રાજકોટ એરપોર્ટ પરથી ઓગસ્ટમાં કાર્ગો સેવા થશે શરૂ : ઓથોરીટી દ્વારા સત્તાવાર જાહેરાત, વેપારીઓ-ઉદ્યોગકારોને થશે મોટી રાહત
આખરે રાજકોટના ઉદ્યોગકારો અને વેપારીઓની માગણીનો અંત આવ્યો છે અને ઓગસ્ટથી રાજકોટ એરપોર્ટ પરથી કાર્ગોની સેવા શરૂ થવા જઈ રહી છે. કાર્ગો સર્વિસ બંધ હોવાના લીધે લાંબા સમયથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રની ઈન્ડસ્ટ્રીઝ અને વેપારીઓને મુશ્કેલી પડી રહી હતી. જૂના એરપોર્ટ પર કાર્ગો સુવિધા શરૂ કરાઈ હતી ત્યારબાદ હીરાસર એરપોર્ટ ખાતે કાર્ગોની સેવા બંધ થઈ ગઈ હોવાના લીધે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી વેપારીઓ અને ઉદ્યોગકારો માટે માલસામાન બાયરોડ અમદાવાદ સુધી પહોંચાડવો પડતો હતો.

આખરે ઉદ્યોગકારોની આ માગણીનો ઉકેલ આવ્યો છે અને ઓગસ્ટથી રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટથી કાર્ગો સેવા ઉડાન ભરશે. એરપોર્ટ ઓથોરિટીએ સત્તાવાર રીતે જાહેરાત કરી ઓગસ્ટના પ્રથમ સપ્તાહથી કાર્ગો ઓપરેશન શરૂ કરવા માટેની જાહેરાત કરી છે. ઓથોરિટીના જણાવ્યા અનુસાર કાર્ગો સર્વિસ માટેનો કોન્ટ્રાક્ટ અપાઈ ગયો છે જેમાં જેના માટે 18 જુલાઈના રોજ અમદાવાદથી બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટીની ટીમ વિઝિટ કરશે. રાજકોટ એરપોર્ટના ટર્મિનલની વિઝિટ કર્યા બાદ કાર્ગો ઓપરેશન શરૂ કરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કાર્ગો ટર્મિનલ હંગામી ધોરણે બનાવાયેલા પેસેન્જર ટર્મિનલ પરથી શરૂ થશે. સૌથી મોટી રાહત રાજકોટના ઝવેરીઓને થઈ છે. જોખમી માલસામાન મોકલવા માટે વાહન માર્ગે મોકલવામાં આવતો હતો જના કારણે ઘણી વખત લૂંટ જેવી ઘટનાઓ બનતી હોવાથી ઝવેરીઓમાં ફફડાટ રહેતો હતો. સોના-ચાંદીના દાગીના તથા ઈમિટેશન જવેલરી માટે રાજકોટ હબ ગણાય છે ત્યારે દેશ-વિદેશના જુદા જુદા સેન્ટરમાં ૧૦થી ૧૨ ટન માલ મોકલવામાં આવતો હોય છે.

ખાસ કરીને ચાંદી તથા ઈમિટેશન જવેલરી રાજકોટથી અમદાવાદ એરપોર્ટ સુધી બાયરોડ જતી હતી. આ બાબતે અનેક વખત ઓથોરિટી અને રાજકીય નેતાઓને વિવિધ વેપારી એસોસિએશનો દ્વારા પણ રજૂઆતો કરવામાં આવી હતી. છેવટે આ નિર્ણય લેવાયો છે અને જો ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહથી ઓપરેશન શરૂ થઈ જશે તો સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો અને વેપારીઓને મહત્તમ ફાયદો થશે.
આ પણ વાંચો : અમે રાજકોટના તમામ ખાડા બૂરી દીધા છે : સરકારને ઉઠાં ભણાવતી મનપા, હજુ અનેક વિસ્તારોમાં ગાબડાં છતાં સરકારને ઉંધા ચશ્મા પહેરાવ્યા

બે દિવસની ઉડાન: AIની મુંબઇની સવારની ફ્લાઇટ 1 ઓગસ્ટ સુધી ફરી કેન્સલ
રાજકોટ: મુંબઈ-રાજકોટ એર ઈન્ડિયાની ફલાઈટ આજથી શરૂ થઈ છે. ઈન્સ્પેક્શન અર્થે 15 દિવસ સુધી મુંબઈ-રાજકોટ-મુંબઈની સવારની ફ્લાઈટ બંધ કરવામાં આવી હતી જે ફરીથી શરૂ કરવાની જાહેરાત બાદ તા.16 અને 17 બે દિવસ રાજકોટથી ઉડાન ભરશે. ત્યારબાદ ૧લી ઓગસ્ટ સુધી સવારની આ ફ્લાઈટને બ્રેક લાગી જશે. એરલાઈન્સના અધિકારીઓના જણાવ્યા અનુસાર હાલના સમયમાં એરપોર્ટ પર ટ્રાફિક ખાસ્સો ઘટી ગયો છે જેના પગલે સવારની ફ્લાઈટ બે દિવસ ઉડાન ભરશે ત્યારબાદ 1લી ઓગસ્ટ સુધી આ ફ્લાઈટ બંધ કરાશે. સવારે 6.40 વાગ્યે મુંબઈથી ઉડાન ભરી રાજકોટ આવતી એક માત્ર સવારની ફ્લાઈટ મુંબઈ માટે હોવાથી ખાસ કરીને વેપારી વર્ગને ફાયદારૂપ છે. આજે અને આવતીકાલે 50 થી 60 જેટલા પેસેન્જરો હોવાના કારણે એરલાઈન્સ દ્વારા આ ફ્લાઈટનું ઓપરેશન હાલ પુરતું મુલત્વી રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી મહિનાથી તહેવારોની સીઝન શરૂ થતી હોવાથી ટ્રાફિક વધુ રહેશે જેને પગલે 1લી ઓગસ્ટથી એર ઈન્ડિયાની સવારની ફ્લાઈટ ફરીથી ઉડાન ભરશે.