સાબરમતી વિસ્તારમાં રહેતી એક વ્યક્તિના ઘર પર વ્યક્તિગત દુશ્મનીમાં બદલો લેવા માટે બોમ્બ સાથેનું પાર્સલ મોકલી તેને ઉડાવી દેવાનો પ્રયાસ કરાતાં ચકચાર મચી જવા પામ્યો છે. સાબરમતી એરિયામાં આવેલા શિવમ રો હાઉસ ખાતે એક પાર્સલમાં રહેલી બેટરીમાં બ્લાસ્ટ થતાં ડિલિવરી બોય અને પાર્સલ રિસીવ કરનાર બળદેવભાઇ સુખડીયા ઘાયલ થયા હતા. આ ઘટનામાં ગૌરવ ગઢવી નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે.
ઈજાગ્રસ્તના સંબંધીએ જણાવ્યું હતું કે કુલ ત્રણ જણ રિક્ષામાં બેસી આવ્યા હતા. બે જણ રિક્ષામાં જ બેઠા હતા અને એક જણ પાર્સલ આપવા આવ્યો હતો. પાર્સલ હાથમાં આવતા જ રિક્ષામાં બેસેલી વ્યક્તિએ રિમોટ જેવું કંઈ દબાવતા જોરદાર બ્લાસ્ટ થયો હતો અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થઈ હતી, તેમ જ તેમની પાસે ઊભેલાને પગમાં ઈજા થઈ હતી. આ બન્ને ભાઈઓ છે અને તેમને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

દરમિયાન પોલીસની ટીમ પહોંચી ગઈ હતી અને ઘટનાની સઘન તપાસ થઈ રહી છે. પ્રાથમિક કારણોમાં પારિવારિક ખટરાગ કે કોઈ વ્યક્તિગત દુશ્મની હોવાનુ માનવામા આવી રહ્યું છે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
પોલીસે ચોક્કસ બાતમીના આધારે શંકાસ્પદ જણાતા રૂપેણ બારોટના ઘરે સર્ચ કરતા ઘરમાંથી બોમ્બ બનાવવાની સામગ્રી મળી આવી. ત્રણ દેશી કટ્ટા પણ મળી આવ્યા હતા.રૂપેણ બારોટના છૂટાછેડા થયા હતા, તેની પત્ની બળદેવભાઈને ભાઈ માને છે. બળદેવભાઈ હાઈકોર્ટમાં નોકરી કરે છે તેથી રૂપેણને શંકા હતી કે બળદેવભાઈના કારણે તેમના છૂટાછેડા થયા છે તેની અદાવત રાખીને બદલો લેવા આ કૃત્ય કર્યું હોવાની પ્રાથમિક માહિતી બહાર આવી હતી.
થોડા મહિનાઓ પહેલા આવી જ ઘટના હિંમતનગરમાં ઘટી હતી, જેમાં બે જણના આ રીતે પાર્સલમાં આવેલી વસ્તુમાં બ્લાસ્ટ થવાથી મોત નિપજ્યું હતું. આ ઘટના પાછળનું કારણ લગ્નેત્તર સંબંધો હોવાનું પછીથી બહાર આવ્યું હતું.