સાવધાન! હવે ઘર કે ઓફિસના CCTV હેક થવાનું જોખમ : રાજકોટનાં 33 કેમેરા સંવેદનશીલ,અમેરિકી સાયબર નિષ્ણાતે આપી ચેતવણી
ગુજરાતમાં રાજકોટના 33 સહિત કુલ 777 સીસીટીવી કેમેરા હેક થવાનુ જોખમ છે તેવો મત સાયબર સુરક્ષા નિષ્ણાતોએ વ્યક્ત કર્યો છે. રાજકોટ ઉપરાંત અમદાવાદમાં 399, સુરતમાં 166, વડોદરામાં 87, ભાવનગરમાં 24 અને ગાંધીનગરમાં 20 કેમેરા એવા મળ્યા છે જેની સાથે ચેડા થયેલા છે. દેશમાં આવા સંવેદનશીલ કેમેરાની સંખ્યા 21,444 દર્શાવવામાં આવી છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે જે સીસીટીવી કેમેરાને સંવેદનશીલ ગણાવાયા છે તેમાં ઘર અને ઓફીસ ઉપરાંત દવાખાના કેમેરાનો પણ સમાવેશ થાય છે અને તે પણ હેક થઇ શકે છે.
કેટલાક મહિના પહેલા રાજકોટમાં એક ગાયનેક હોસ્પિટલનાં સીસીટીવી કેમેરા હેક થયા હતા અને હોસ્પિટલમાં સારવાર માટે આવતી મહિલાઓની અનેક કલીપ વાયરલ થઇ હતી. આ સમયે ભારે હોબાળો પણ મચી ગયો હતો. આ ઘટના પછી સાયબર નિષ્ણાતોએ સાયબર માફિયાઓ ઉપર નિયંત્રણ લાવવા માટે પગલાં ભર્યા હતા પરંતુ તે અપૂરતા સાબિત થયા છે અને અમેરિકા સ્થિત સાયબર નિષ્ણાતોના દાવા અનુસાર, ગુજરાતમાં આજના દિવસે 777 કેમેરા સંવેદનશીલ છે જે ગમે ત્યારે હેક થઇ શકે તેમ છે.
આ સંવેદનશીલ કેમેરા એવા સ્થળે લાગેલા છે જ્યાં હેકર્સ માટે પહોંચવું સરળ બને છે. થોડા સમય પહેલા દેશના માત્ર 80 ખાનગી ઈન્ટરનેટ પ્રોટોકોલ (આઇપી) આધારિત સીસીટીવી કેમેરા ડેશબોર્ડમાંથી 50,000 કલીપ ઉપાડી ગયા હતા. આવી વિડીયો કલીપ ટેલીગ્રામ જૂથ અને અન્ય પોર્ન નેટવર્કને વેંચી નાખવામાં આવી હતી.
આ પણ વાંચો :રાજકોટની કટારિયા ચોકડીએ ‘ટ્રાફિક ટેરર’ શરૂ: 5 મહિના સુધી ડાયવર્ઝન પરથી જ વાહનો ચલાવવા પડશે
સાયબર-સુરક્ષા ટ્રેકર્સ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે ગુજરાત એક ખૂબ મોટી સમસ્યાનો માત્ર એક ભાગ છે કારણ કે ભારતભરમાં 21,444 કેમેરા પણ એટલા જ સંવેદનશીલ છે, જે ઇન્ટરનેટ પર ચેડા થવાની રાહ જોઈ રહ્યા છે.જેમાં દિલ્હીમાં 3580, મહારાષ્ટ્રમાં 3170, ઉત્તરપ્રદેશમાં 1653, કર્ણાટકમાં 1321, તામિલનાડુમાં 1280, તેલંગાનામાં 1152 અને કેલિફોર્નિયાના સેન જોસ સ્થિત ઓફેન્સિવ સિક્યુરિટી સર્ટિફાઇડ પ્રોફેશનલ (ઓએસસીપી)-પ્રમાણિત સુરક્ષા ઇજનેર અને સ્વતંત્ર સંશોધક પોલ મેરાપેસીના જણાવ્યા અનુસાર આ એક રાષ્ટ્રીય સમસ્યા છે.2025માં ભારતના આઇપી એડ્રેસમાંથી કુલ 21,444 જેટલા ડીવાઈસમાંથી રેકોર્ડીંગ કર્યું હતું. દેશમાં દિલ્હી (2,914 ચેડા થયેલા આઇપી કેમેરા), મુંબઈ (1842), બેંગલુરુ (1205), હૈદરાબાદ (1100), પુણે (899), ચેન્નાઈ (823) અને કોલકાતા (683) જેવા મુખ્ય શહેરોમાં હજારો ખુલ્લા ઉપકરણો છે જે સંવેદનશીલ છે.
એક વાત સ્પષ્ટ છે કે, રાજકોટની ગાયનેક હોસ્પિટલમાં જે કેમેરા હેક થયા હતા તે પહેલી વાર થયા હોય તેવું છે જ નહી. મેરાપેસીના મત અનુસાર, રાજકોટ એપિસોડ બતાવે છે કે હોસ્પિટલના વોર્ડ, ઘરો, સિનેમા થિયેટર અને બેબી મોનિટરનું કેવી રીતે ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. ગુજરાત સીઆઇડી (ક્રાઈમ)ના એક વરિષ્ઠ અધિકારી કહે છે કે, “મુઠ્ઠીભર ચેડા થયેલા ડેશબોર્ડ્સ હજારો ક્લિપ્સ ફરીથી વેચાણ માટે બનાવી શકે છે.” જે ઉપકરણો હેક થવાની સંભાવના છે તેમના ઘણા બેબી મોનિટર અને `નેની કેમ્સ’ છે જે સરળતાથી જોઈ શકાય છે. આવા ઉપકરણોમાં `admin123′ જેવા ફેક્ટરી પાસવર્ડ્સ હોય છે.
