રાજકોટની ફન સ્ટ્રીટમાં બાળકોનો કિલ્લોલ સંભળાશે: TRP અગ્નિકાંડને લીધે બંધ થયેલી ‘ફન સ્ટ્રીટ’ એક રવિવાર માટે યોજાશે !
રાજકોટના નાનામવા રોડ પર આવેલા ટીઆરપી ગેઈમ ઝોનમાં થયેલા અગ્નિકાંડની અસર અનેક ક્ષેત્ર ઉપર પડવા પામી હતી ત્યારે આવી જ એક બાળકથી લઈ મોટેરા સુધીની ઈવેન્ટ કે જે દર રવિવારે રેસકોર્સમાં યોજાતી હતી તેને પણ અસર પડી હતી. મહાપાલિકા દ્વારા ચારથી પાંચ હજાર બાળકો જ્યાં એકઠા થઈ વિવિધ રમત રમતાં હતા તે `ફન સ્ટ્રીટ’ને બંધ કરવાનો આદેશ આપતાં બાળકો તેમજ વાલીઓમાં નિરાશા વ્યાપી જવા પામી હતી ત્યારે ફરી એક વખત ફન સ્ટ્રીટમાં બાળકોનો કિલ્લોલ સંભળાશે પરંતુ માત્ર એક રવિવાર પૂરતો જ !
મહાપાલિકા દ્વારા કરાયેલી જાહેરાત પ્રમાણે તા.18ને રવિવારે સવારે 8થી 10 વાગ્યા સુધી રેસકોર્સમાં હેપ્પી સ્ટ્રીટ (ફન સ્ટ્રીટ)નું આયોજન કરવામાં આવ્યું છે. આ ફન સ્ટ્રીટમાં મ્યુઝિકલ ચેર, લંગડી, કોથડા દોડ, લીંબું ચમકી, લખોટી, ભમરડા, ગોળ કુંડાળા, ચેસ, કેરમ, સાપસીડી, લૂડો, ડાન્સ ગરબા સહિતની રમતો રમાડવામાં આવશે. અહીં તમામને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે અને પરિવાર સિવાય આવનાર વ્યક્તિએ ઓળખકાર્ડ સાથે રાખવાનું રહેશે.
બીજી બાજુ જાણવા મળ્યા પ્રમાણે મહાપાલિકા દ્વારા સરકારમાં કોઈ પ્રોજેક્ટ રજૂ કરવાનો હોવાને કારણે એક રવિવાર પૂરતી ફન સ્ટ્રીટને મંજૂરી આપવામાં આવી છે. જો સફળ થશે તો ઉનાળામાં ફરી તેને શરૂ કરાશે.
