કેન્સર એટલે કેન્સલ નહીં… !! જે ગામમાં દર વર્ષે 4 મહિલાઓ કૅન્સરથી મોતને ભેટતી હતી એ ગામ હવે કેન્સરમુક્ત
એક ખેડૂતની જાગૃતિથી આજે આખું ગામ કેન્સરમુક્ત બની રહ્યું છે. છેલ્લા બે વર્ષથી એક પણ દીકરી કે મહિલા કૅન્સરથી પીડિત નથી બની. ધોરાજીના મોટીમારડ ગામે દર વર્ષે ચાર મહિલાઓ કેન્સરનો શિકાર બની અકાળે પોતાની જિંદગી ગુમાવી દેતી, જ્યારે ગામના ખેડૂત વિનુભાઈ જીવનભાઈ વડાલીયાની જાગૃતિથી ઘરે ઘરે કેન્સર જાગૃતિ ફેલાય છે. વિનુભાઈ વડાલીયાના અભિયાનમાં રાજકોટનું કુંડારીયા ફાઉન્ડેશન ટ્રસ્ટ ખભે ખભા મિલાવીને સહયોગી બન્યું છે પરિણામે આ ગામમાં ઝીરો દર્દીનો રેસિયો આવીને ઉભો રહ્યો છે.
સાત જૂન એટલે કેન્સર જાગૃતિ દિવસ. આજની લાઈફ સ્ટાઈલમાં કેન્સરની બીમારી ચિંતાજનક રીતે વધી રહી છે જેમાં ખાસ કરીને મહિલાઓને બ્રેસ્ટ અને સર્વાઇકલ કેન્સર સૌથી વધારે સંખ્યામાં આ કેન્સરના દર્દીઓ નોંધાઈ રહ્યા છે. સરકાર અને વિવિધ એનજીઓ દ્વારા કેન્સર વિરોધી અભિયાન ચલાવવામાં આવે છે તેમ છતાં પણ જે ઘર પરિવાર ની જવાબદારી નિભાવતી મહિલા પોતાની જાત પ્રત્યે બેદરકાર રહે છે અને નિયમિત ચેકઅપ ના કરાવતી હોવાથી જ્યારે કેન્સરનું નિદાન થાય છે ત્યારે ગંભીર સ્ટેજમાં પ્રવેશી ચૂક્યું હોય છે જેમાં ટ્રીટમેન્ટ પણ અસર કરતી હોતી નથી.
ધોરાજી નજીક આવેલ મોટી મારડ ગામે કેન્સર દિવસે ને દિવસે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યું હતું.આશાસ્પદ મહિલાઓ કેન્સરના કારણે જીવન હારી રહી હતી. પાડોશમાં એક જ પરિવારમાં યુવા અવસ્થામાં બે મહિલાઓના કેન્સરના કારણે મૃત્યુ થતાં બાજુમાં રહેતા ખેડૂત વિનુભાઈ જીવનભાઈ વડાલીયાનું હૈયું હચમચી ગયું હતું. આ સંજોગોમાં તેમને મનોમન નક્કી કર્યું કે હવે ગામની કોઈ દીકરી કેન્સર ના લીધે પોતાનું જીવન ન હારવી જોઈએ. પોતાનો આ વિચાર રાજકોટમાં આવેલા કુંડારીયા ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ ભાણજીભાઈ કુંડારિયા સમક્ષ વ્યક્ત કર્યો હતો.
તેમના આ અભિયાનમાં હાથ મિલાવ્યો કુંડારીયા ટ્રસ્ટએ. છેલ્લા ચાર વર્ષથી વિનુભાઈ આ અભિયાન ચલાવી રહ્યા છે જેમાં અત્યાર સુધીમાં મોટીમારડની 900 જેટલી દીકરીઓને પોતાના ખર્ચે ગર્ભાશયના કેન્સર સામે કવચ આપતી વેકસીન અપાવી છે જ્યારે 350 થી વધુ બહેનોના પેપ અને મેમો ટેસ્ટ પણ વિનામૂલ્યે કરવામાં આવ્યા હતા.અત્યાર સુધીમાં જેટલી દીકરીઓ અને બહેનો માટે રાજકોટમાં વેકેશન અને ટેસ્ટ કરાવવામાં આવ્યા તેના માટે વિનુભાઈ અને તેમના ધર્મપત્ની લીનાબેન બધી દીકરીઓને સમજાવી ખાસ ગાડી બાંધીને રાજકોટ સુધી લાવે છે અને અહીં વેક્સિનેશન અને ટેસ્ટ કરાવી તેમને જમાડી પરત ઘરે લઈ આવે છે.
કેન્સરમુક્ત ગામ બનાવવા માટે 65 વર્ષીય વિનુભાઈ એ પગના તળિયા ઘસી નાંખ્યા..
વર્ષ 2020 થી મોટી મારડ ગામને કેન્સરમુક્ત ગામ બનાવવા માટે 65 વર્ષથી વિનુભાઈએ પગના તળિયા ઘસી નાખ્યા છે. પ્રથમ તો તેઓએ લોકોના ઘરે જઈને માતા-પિતાને સમજાવ્યા અને ત્યારબાદ જે પરિવારમાં દીકરીઓ હતી તેમની રસી માટે એમના નામનું લિસ્ટ બનાવ્યું,શરૂઆતમાં લોકો ડરતા હતા. ત્યારબાદ તેમને સમજાવવામાં આવતા ધીમે ધીમે ગામમાં પણ જાગૃતિ આવી ગઈ. પ્રથમ તબક્કામાં વેકસીનેશન અને ત્યારબાદ બધી જ બહેનોના બ્રેસ્ટ કેન્સર માટેના મેમોગ્રાફી અને સર્વાઇકલ કેન્સર માટેના પેપટેસ્ટ કરવામાં આવ્યા હતા.
ચાર વર્ષમાં છ બહેનોને કેન્સર સામે જંગ જીત્યો
મોટીમારડમાં ચાર વર્ષથી વિનુભાઈ અને રાજકોટ કેન્સર પ્રિવેન્શન કલબ દ્વારા કેન્સર માટે જે અવેરનેસ કાર્યક્રમ ચાલી રહ્યો છે તેમાં 1500 જેટલી બહેનોના ટેસ્ટમાંથી છ બહેનોને બ્રેસ્ટ કેન્સર આવ્યું હતું પરંતુ સમયસર નિદાન થઈ જતા તેની ટ્રીટમેન્ટ પણ યોગ્ય સમયે થઈ જતા હવે આ છ બહેનો પોતાની નોર્મલ જિંદગી જીવી રહી છે. વિનુભાઈ કહે છે, જનજાગૃતિ ના લીધે અગાઉથી નિદાન થઈ જતું હોવાથી કેન્સલની ટ્રીટમેન્ટ શક્ય બને છે જેનો ખર્ચ પણ વિનુભાઈ અને અન્ય લોકોએ ભેગા મળીને કર્યો હતો.
છેલ્લા શ્વાસ સુધી દેવિકાબેન કેન્સર સામે લડતાં લડતાં 700 જેટલી મહિલાઓને પગભર બનાવી
રાજકોટ નજીક કુવાડવા ગામે રહેતા દેવિકાબેન મહેતાએ તેમના જીવનના છેલ્લા શ્વાસ સુધી કેન્સર સામે લડતા અને હસતા મોઢે 700 જેટલી મહિલાઓને પગભર બનાવતા ગયા છે. થોડા મહિનાઓ પહેલા તેમને બ્રેસ્ટ કેન્સર ડિટેક્ટ થયું હતું ત્યારે કેમો અને સર્જરી બાદ ફરીથી પોતાની નોર્મલ જિંદગી જીવતા હતા. તેમની કિમોથેરાપીનું દર્દ ભૂલીને કુવાડવા અને આજુબાજુના ગામોમાં રહેતી મહિલાઓ માટે દેવી શક્તિ મહિલા મંડળ ચલાવતા હતા અને જેમાં આ બધી જ બહેનોને વિનામૂલ્યે બ્યુટી પાર્લર ની ટ્રેનિંગ આપી તેમને સ્વનિર્ભર બનાવવા માટે કીટ આપતા અને પોતાના ઘરેથી જ આ બધી બહેનો વ્યવસાય શરૂ કરીને આજે આત્મનિર્ભર બની ગઈ છે. તેમના આ કાર્ય સાથે તેઓ પોતે ગામડે જઈને દરેક મહિલાઓને બ્રેસ્ટ અને સર્વાઇકલ કેન્સર માટે જાગૃત કરતા, તેમની આ લડાઈ વચ્ચે ફરીથી તેમને લીવરનું કેન્સર ગંભીર સ્ટેજમાં ડિટેક્ટ થયું અને એક મહિના પહેલા જ તેમને અંતિમ શ્વાસ લીધા છે. તેમની આ મુહિમ અને મિશનને હવે તેમના પુત્રવધુ દેવાંગી મહેતા અને પતિ મનોજ મહેતા આગળ ઘપાવશે.