CBSE New Rule: ધોરણ 10ની બોર્ડની પરીક્ષા વર્ષમાં 2 વખત લેવાશે, જાણો શા માટે બદલાયો પરીક્ષાનો નિયમ
સેન્ટ્રલ બોર્ડ ફોર સેકન્ડરી એજ્યુકેશન એટલે કે CBSE આગામી ૨૦૨૬થી ધો. ૧૦ માટે વર્ષમાં બે વખત બોર્ડની પરીક્ષા યોજશે. નવી શિક્ષણ નીતિની જોગવાઈઓ હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો છે. સીબીએસઈ ૨૦૨૬-૨૭ માટે ૨૬૦ જેટલી વિદેશી શાળાઓ માટે વૈશ્વિક અભ્યાસક્રમ પણ રજૂ કરશે.
તાજેતરમાં શિક્ષણ મંત્રાલયે મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના નેતૃત્વમાં CBSEના અધિકારીઓ અને રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (NCERT),કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (KVS) અને નવોદય વિદ્યાલય સમિતિ (NVS) ના વડાઓ સાથે ચર્ચા કરી હતી.

CBSEએ વાર્ષિક બહુવિધ બોર્ડ પરીક્ષાઓ લાગુ કરવાની યોજના જાહેર કરી છે, જેનાથી વિદ્યાર્થીઓ બે વાર પરીક્ષા આપી શકે અને તેમનો શ્રેષ્ઠ સ્કોર જાળવી શકે.
મંત્રાલયના એક અધિકારીના જણાવ્યા અનુસાર, આ નિર્ણય પાછળનો હેતુ વિદ્યાર્થીઓ ઉપરથી આખી પરીક્ષાનું દબાણ ઘટાડવાનો અને તેમને તેમના પરફોર્મન્સ સુધારવાની વધુ એક તક મળે તે છે.
આ ઉપરાંત, CBSE 2026-27માં વિદેશી શાળાઓ માટે તેનો વૈશ્વિક અભ્યાસક્રમ પણ શરૂ કરશે. આ અભ્યાસક્રમ મુખ્ય ભારતીય વિષયોને એકીકૃત કરશે.