ચુંટણીના પરિણામ બાદ ઘર્ષણ : જૂનાગઢમાં કોંગ્રેસના વિજય સરઘસ પર પથ્થરમારો, વાંકાનેરમાં ફટાકડા ફોડવા મામલે માથાકૂટ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવી હતી. જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની ચૂંટણી માટે સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં મારામારીની બે ઘટના સામે આવી છે. વાંકાનેર નગરપાલિકા ચૂંટણી પરિણામ બાદ મારામારી થઈ હતી તો જુનાગઢમાં કોંગ્રેસના વિજય સરઘસ પર પથ્થરમારો થયો હતો. ત્યારે આ બંને મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
જુનાગઢમાં શું છે સમગ્ર મામલો ??
જૂનાગઢમાં વોર્ડ નંબર-8 માં કોંગ્રેસની જીત થતાં જ પથ્થરમારાની ઘટના સામે આવી છે. પથ્થરમારામાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયાં હતાં. કોંગ્રેસના વિજય સરઘસ દરમિયાન પથ્થરમારો થયો હોવાનું સામે આવ્યું છે. હાલ, પોલીસે સમગ્ર મામલો થાળે પાડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે. આ દરમિયાન એક મહિલા કોન્સ્ટેબલને ઈજા પણ પહોંચી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ત્રણ લોકોની અટકાયત કરી હતી.

ફટાકડા ફોડવા મામલે માથાકૂટ થઈ હતી
વાંકાનેરમાં પણ ફટાકડા ફોડવા જેવી બાબતે માથાકૂટ થઈ હતી. અહીં વિજેતા ઉમેદવારો દ્વારા એક દુકાન પાસે ફટાકડા ફોડતા મારામારી કરવામાં આવી હતી. વાંકાનેર નગરપાલિકાના વોર્ડ 6ના બંને પક્ષોના સમર્થકો સામસામે આવ્યા હતા. ભાજપના ઉમેદવારો વિજેતા થતા આપના ઉમેદવારની દુકાન પાસે ફટાકડા ફોડવા મામલે માથાકૂટ થઈ હતી. હાલ તો પોલીસે સ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો છે. ડીવાયએસપી એસ.એચ.સારડા એ વાંકાનેરમાં હાલ શાંતિનું વાતાવરણ હોવાનું જણાવ્યું હતું.
જૂનાગઢમાં હાર થતાં જ ઉમેદવાર ભાજપમાં જોડાયા
જૂનાગઢ મહાનગરપાલિકામાં વોર્ડ નંબર નવમાં કોંગ્રેસના ઉમેદવાર મહિપાલસિંહ બસિયા હાર્યા છે. આ હારની જાહેરાત થયાના થોડી જ ક્ષણોમાં તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતાં. સૂત્રોએ જણાવ્યું કે, કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે ફંડ ન મળતાં મહિપાલસિંહ નારાજ હતાં. જેથી કંટાળીને ભાજપમાં જોડાયા છે.