અમદાવાદમાં પોલીસ દ્વારા મોટી કર્યાવાહી કરવામાં આવી છે. વસ્ત્રાલમાં જૂની અદાવતમાં અસામાજિક તત્ત્વોએ રોડ-રસ્તા બાનમાં લઈ જાહેરમાં આતંક મચાવ્યો હતો, એને લઈને ગઈકાલે પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું હતું. ત્યાર બાદ આજે પોલીસે આરોપીઓના ગેરકાયદે મકાન પર બુલડોઝર ફેરવ્યું છે. પોલીસ કમિશનરની હાજરીમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. બે દિવસ પહેલાં 14 શખસે વસ્ત્રાલ વિસ્તાર માથે લીધો હતો જે બાદ પોલીસે આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું હતું.
શું હતો સમગ્ર મામલો ??
કેટલાક લોકોનો દાવો છે કે બે જૂથ વચ્ચે કોઈ મામલે અદાવતને કારણે આ ઘટના બની હતી. જેમાં વીડિયોમાં જોઈ શકાય છે કે તોફાની તત્ત્વોએ રાહદારીઓને પણ નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું. વિસ્તારમાં ઘર-મકાન-દુકાનોની આજુબાજુ ઊભેલા વાહનોમાં પણ તોડફોડ મચાવી હતી. સ્થાનિકો કહે છે કે લગભગ 15 થી 20 તોફાનીઓના ટોળાએ આતંક મચાવ્યો હતો અને વાહનો અને રાહદારીઓ પર બેફામ હુમલા કર્યા હતા અને અપશબ્દો કહ્યા હતા.
પોલીસે જાહેરમાં આરોપીની માફી મંગાવી ઉઠક બેઠક કરાવી છે. ડિમોલેશન કરવા જતા આરોપીઓના પરિવારની મહિલાઓએ હોબાળો મચાવ્યો છે. રાજવીર તોડફોડ સમયે હાજર નહીં હોવાનો આક્ષેપ કર્યો છે. મહિલાઓએ પણ આત્મવિલોપનની ચીમકી આપી છે. મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
9 અસામાજિક તત્ત્વોની ધરપકડ
માહિતી અનુસાર આ ઘટનામાં 9 અસામાજિક તત્ત્વોને રામોલ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા અને તેમને બરાબરનો મેથીપાક આપવામાં આવ્યો. જાહેર રસ્તા પર જ તેમને પાઠ ભણાવાયો હતો. જેનો વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે.
ગેરકાયદેસર બાંધકામ પર ફરી વળ્યું બુલડોઝર
આ ઘટનાના આરોપીઓની ગેરકાયદેસર મિલકત પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ઘટનાના આરોપી રાજવીર સિંહ બિહોલાના ઘરે તંત્ર પોલીસ કાફલા સાથે પહોંચી ગયું હતું. બુલડોઝર ફેરવતાં પહેલાં ઘરમાંથી સામાન બહાર કાઢવામાં આવ્યો હતો. આ ઉપરાંત ખોખરાના ભગવાનદાસની ચાલીમાં શ્યામ કામલેના મકાન હથોડા વડે મકાન તોડી પાડવામાં આવ્યું છે. જ્યારે અલ્કેશ યાદવના ઘરે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
