બનાસકાંઠામાં પ્રેમલગ્નમાં યુવકની હત્યાનો મામલો: 9 લોકોને પડી આજીવન કેદની સજા, જાણો શું હતો મામલો જેને કોર્ટે ઓનર કિલિંગ માન્યો
દાંતીવાડાના ગોઢ ગામના એકાદ વર્ષ પૂર્વે પ્રેમલગ્નના યુવકની હત્યાકેસમાં કોર્ટે ગઈકાલે મહત્વનો ચૂકાદો આપી નવ જેટલા આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. ગોઢ ગામના આ ચકચારી કેસને કોર્ટે ‘ઓનર કિલિંગ’ માની આવા ગુનાઓ સમાજ માટે અત્યંત ઘાતક છે. માટે આવા ગુનાઓ સામે કાયદાની કડકાઈ જ યોગ્ય જવાબ છે, માનીને ચુકાદો આપ્યો છે. 9 આરોપીઓને આજીવન કેદની સજા પડતા આ કેસ ફરી વાર ચર્ચામાં આવ્યો છે.
બનાસકાંઠા દાંતીવાડાના ગોઢ ગામે રહેતા મહેશ ઠાકોર નામના વ્યક્તિએ એકાદ વર્ષ પૂર્વે એક યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જોકે આ લગ્ન યુવતીના પરિવારને મંજુર નહોતા. યુવતીના પિયરપક્ષના 10-12 જેટલા શખ્સો ધારિયા, પાઈપો અને લાકડીઓ જેવા તીક્ષ્ણ હથિયારો સાથે મહેશના ઘરે ધસી જઈ મહેશ પર જીવલેણ હુમલો કરી હત્યા નીપજાવી હતી. હુમલામાં મહેશના માતા,પિતાને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી.
દાંતીવાડા પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી. તપાસમાં મજબૂત પુરાવા એકત્ર કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાઈ હતી. છેલ્લા એક વર્ષથી આ કેસ કોર્ટમાં ચાલતો હતો, ત્યારે 7મી ફેબ્રુઆરીને શનિવારે ડીસાની છઠ્ઠી એડિશનલ સેશન્સ કોર્ટે આ કેસ ‘ઓનર કિલિંગ’ સમાન ગણાવી નવ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.
ઓનર કિલિંગ એટલે કે સામાન્ય રીતે ‘માન-સન્માન’ કે ‘આબરૂ’ના નામે પોતાના જ પરિવારના સભ્યની હત્યા કરવી. ચકચારી ઘટનામાં યુવતીના પરિવારજનો આરોપીઓ ઠાકોર કપુરજી, ભગુજી રવાજી , નાગરજી, કાનાજી, જેઠા દલા, ભેરાજી કેવાજી, ભરતજી ઠાકોરે મળીને યુવકની હત્યા કરી કોર્ટે તેને ઓનર કિલિંગ માની આ કડક ચૂકાદો સંભળાવ્યો છે.
