સુરતમાં બોગસ ડોક્ટરોએ શરુ કરી બોગસ હોસ્પિટલ !
અગાઉ પોલીસની હવા ખાઈ ચુકેલા ડોક્ટરોએ થીયેટર પાડીને હોસ્પિટલ ઉભી કરી
નાખી અને મહેમાન તરીકે પોલીસ કમિશનરને બોલાવ્યા
રાજ્યમાં બોગસ સરકારી કચેરીઓ ઝડપાયા બાદ હાલ સુરતમાંથી બોગસ હોસ્પિટલ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં કેટલાક ભેજાબાજોએ રૂપિયા કમાવવા માટે એક મોટી જનસેવા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ નામે બોગસ હોસ્પિટલ ખોલી દીધી હતી અને તેનું વિધિવત રીતે ઉદઘાટન પણ કરી દીધું હતું.
આ હોસ્પિટલ ઉદ્ઘાટનની વાયરલ થયેલી પત્રિકામાં સુરતના પોલીસ કમિશનર સહિતના અધિકારીઓના નામ પણ લખી નાખ્યા હતા. હોસ્પિટલ શરૂ કરતાં પહેલાં કોઈપણ પ્રકારની પરવાનગી ન લેતા તંત્ર દ્વારા કડક હાથે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.બોગસ ડોકટરોની હોસ્પિટલનો ભાંડો ફૂંટતા પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરી અને હોસ્પિટલને તાળા બંધી કરી સીલ મારી દેવામાં આવી છે.
બોગસ ડોક્ટરો પર વગર ડિગ્રીએ પ્રેક્ટિસ કરવાનો આરોપ છે.હોસ્પિટલ શરૂ કરનાર તબીબ તરીકે કામ કરનાર બે બોગસ તબીબો સામે વગર ડિગ્રીએ પ્રેક્ટિસ કરવાનો અને સંચાલક સામે વર્ષ 2022માં દારૂની હેરાફેરીનો ગુનો નોંધાઈ ચૂક્યો છે. હોસ્પિટલ શરૂ કરનાર બબલુ શુકલા, રાજા રામ દૂબે અને ડૉ.જી.પી.મિશ્રા સામે ગુનો નોંધાયેલ છે.
આ ત્રણેય લોકોએ મળીને શરૂ કરેલી હોસ્પિટલના ઉદ્ઘાટન કાર્ડમાં સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોટ અને ક્રાઇમ જે.સી.પી. રાઘવેન્દ્ર વત્સ ઉપ્રસ્ન્ત મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી શાલીની અગ્રવાલ, અમદાવાદની એપોલો હોસ્પિટલનાં ડો. વિનીત મિશ્રા વગેરેના નામ પણ પત્રિકામાં નામ પણ છાપી માર્યા હતા. જેની આ અધિકારીઓને તો જાણ પણ ન હતી તો સાથે બોગસ ડોકટરોએ હોસ્પિટલ શરૂ કરતા પહેલા જીલ્લા અધિકારીને પણ લેખિત જાણ નહોતી કરી કે ઓનલાઇન રજીસ્ટ્રેશન પણ કરાવ્યું નહોતું.
સુત્રોના જણાવ્યા અનુસાર, હોસ્પિટલ જે જગ્યા પર બનાવવામાં આવી ત્યાં વર્ષોથી થિયેટર હતું. તે જ જગ્યા પર 15 દિવસમાં જ હોસ્પિટલ ખડકી દેવામાં આવી છે. અહી હોસ્પિટલ શાસ્રું કરનારે પોતાની ઓળખ ક્રાઈમ બ્રાંચના પોલીસ ઇન્સ્પેકટર તરીકે આપી હતી અને કહ્યું હતું કે, પોતે ૩૦મી તારીખે નિવૃત થવાના છે અને અહી હોસ્પિટલમાં પાર્ટનરશીપ કરી છે.