સગીર આરોપીના વાળ ખેંચી લેનાર રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથકના કોન્સ્ટેબલ સહિત બે સામે ગુનો દાખલ
કદાચ કોઈ પોલીસ ન આપતી હોય તેવી સજા રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથકની અંદર 17 વર્ષના એક સગીર આરોપીને આપવામાં આવી હોવાનો વીડિયો આગની જેમ સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો. આ ઘટના અત્યંત વખોડવાલાયક હોય પોલીસ કર્મચારી તેમજ આ પ્રકારની હિન હરકત કરનાર સામે ગુનો દાખલ કરવાની માંગ પ્રબળ બનતા આખરે ગાંધીગ્રામ પોલીસ મથકમાં જ કોન્સ્ટેબલ સહિત બે સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આ અંગે 17 વર્ષના સગીરની દાદીએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેમના પૌત્ર અને તેના મિત્રોને તેજસ ડાંગર નામના યુવક સાથે કનૈયા ચોક પાસે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં તેજસ ડાંગરને છરી લાગી ગયાનું સામે આવ્યા બાદ પૌત્રને એ જ દિવસે રાત્રે 12ઃ30 વાગ્યા આસપાસ ગાંધીગ્રામ પોલીસ ઘેર આવીને લઈ ગઈ હતી. આ પછી કાર્યવાહી કરી કોર્ટમાં રજૂ કર્યા બાદ તમામને ગોંડલ રોડ પર બાળ સુરક્ષા ગૃહમાં મોકલી દેવામાં આવ્યા હતા. આ પછી પૌત્ર 17 દિવસ બાદ જામીન પર છૂટ્યો હતો.
આ પણ વાંચો :રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠકમાં 38 કામો માટે રૂ.25 કરોડ મંજૂર : બાંધકામનાં ટેન્ડરોનો વરસાદ
દરમિયાન બે દિવસ પહેલાં વિસ્તારમાં રહેતા લોકોએ તેના મોબાઈલમાં એક વીડિયો બતાવ્યો હતો જેમાં એક વ્યક્તિ દ્વારા પૌત્રને ગાંધીગ્રામ પોલીસ મથકમાં નીચેના રૂમમાં બેસાડી માથામાંથી વાળ કાઢી લઈ તેને કચરા પેટીમાં નાખી રહ્યા હોય તેવું જોવા મળતું હતું. પૌત્ર દ્વારા વારંવાર આજીજી કરવા છતા પાંચ વખત વાળ ખેંચવામાં આવ્યાનું વીડિયોમાં જોવા મળી રહ્યું હતું.
ત્યારબાદ પૌત્રને પૂછતાં તેણે કહ્યું હતું કે ગાંધીગ્રામ પોલીસ મથકમાં શૈલેષ પરમાર નામનો એક વ્યક્તિ કે જે ત્યાં સફાઈ કામદાર તરીકે કામ કરે છે તેણે સગીરને નીચે બેસાડી તેના વાળ ઉખેડવાનું શરૂ કર્યું હતું. જ્યારે પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપ ડાંગર દ્વારા મોબાઈલમાં વીડિયો ઉતારવામાં આવી રહ્યો હતો.
આ ફરિયાદના આધારે ગાંધીગ્રામ પોલીસ દ્વારા કોન્સ્ટેબલ પ્રદીપ ડાંગર અને સફાઈ કામદાર શૈલેષ ચૌહાણ સામે ગુનો દાખલ કરી આ અંગેની તપાસ ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઈ પી.બી.પટેલને સોંપવામાં આવી હતી.
આ પણ વાંચો :સોનમ વાંગચૂકની ધરપકડનો આધાર બતાવો : વાંગચૂકની પત્ની દ્વારા થયેલી અરજી પર સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને નોટિસ
વીડિયો જોઈ સગીરની દાદીની તબિયત બગડી ગઈ
પોતાના પૌત્ર સાથે જાનવર જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો હોવાનો વીડિયો જોઈ તેના દાદીની તબિયત બગડી જવા પામી હતી જેથી તેમને હોસ્પિટલાઈઝડ કરવામાં આવ્યાનું તેમની સાથે આવેલા એક સામાજિક આગેવાને જણાવ્યું હતું. હોસ્પિટલમાંથી રજા મળતાં જ તેમણે પોલીસ કમિશનર સાથે મુલાકાત કરી હતી અને ત્યારબાદ ગાંધીગ્રામ પોલીસ મથક ખાતે જઈને કોન્સ્ટેબલ તેમજ સફાઈ કામદાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
