથા વેરાવળમાં 16.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું.
