જૂનાગઢ મહાનગરપાલિકાની આગામી 16 ફેબ્રુઆરીના રોજ યોજાનારી ચૂંટણી પહેલાં ભાજપને મોટી સફળતા મળી છે. વોર્ડ નંબર 3 અને 14માં કોંગ્રેસની પેનલ તેમજ વોર્ડ નંબર-12માં કોંગ્રેસના એક ઉમેદવારને ફોર્મ પાછું ખેંચાવી લેતા બે વોર્ડમાં ભાજપની સમગ્ર પેનલ બિનહરીફ જાહેર થઈ છે, જ્યારે વોર્ડ નંબર 12માં કોંગ્રેસના ઉમેદવારે ભાજપને સમર્થન આપ્યું દેતા મહાનગર પાલિકાની ચૂંટણીમાં જબરો રાજકીય ભૂકંપ આવ્યો છે. જૂનાગઢ ભાજપના પ્રભારી કમલેશ મિરાણીએ હજુ પણ કોંગ્રેસના વધુ ઉમેદવારો ફોર્મ પરત ખેંચી લેનાર હોવાનું જણાવ્યું હતું.
જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાન પહેલા જ ભાજપની નેતાગિરીએ જબરી રાજકીય ઉથલ પાથલ કરાવી છે, રાજકોટ ભાજપના પૂર્વ શહેર પ્રમુખ અને જૂનાગઢ ભાજપના પ્રભારી કમલેશ મિરાણીએ વોઇસ ઓફ ડે સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જુનાગઢના વોર્ડ નંબર 3 માં કોંગ્રેસના તમામ ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લેતા સરીફાબેન કુરેશી, સહેનાઝબેન કુરેશી, અબ્બાસ કુરેશી અને હરસુખભાઈ મકવાણા ચૂંટણી પહેલા જ બિનહરીફ થયા છે.
આ ઉપરાંત વોર્ડ નંબર 14 ની ભાજપની પેનલ પણ બિન હરીફ થઈ છે. જેમાં વોર્ડ નંબર 14માં પણ ભાજપે ગુપ્ત ઓપરેશનપર પાડી દેતા ભાજપના ઉમેદવાર જમકુબેન અરજણભાઈ છાયા, બાલુભાઇ ભગાભાઈ રાડા, આઘ્યશક્તિબેન મજમુદાર, કલ્પેશભાઈ અજવાણીની પેનલ બિન હરીફ થઈ છે. તેમજ વોર્ડ નંબર 12 ના કોંગ્રેસના ઉમેદવાર દીલીપભાઈ ગલે ભાજપના સમર્થનમાં પોતાનું ફોર્મ પરત ખેંચ્યું છે. ત્યારે જુનાગઢ શહેરના વોર્ડ નંબર ત્રણ અને વોર્ડ નંબર 14ના ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ આવતા ભાજપ છાવણીમાં પરિણામો પહેલા જ લાપસીના આંધણ મુકાઈ ગયા છે.
જૂનાગઢ ભાજપના પ્રભારી કમલેશ મિરાણીએ જણાવ્યું હતું કે, કોર્પોરેશનની ચૂંટણીમાં ધારાસભ્ય સંજય કોરડીયા, શહેર પ્રમુખ પુનિત શર્માની મદદથી બે વોર્ડ બિનહરીફ કરી કોંગ્રેસના ઉમેદવારોને ભાજપની વિચારધારામા જોડાઈ રહ્યા છે ત્યારે આજે પણ હજુ અન્ય વોર્ડમાં ભાજપ ઓપરેશન બિનહરીફ હાથ ધરી ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસનો સફાયો કરનાર હોવાનું જણાવ્યું હતું.