- મંત્રી અને અધિકારીઓને મળતી ભેટ-સોગાદના નિયમોમાં ફેરફાર
- મંત્રી કે સરકારી કર્મીઓ પાંચ હજાર સુધીની ભેટ-સોગાદ તેમજ વિદેશી ભેટ સોગાદ 10 હજાર સુધીની રાખી શકાશે
ગાંધીનગર
મંત્રી કે સરકારી કર્મીઓને ફરજ દરમિયાન મળતી ભેટ સોગાદ મામલે 10 વર્ષ બાદ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. મંત્રી કે સરકારી કર્મીઓ ફરજ દરમિયાન પાંચ હજાર સુધીની ભેટ-સોગાદ રાખી શકાશે અને વિદેશી ભેટ સોગાદ 10 હજાર સુધીની રાખી શકાશે. આનાથી વધુ કિંમતની ભેટ સોગાદો હશે તો સરકારને રકમ ચૂકવ્યા બાદ રાખી શકાશે.
મહત્વનું છે કે 2014ના નિયમમાં આવી ભેટ-સોગાદ જો એક હજાર રૂપિયા સુધીની હોય તો પોતાની પાસે રાખી શકાતી હતી.2024 મુદ્દે નાણાં વિભાગે એક પરિપત્ર પણ જાહેર કર્યો છે.પરિપત્રમાં જણાવ્યું છે કે, તોશાખાનાની વસ્તુઓ, ભેટ વેચાણ આપવા અથવા બીજા કોઇ હેતુ માટે જરૂરી ન હોય અથવા સંગ્રહાલય કે બીજા સ્થળોએ ઉપયોગ માટે લોન પર આપવા અથવા મુળ વસ્તુ જમા કરાવનાર વ્યકિત ઉપર્યુકત શરતોએ વસ્તુઓ લેવા માંગતા ન હોય તો તે વસ્તુઓ કાયમી વ્યવસ્થાના ભાગરૂપે વર્ષમાં રાષ્ટ્રીય પર્વ અથવા મહત્વના રાષ્ટ્રીય દિવસો અથવા અન્ય દિવસોના નજીકના સમયગાળામાં ઇ-હરાજી/વેચાણથી નિકાલ કરવામાં આવશે.
તોશાખાનાની ચીજ-વસ્તુઓની ઇ-હરાજી વેચાણ બાદ ઈ-પેમેન્ટથી મળેલ રકમ જમા થયાની ખાતરી કર્યા બાદ ખરીદનારને વસ્તુઓ સોંપવી. આ રીતે મળેલ રકમ ઈ-પેમેન્ટ દ્વારા મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિમાં, ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લી.દ્વારા ત્રિ-માસિક ધોરણે જમા કરાવવાની રહેશે.