રાજકોટના હિરાસર એરપોર્ટ પર 5 જ મિનિટમાં પેસેન્જરોની બેગમાંથી રોકડ-ઘરેણાની ચોરી, LCB ટીમે શખ્સને દબોચ્યો
રાજકોટની ભાગોળે હિરાસર એરપોર્ટ ઉપર મુસાફરોની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને અહીંથી મુંબઈ અને દિલ્હી જવા માટે ખાસ્સો ધસારો હોય તેનો લાભ લઈને એરપોર્ટમાં જ નોકરી કરતો એક શખ્સને ચોરી કરવામાં ફાવટ આવી ગઈ હોય તેવી રીતે પાંચ જ મિનિટમાં પેસેન્સરોની બેગમાંથી રોકડ-ઘરેણાની ચોરી કરી લેતો હોવાની ફરિયાદ નોંધાતા જ ઝોન-1 એલસીબી ટીમે તાત્કાલિક ચોરી કરનારને દબોચી લઈ મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ અંગે મુળ મધ્યપ્રદેશ અને હાલ રેસકોર્સ રિંગરોડ પર આદિત્ય એપાર્ટમેન્ટમાં રહેતા અને આઈઓસીમાં ડિવિઝનલ હેડ તરીકે નોકરી કરતા વિનિત વિનોદભાઈ ખરેએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેમના પત્ની ગત 12 ઓક્ટોબરે સાંજે 6 વાગ્યાથી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં રાજકોટથી મુંબઈ જવા માટે નીકળ્યા હતા. તેમણે બેગમાં સોનાના ઘરેણા, રોકડ સહિતનો કિંમતી સામાન મુકેલો હતો. એરપોર્ટ પર 4ઃ30 વાગ્યે પહોંચી ગયા બાદ બેગનું ચેકિંગ કરાવી એર ઈન્ડિયાના ક્નવેયર બેલ્ટ ઉપર રાખ્યું હતું. જો કે મુંબઈ પહોંચી બેગ ચેક કરતા સોનાના ઘરેણા અને રોકડ ગાયબ જોવા મળતા એરસેવા પોર્ટલમાં ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદના આધારે ઝોન-1 એલસીબી ટીમના પીએસઆઈ બી.વી.ચુડાસમા, એએસઆઈ મનરૂપગીરી ગોસ્વામી ઉપરાંત રવિરાજ પટગીર સહિતે સીસીટીવી સહિતની ચકાસણી કરાતા જયરાજ કથુભાઈ ખાચર (રહે.મોલડી) ચોરી કરતો હોવાનું ધ્યાન પર આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં ખુલ્યા પ્રમાણે જયરાજે 12 ઓક્ટોબર ઉપરાંત 26 ઓક્ટોબરે એક પેસેન્જરની બેગમાંથી 85,000ની રોકડ પણ સેરવી લીધી હતી. એકંદરે તેણે બે પેસેન્જરની બેગમાંથી 2.30 લાખ રૂપિયાની મત્તા ચોર્યાનું ખુલ્યું હતું.
જયરાજનો પગાર 35,000 છતાં મોજશોખ માટે પૈસા ઘટતાં ચોરીના રવાડે ચડ્યો
પોલીસ તપાસમાં ખુલ્યા પ્રમાણે જયરાજ કથુભાઈ ખાચર (ઉ.વ.28) છેલ્લા બે વર્ષથી એરપોર્ટમાં સીસીટીવી ટેક્નીશ્યન તરીકે કામ કરે છે. તેને ક્યાં કયો કેમેરો લાગેલો છે તેની બરાબર જાણકારી રહેતી હતી એટલા માટે જ તેણે બ્લાઈન્ડ સ્પોટ મતલબ કે જ્યાં કેમેરો ન હોય તે સ્થળ પસંદ કર્યું હતું. આ માટે તેનું ધ્યાન ક્નવેયર બેલ્ટ પર પડ્યું હતું પરંતુ ત્યાં પાંચ જ મિનિટમાં ચોરીને અંજામ આપવો પડે તેમ હોય તે ઝડપથી બેગ બેલ્ટ પર આવે કે તેને ખોલીને અંદરથી જે કંઈ પણ મળે તે કાઢી લેતો હતો. જયરાજનો પગાર 35,000 રૂપિયા છે અને તે કરાર આધારિત નોકરી કરતો હોવાનું સામે આવ્યું હતું. જો કે મોજશોખ માટે પૈસા ઘટી રહ્યા હોય તે ચોરીના રવાડે ચડી ગયો હતો.
સ્કેનરની બાજુમાં જ ઉભો રહેતો…
લગેજ ચેક કરવા માટે ક્નવેયર બેલ્ટ ઉપર સામાન મુકાય અને તેમાં શું છે તેની જાણકારી મળી રહે તે માટે જયરાજ બેલ્ટથી થોડે જ દૂર આવેલા સ્કેનર પાસે ઉભો રહેતો અને જેવી તેને જાણ થાય કે સામાનમાં કશુક કિંમતી છે એટલે તુરંત જ તે સીસીટીવી ન હોય ત્યાં પહોંચી જતો અને બેગ બેલ્ટના છેડા સુધી પહોંચે ત્યાં સુધીમાં તેમાંથી સામાન કાઢી લેતો હતો.
