અમદાવાદ મનપાના એડિશનલ સીએફઓ તરીકે કાર્યરત મીથુન મીસ્ત્રી ટૂંક સમયમાં ચાર્જ સંભાળશે: હજુ સત્તાવાર ઑર્ડર થવાનો બાકી-મ્યુ.કમિશનર
અમદાવાદ મનપામાં
બોગસ સ્પોન્સરશિપ’કાંડ થયા બાદ ત્યાંના ફાયર વિભાગમાં પણ સખળડખળ થવાથી મીસ્ત્રીને રાજકોટ મુકાશે કે કેમ ? મંડાતી મીટ
રાજકોટ મહાપાલિકાના ફાયર વિભાગને મસમોટું ગ્રહણ લાગી ગયું હોય તેમ ચીફ ફાયર ઓફિસરની જગ્યા થોડા થોડા સમયે ખાલી પડી રહી છે ! ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડ બાદ તત્કાલિન ચીફ ફાયર ઓફિસર કે જેમની પાસે રાજકોટ મહાપાલિકાના ચીફ ફાયર ઓફિસરનો કાયમી ચાર્જ હતો તે ઈલેશ ખેરની ફરજમાં બેદરકારી રાખવા બદલ ધરપકડ થયા બાદ તેમની જગ્યાએ કચ્છ-ભૂજના ચીફ ફાયર ઓફિસર અનિલ મારુને મુકવામાં આવ્યા હતા. જો કે તેઓએ સખણા'રહેવાની જગ્યાએ ૧.૮૦ લાખની લાંચ લેતાં એસીબી દ્વારા રંગેહાથે પકડી લેવાયા હતા.
ફરી ચીફ ફાયર ઓફિસરની જગ્યા ખાલી પડતાં મહાપાલિકા દ્વારા સરકાર પાસે હાથ લંબાવ્યા બાદ હવે અમદાવાદથી રાજકોટને એક
ઉછીના’ ફાયર ઓફિસર આપવા તૈયારી શરૂ કરવામાં આવી છે.
આ અંગે મ્યુનિ.કમિશનર ડી.પી.દેસાઈએ જણાવ્યું કે ચીફ ફાયર ઓફિસર ન હોવાથી ફાયર એનઓસી ઈશ્યુ સહિતની કામગીરી અટકી પડી હોય આ અંગે સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. આ પછી સરકાર દ્વારા અમદાવાદ મહાપાલિકામાં એડિશનલ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતાં મીથુન મિસ્ત્રીને રાજકોટ મુકવાનું નક્કી કરાયું હતું. જો કે હજુ સુધી તેમને છૂટા કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા ઓર્ડર કરવામાં આવ્યો નથી પરંતુ આ ઑર્ડર ટૂંક સમયમાં થઈ ગયા બાદ રજાઓ પછી ઉઘડતી કચેરીએ તેઓ ચાર્જ સંભાળી લ્યે તેવી શક્યતા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મીથુન મીસ્ત્રીનો સત્તાવાર રીતે ઓર્ડર થાય તે પહેલાં અમદાવાદ મહાપાલિકાના ફાયર વિભાગમાં ભારે સખળ-ડખળ થઈ જવા પામી છે. અહીં ૯ જેટલા અધિકારીઓએ બોગસ સ્પોન્સરશિપ મેળવીને નોકરી લીધી હોવાનો ખુલાસો વિજિલન્સ તપાસમાં થતાં તમામને પાણીચું પકડાવી દેવામાં આવ્યું હોવાથી એક સાથે ૯ જગ્યા ખાલી પડતાં મીસ્ત્રીને રાજકોટ મુકાશે કે કેમ તે પણ એક પ્રશ્ન છે.