રાજકોટ એરપોર્ટ પરથી ‘કાર્ગો’સુવિધાનું ટેકઓફ: પ્રથમ તબક્કે 1600 કિલો ચાંદી રવાના,ટૂંક સમયમાં ઈન્ડિગો પણ કાર્ગોસેવા શરૂ કરશે
વિઘ્નહર્તાનાં આગમન સાથે હીરાસર એરપોર્ટ પર કાર્ગો શરૂ કરવાના આડે આવી રહેલું “વિઘ્ન” દૂર થયું છે અને કાર્ગો સેવાનાં પ્રારંભ સાથે 1600 કિલો ચાંદી અને અન્ય પાર્સલ કાર્ગો મારફત મોકલવામાં આવ્યા છે.એરઇન્ડિયા દ્વારા કાર્ગો સેવા શરૂ થઈ છે ટૂંક સમયમાં ઈન્ડિગો પણ કાર્ગોની ઉડાન ભરશે.

હિરાસર એરપોર્ટ પરથી આઉટબાઉન્ડ કાર્ગો ઓપરેશન સફળતાપૂર્વક શરૂ કરવામાં આવ્યું છે.હાલનાં તબક્કે નવા ટર્મિનલમાંથી કાર્ગો સુવિધા માટે અલગ કાઉન્ટર કરાયું છે.જ્યાં દરરોજ રાત્રે 9 થી 12 વાગ્યા દરમિયાન પાર્સલ સ્વીકારવાની અને ચેક ઇન,સિક્યુરિટી સહિતની પ્રક્રિયા કરવામાં આવશે.

એર ઇન્ડિયા કાર્ગો દ્વારા રાજકોટ (હિરાસર) આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી આઉટબાઉન્ડ કાર્ગો ઓપરેશનનો સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલા પ્રયત્નો સાંસદ પુરુષોત્તમ રૂપાલાની આગેવાની તથા નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સહકારથી આ શક્ય બન્યું છે તેમ કાર્ગો પાર્સલ સાથે સંકળાયેલા વેન્ડરએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : ગુજરાતમાં બેનામી પક્ષોને રૂ.4300 કરોડનું દાન : ગુજરાત મોડલ એટલે વોટ ચોરી મોડલ કહીને રાહુલ ગાંધીએ ટીકા કરી
રીયા એર એક્સપ્રેસ પ્રા. લિ. અમદાવાદ દ્વારા પ્રથમ દિવસે આશરે 600 કિલો સિલ્વરનો કાર્ગો દિલ્હી માટે સફળતાપૂર્વક બુક કરી મોકલવામાં આવ્યો,બીજા દિવસે 1 ટન ચાંદી એર ઇન્ડિયા કાર્ગો ટીમ અને સ્થાનિક ઓપરેટર્સના સહયોગથી આ લોડ સમયસર સુગમતા સાથે રવાના થયો.હાલમાં 2 ટન સુધીનાં પાર્સલ મોકલી શકાશે.

કાર્ગો ટર્મિનલ તૈયાર નહિ થાય ત્યાં સુધી પેસેન્જર ટર્મિનલથી કાર્ગો ચાલુ રહેશે
નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા 9 ઑગસ્ટ 2025ના રોજ જારી કરાયેલા પત્રમાં જણાવાયું હતું કે BCAS (Bureau of Civil Aviation Security) ની સિક્યુરિટી મંજૂરી બાદ 6 ઑગસ્ટ 2025થી આઉટબાઉન્ડ કાર્ગો ઓપરેશન શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે. જ્યાં સુધી ડેડિકેટેડ કાર્ગો ટર્મિનલ તૈયાર નહીં થાય, ત્યાં સુધી પેસેન્જર ટર્મિનલ મારફતે આ સેવા ચાલુ રહેશે.
આ પણ વાંચો : RMC હજુ ખાડા બુરી શકતી નથી અને અમદાવાદ મનપા આસમાનને આંબશે : બોપલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જેટલી હાઈટનો સિટી સ્ક્વેર ટાવર બનશે
આગામી સમયમાં લોડ વધારાશે:સૌરાષ્ટ્રનાં ઉદ્યોગોને ઉડાન:આશુતોષ પાંડે
રિયા એર એક્સપ્રેસ પ્રા.લી. નાં આશુતોષ પાંડેએ “વોઇસ ઓફ ડે” સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,રાજકોટથી આગામી સમયમાં ફલાઈટની કનેક્ટિવિટી વધશે જેના કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં સોના-ચાંદી અને ઇમિટેશન જવેલરીનાં ઉદ્યોગોને સૌથી વધારે ફાયદો થશે, આગામી મહિનાથી સવારની મુંબઈની ફલાઇટ શરૂ થશે તો ધીમે ધીમે લોડ વધશે.ફ્લાઇટ કનેક્શન અને માંગ અનુસાર આવનારા સમયમાં લોડ તથા ડેસ્ટિનેશન (દિલ્હી, મુંબઈ, બેંગલોર વગેરે) ની સંખ્યા ક્રમશઃ વધારવામાં આવશે. આ સુવિધા પ્રદેશના નિકાસકારો, વેપારીઓ અને ફ્રેઇટ ફોરવર્ડર્સ માટે એક મોટો અવસર સાબિત થશે અને સમગ્ર સૌરાષ્ટ્ર–કચ્છ વિસ્તારની આર્થિક પ્રગતિમાં સહાયરૂપ બનશે.
