દોઢ કરોડમાં ફ્લેટ ખરીદ્યા, હવે પાણી-રસ્તા માટે હેરાન થવાનું: ‘લાખેણી’ કારના કાફલા સાથે 300 લોકો RMCની કચેરીએ દોડી આવ્યા
રાજકોટ મહાપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે બરાબર ત્યારે જ લાઈટ, નળ, ગટર, સફાઈ, પાણી સહિતની પ્રાથમિક સુવિધાથી વંચિત વિસ્તારના લોકો રજૂઆત કરવા માટે દોડધામ કરવા લાગતાં શાસક પક્ષ ભાજપના ટેન્શનમાં વધારો થઈ જવા પામ્યો છે. વોર્ડ નં.11માં નવા 150 ફૂટ રિંગરોડ પર શ્રીનાથજી ચોક નજીક આવા જ 9 જેટલી લકઝુરિયસ એપાર્ટમેન્ટ આવેલા છે જ્યાં 5000થી વધુ લોકો રહે છે. અહીં ફ્લેટની કિંમત એકથી દોઢ કરોડ અથવા તેનાથી પણ વધુ હોય તે ચૂકવીને ફ્લેટ ખરીદ કર્યા બાદ હવે પાણી-રસ્તા માટે હેરાનગતિ થઈ રહી હોય બુધવારે ઉઘડતી કચેરીએ જ લાખો રૂપિયાની કિંમતની કારના કાફલા સાથે 300થી વધુ લોકોનું ટોળું રજૂઆત કરવા માટે મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીએ ધસી આવતાં અધિકારીઓમાં દોડધામ થઈ પડી હતી.

યૂનાઈટેડ નેબરહુડ ફેડરેશન દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવ્યું કે અહીં 18 જેટલા હાઈરાઈઝડ બિલ્ડિંગ આવેલા છે જ્યાં રહેતાં લોકો 5 વર્ષથી મહાપાલિકાના તમામ વેરાની ભરપાઈ કરી રહ્યા છે. આ હાઈરાઈઝડ બિલ્ડિંગમાં 5000થી વધુ લોકો છેલ્લા 7 વર્ષથી વસવાટ કરે છે. જો કે લોકોને મુળભુત સુવિધા કે જેમાં પીવાનું પાણી, રોડ-રસ્તા, ભૂગર્ભ ગટર, સ્ટ્રીટલાઈટ, સફાઈ તેમજ વરસાદી પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા ન હોવાથી જબરદસ્ત હાલાકી ભોગવવી પડી રહી છે. આ અંગે વોર્ડ નં.11ના કોર્પોરેટરથી લઈ સિટી ઈજનેર સહિતના તમામને 2 વર્ષથી રજૂઆત કરવામાં આવી રહી છે છતાં કોઈ જ નિરાકરણ આવી રહ્યું ન હોય જો ઝડપથી સુવિધા નહીં અપાય તો વેરાબિલનો બહિષ્કાર કરવામાં આવશે સાથે સાથે રસ્તા રોકો આંદોલન અને ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરાશે તેવી ચિમકી પણ ઉચ્ચારાઈ હતી.
કઈ કઈ સોસાયટીને પડી રહી છે તકલીફ ?
- એક્વા બ્લ્યુ
- ધ ટેમ્પલ
- સવન સ્ટેટસ
- પારિજાત
- ધ આઈકોન
- વિક્ટોરિયા ગાર્ડન
- ગ્રીન મૂન
- ઔરા
- એક્વા
ડીઆઈ, ડ્રેનેજ , સ્ટોર્મ વોટર લાઈન નખાઈ ગઈ છે, રસ્તા માટે ગ્રાન્ટ મળ્યે કામ શરૂ થશે
આ અંગે વેસ્ટ ઝોનના સિટી ઈજનેર કુંતેશ મહેતાએ જણાવ્યું કે ઉપરોક્ત સોસાયટીઓમાં પાણીના વિતરણ માટે ડીઆઈ પાઈપલાઈન બીછાવી દેવામાં આવી છે. ગંદા પાણીના નિકાલ માટે ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મ વોટર લાઈન નાખી દેવામાં આવી છે. જ્યારે લાઈન બીછાવવાના કામ માટે ખોદાયેલા રસ્તા રિપેર કરવા અથવા નવા બનાવવાના હોય તેના માટે ગ્રાન્ટની માંગણી કરવામાં આવી છે જે મળી ગયા બાદ કામ શરૂ કરાશે.

ડે.કમિશનર સી.કે.નંદાણીનો બે મહિનાની અંદર સુવિધા આપવાનો કોલ
વિવિધ હાઈરાઈઝડ બિલ્ડિંગના લોકો ડેપ્યુટી કમિશનર સી.કે.નંદાણીને રજૂઆત કરવા દોડી આવતાં તમામને ધ્યાનપૂર્વક સાંભળ્યા બાદ દોઢથી 2 મહિનાની અંદર મહત્તમ સુવિધા આપી દેવામાં આવશે તેવી બાહેંધરી આપવામાં આવી હતી.
અત્યાર સુધીમાં ક્યારે, કોને કરી રજૂઆત
વિવિધ બિલ્ડિંગ્સ ધારકોએ અત્યાર સુધીમાં 5 વખત રજૂઆત કરી છે જેમાં વોર્ડ નં.11ના કોર્પોરેટરને તા.20-6-2024ના, મ્યુનિસિપલ કમિશનરને તા.5-8-2024ના, મેયરને તા.27-2-2025ના, સિટી ઈજનેર (વેસ્ટ ઝોન)ને તા.19-5-2025ના અને મ્યુ.કમિશનરને ફરી તા.30-8-2025ના રજૂઆત કરી છતાં હજુ સુધી કોઈ જ નિવેડો આવ્યો ન હોવાનું રજૂઆતમાં જણાવ્યું હતું.
