રાજકોટ અને ગોંડલના GST ‘જાદુગરો’ વચ્ચે ચોર પે મોર !
GSTમાં લાખો, કરોડોના કાળાધોળા થતાં હોવાની વાતો છૂપી નથી અને લેતીદેતીના આંકડાઓ પણ સાત, આઠ આંકમાં હોય છે. રાજકોટ અને ગોંડલ પંથકના GSTના બે જાદુગર વચ્ચે મોટા લેતીદેતીના વહીવટમાં બન્ને બાજુએ હવાલા અપાતા ‘ચોર પે મોર’ પડયા જેવો ઘાટ થયો. ખંખેરાયેલા રાજકોટના જાદુગર પાસેથી પોલીસે ‘કડદો’ કરીને મામલો સુલટાવ્યાની ચર્ચા ચાલી છે. GSTના કહેવાય છે કે બે નંબરના બીલોમાં બહુ મોટા આંકોમાં વ્યવહારો થતાં હોય છે. જો ઉઘાડા પડે તો અંતે તો ધંધા (બે નંબરના)ને ધક્કો આવે માટે ‘મેરી ભી ચૂપ, તેરી ભી ચૂપ’ની માફક અત્યારે સમેટાયેલા જેવું છે. હવાલો રાખનાર મુક્ત થયા બાદ કદાચ ફરી નવા-જૂની થાય તેવી પણ કહીસુની વાતો વહી રહી છે.
GST બિલિંગના લાખો, કરોડોના વ્યવહારોના બોગસ બીલના કાંડો માટે ભાવનગર પંકાયેલું હતું. આ વાયરો સૌરાષ્ટ્રમાં રાજકોટ અને ગોડેલ તરફ વધુ ફેલાયેલો અને છાનાખૂણે (કદાચ પોલીસને ખ્યાલ પણ હશે) આવી બોગસ બિલિંગ પેઢીઓ, ઓફિસો ધમધમે છે. આવા પેઢીવાળાઓ વચ્ચે પણ આંતરિક બીલો સુલટાવવાના મોટા-મોટા વ્યવહારો થતાં હોવાની વાત છે. ગોંડલ પંથકના જ એક GST જાદુગર અને રાજકોટના GST જાદુગર વચ્ચે આવા મોટા વ્યવહારમાં ગોંડલ તરફના જાદુગરને આઠેક આંકમાં રાજકોટના જાદુગર પાસે વ્યવહાર લેવાનો નીકળતો હતો.
હાથ ઉંચા કરી દેવાની કે કળા કરી જવાની ટેવ ધરાવતા રાજકોટના જાદુગરે આઠ આંક દેવામાં આનાકાની, ટપ્પાઓ પાડતા અને કહેવાય છે કે પોતાની ધુંબામારૂ ટેવ મુજબ સાવ હાથ ખંખેરી નાખતા ગોંડલ પંથકના જાદુગરે રાજકોટના જ એક ઇસમને રાજકોટના જાદુગર પાસેના આઠ આંક કઢાવવાનો ઓળખીતા થકી હવાલો આપ્યો હતો.
મોટું કામ કરતાં ડ્રાઈવિંગ ધંધા સાથે સંકળાયેલા ઈસમે રાજકોટના GST જાદુગર પાસે આંક કઢાવવા ગોંડલના જાદુગરનો પક્ષ લઈને ધાકધમકી કે આવો દૌર ચાલુ કર્યો હતોની ચર્ચા છે. સાતીર દિમાગવાળા જાદુગર પિતા-પુત્રની જોડીએ પણ આઠ આંક ચૂકવવા ન પડે અને રસ્તો નીકળી જાય તે માટે એક વચેટિયા થકી કહેવાય છે કે રાજકોટના જ આવા એક ઈસમને માથા સામે માથું માનીને વળતો હવાલો આપ્યો હતો. ગોંડલ તરફના હવાલાબાજનું દબાણ હળવું અને બંધ થઈ ગયું એટલે રાજકોટના જાદુગરે તો જંગ જીત્યા એવું માની લીધું હતું. જે કે કહાનીમે ટ્વીસ્ટ ત્યાંથી યાંથી જ આવ્યો. હવે પોતાના જ હવાલાબાજ ગળે પડયો હતો. કહેવાય છે કે મોટો લાખેણો વહીવટ લીધો અને રાજકોટ નજીકના જ જાદુગરના બંગલો, ફાર્મ કે આવી જગ્યામાં અહો જમાવી દીધો હતો.
બકરૂ કાઢતા ઊંટ્યુ પેઠુની માફક ફસાયેલા જાદુગર પિતા-પુત્રએ એવી ચર્ચા કે વાતો છે કે અંતે જાણીતા થકી એક પોલીસ મથક તરફ સહારો લીધો હતો. પોલીસે મોટો ‘કડદો’ કરીને હવાલાબાજને લઈ આવી મેઘાવી રૌદ્ર રૂપ બતાવ્યું હતું. હવાલાબાજને અન્ય કોઈ ગુનામાં લઈને હાલતો હળવો પાડી દીધો છે. ત્રણ અક્ષરવાળા એ ઈસમના પંજામાંથી મુક્ત થયેલા જાદુગર પિતા-પુત્રને અત્યારે ગરમીમાં કદાચ શિતળતા થઈ હશે. ઉપરોક્ત બધી વાતો ક્યાંય ઓન પેપર નથી. ચર્ચા કે જો અને તો જેવી કે અફવારૂપ માનવી પડે.
વચેટિયાએ બતાવેલો વચલો માર્ગ કાંટાળો નીકળતા પોલીસ આવી ?
ગોંડલ તરફના વ્યક્તિએ આપેલા હવાલામાં ફસાયેલા રાજકોટના GST જાદુગરે જાળ ભેદવા પોતાના વચેટિયાને આ લાઈનમાં માથા સામે માથું ગોતવા કહ્યું હતું. કહેવાય છે કે વચેટિયો પર બેનંબરી લાઈન દારૂ કે આવું કંઈ હશે સાથે સંકળાયેલો હોવાથી તેને ત્રણ અક્ષરધારી સાથે જાદુગરનો સંપર્ક કરાવ્યો હતો. સામેવાળો તો બંધ થયો પરંતુ પોતાનો જ હવાલાબાજ ગળાનું હાડકું બની જતાં ફરી ધંધાર્થી વચેટિયાએ જ જાદુગરને હવાલાબાજનો રસ્તો કરાવવાનો કિમિયો શોધી આપ્યો હતો અને પોલીસને લાખેણી મધ્યસ્થીથી મામલો થાળે પડયાની ચર્ચા છે.
હવાલા લેનારા, દેનારા બધા જ ત્રણ અક્ષરધારી !
GSTના જાદુગરોના હવાલાકાંડમાં એવી ચર્ચા કે વાત છે કે જ્યાંથી શરૂ થયું અને પુરૂ થયું ત્યાં સુધી બધા ત્રણ અક્ષરનો જ સુમેળ રહ્યો. GST ત્રણ અક્ષર ગોંડલ તરફના તથા રાજકોટના જાદુગર ત્રણ અક્ષર નજીકના અને બન્ને તરફે હવાલા લેનારા પણ ત્રણ અક્ષરના અને પોલીસ પણ ત્રણ અક્ષરમાં. એક માત્ર વચેટિયો ચાર અક્ષરધારી હોવાની આવી ખરી ખોટી વાતો વર્તુળોમાં વહેતી હશે.
