પીજીવીસીએલ-જેટકો ગેરકાયદેસર જીએસટી ઉઘરાવતું હોવાનો ચેમ્બરનો આરોપ
એચટી કનેક્શનમાં જીએસટીની જોગવાઈ ન હોવા છતાં પ્રો.રેટાના નામે ઉઘરાણા કરાતા હોવાની ઉચ્ચકક્ષાએ ફરિયાદ
ગુજરાત સરકારની પીજીવીસીએલ, જીયુવીએનએલ અને જેટકો વીજ કંપની હાઈટેન્શન વીજ કનેક્શન માંગવાના કિસ્સામાં પ્રો.રેટા ચાર્જમાં ખોટી રીતે 18 ટકા જીએસટી વસુલતી હોવાનો આરોપ લગાવી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ દ્વારા ત્રણેય વીજ કંપનીના એમડીને લેખિત રજુઆત કરી અત્યાર સુધી ગેરકાયદેસર રીતે ઉઘરાવવામાં આવેલ જીએસટીની રકમ પરત આપવા માંગણી કરી હતી.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ વી.પી.વૈષ્ણવે પીજીવીસીએલ, જીયુવીએનએલ અને જેટકોના મેનેજીંગ ડિરેક્ટરને લેખિત રજુઆત કરતા જણાવ્યું હતું કે, એચટી એટલે કે, હાઈટેન્શન વીજ કનેક્શનમાં પ્રોરેટા ચાર્જમાં વસુલવામાં આવતા જીએસટીની વિસંગતતા સત્વરે દૂર કરવામાં આવે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, હાલ ઈન્ડસ્ટ્રીયલ એકમો દ્વારા હાઈટેન્શન કનેકશનની માંગણી કરવામાં આવે છે ત્યારે તેઓના કવોટેશનમાં પ્રોરેટા ચાર્જ પ્રતિ કિલો વોટના 1879 પ્રમાણે વસૂલી તેના ઉપર 18 ટકા જીએસટી પણ વસુલવામાં આવે છે. જે કેન્દ્ર સરકારના નોટીફિકેશન મુજબ નિયમ વિરૂધ્ધની પ્રેકટીશ થતી હોય તેવું જણાઈ રહયું છે.
વધુમાં હાઈટેન્શન કનેકશન મેળવનાર ગ્રાહકો માટે જે તે સમયે કોઈપણ પ્રકારની સર્વિસ કે નવું ઈરેકશન કનેકશનની માંગણી વખતે કરવામાં આવતું નથી. તેમ છતા 18 ટકા જીએસટી ઉઘરાવવું અવ્યવહારૂ જણાય છે. જીએસટી હંમેશા ગુડઝ-ખરીદી અને સર્વિસ ઉપર જ લાગતો હોય છે જેથી ગ્રાહકોનો પ્રોરેટા ચાર્જમાં સમાવેશ થતો નથી. વધુમાં કેન્દ્ર સરકારના Notification No.08/2024-Central Tax (Rate) તા.8-10-2024 મુજબ પેરા 25થી જીએસટી મુકિત માટે વિગતવાર જણાવેલ છે. તેમ છતાં વિવિધ કચેરીઓ દ્વારા જીએસટી વસુલવામાં આવે છે જે અવ્યવહારૂ હોય આ અંગે જરૂરી માર્ગદર્શન આપવા તેમજ જો આ નોટીફિકેશનનું અમલીકરણ થયેલ હોય તો ત્યાર પછી ઉઘરાવેલ તમામ ગ્રાહકોની જીએસટીની રકમ પરત આપવા માંગણી ઉઠાવવામાં આવી હતી.