અમરેલી પંથકના ભાજપ અગ્રણીએ સુરતની મોડેલ પર દુષ્કર્મ ગુજારી ડ્રગપેડલર બનાવી !! વાંચો શું છે સમગ્ર મામલો
સુરતમાં રહેતી મુળ સૌરાષ્ટ્ર પંથકની મોડેલને વિદેશમાં મોડલિંગનું કામ અપાવી દેવાની લાલચે બગસરા પંથકના ભાજપના આગેવાને ગીરમાં રિસોર્ટમાં તેમજ બેંગકોક લઈ જઈ ત્યાં પણ રિસોર્ટમાં દુષ્કર્મ ગુજાર્યાના તેમજ બેંગકોકથી. રિટર્ન થઈ ત્યારે અમદાવાદ એરપોર્ટ પર હાઈબ્રીડ-ગાંજો ભરેલી બેગ સાથે પકડાવી દીધાની તથા બગસરાના ભાજપ અગ્રણી સાથે અમરેલી પંથકના એક નેતાનો પુત્ર પણ ડ્રગ્સ હેરાફેરીના-કાંડમાં સામેલ હોવાના સનસનીખેજ આક્ષેપો સાથે ગીર સોમનાથ એસપીને સંબોધીને લેખિત-અરજી કરતાં રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
આ પણ વાંચો : રાજકોટની આર.કે.પ્રાઈમ-2 બિલ્ડીંગ ગેરકાયદેસર ! ખરીદનારા અસામીઓએ ક્લેક્ટરમાં શરતભંગ અંગે કરી ફરિયાદ
શું છે સમગ્ર મામલો?
યુવતીએ કરેલી લેખિત ફરિયાદ (અરજી) માં જણાવ્યા મુજબ બની (નામ બદલાવેલું છે) મુળ સૌરાષ્ટ્રની તરફની વતની છે. સુરતમાં પતિ સાથે રહે છે. મોડલિંગ વ્યવસાય સાથે સંકળાયેલી ૨૫ વર્ષિય જેવી વયની યુવતીનો પરિવાર સ્વામિનારાયણ સંપ્રદાયી હોવાથી તેમને ત્યાં છ માસ પૂર્વે સ્વામિનારાયણના સંતની પધરામણી થઈ હતી ત્યારે સ્વામી (સંત) સાથે બગસરા પંથકના ભાજપ અગ્રણી દીપ (નામ બદલાવ્યું છે) સાથે હતો જે યુવતીના પતિને અગાઉથી ઓળખતો હતો.જેના કારણે તેઓ નજીક આવ્યા હતા. ગત ફેબ્રુઆરી માસમાં દંપતી એડવર્ટાઈઝિંગ સાથે ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં આવ્યા હતા ત્યાં એક રિસોર્ટમાં રોકાયા હતા જ્યાં જાહેરાતનો વીડિયો બનાવ્યો હતો. રાત્રી રોકાણ ત્યાં જ કર્યું હતું જેથી બગસરાથી ભાજપ અગ્રણી દીપ આવ્યો હતો. રાત્રે 10.30 વાગ્યાના અરસામાં ગાર્ડનમાં બધા બેઠા હતા એ દરમિયાન મોડેલનો પતિ મિત્ર સાથે બહાર ગયો હતો. મોડેલ તેના રૂમમાં ચાલી ગઈ હતી.
આ પણ વાંચો : 166 વર્ષનો થયો આવકવેરા વિભાગ: 27 લાખ કરદાતાઓ સાથે રાજકોટની રેકોર્ડબ્રેક રફતાર
તારાફોટા પાડી લીધા છે તારા પતિ, પરિવારને આપીશ વાઈરલ કરીશ
પંદરેક મિનિટના સમય બાદ દીપ પણ રૂમમાં આવ્યો હતો અને મોડલિંગનું કામ અપાવવાની વાત કરી હતી. વાતોવાતોમાં બનીને કોલ્ડ્રીંક્સનું ટીન આપ્યું હતું જે ટીન બની (મોડેલ)એ પીતાની સાથે જ માથું ફરવા લાગ્યું હતું. બેશુધ્ધ જેવી બની અને બેડ પર પડી ગઈ હતી. એ દરમિયાન દીપે મોડેલ બની સાથે શરીર સંબંધ બાંધી લીધો હતો. બની સચેત અવસ્થામાં આવતા તે બેડ પર નગ્ન હાલતમાં જોવા મળી હતી. દીપ બાથરૂમમાંથી બહાર આવતા જ બનીએ “તે મારી સાથે આ શું કર્યું, બધાને કહી દઈશ’ કહેતા દીપે તારા નગ્ન, સેક્સી ફોટા પાડી લીધા છે, જે તારા પતિ, પરિવારને આપીશ, વાઈરલ કરીશ, બદનામ થઈ જઈશ તો કોઈ કામ નહીં આપે, હું કહું તેમ કર, તને મોટી કંપનીમાં કામ અપાવીશ.
બે માસ બાદ બેંગકોક બોલાવી રિસોર્ટમાં દુષ્કર્મ ગુજાર્યું
બે માસ બાદ બેંગકોક બોલાવી હતી ત્યાં પણ એક રિસોર્ટમાં લઈ જઈને ત્યાં પણ દુષ્કર્મ ગુજારાયું હતું. બેંગકોકથી નીકળ્યા ત્યારે તેને કહેવાયું કે અહીં એક કંપની સાથે વાત થઈ ગઈ છે. કંપનીને અમદાવાદમાં સોનાનો મોટો શો-રૂમ છે ત્યાં તારે કામ કરવાનું છે. અહીંથી તમે અમદાવાદ પરત જાવ ત્યારે એરપોર્ટ પર રવિ નામનો શખસ સોનાના બિસ્કિટ ભરેલી બેગ આપી જશે તે લેતી આવજે, મારો કપડાંનો થેલો લેતા આવજો, અમદાવાદ એરપોર્ટ પર ડ્રાઈવર મારી ગાડી સાથે લેવા આવશે. યુવતી ત્યાંથી મે મહિનામાં નીકળી ત્યારે બેંગકોક એરપોર્ટ પર એક વ્યક્તિ બ્લેક કલરની લોક કરેલી સુટકેશ આપી ગયો હતો.યુવતી પરિવાર સાથે અમદાવાદ એરપોર્ટ પર ઉતરતા ત્યાં મયંક આવ્યો હતો. એરપોર્ટ પર કસ્ટમ દ્વારા બેગ ચેક કરાતા તુરંત જ યુવતીનો મોબાઈલ લઈ લેવાયો હતો. યુવતીએ પૂછતા કહ્યું કે અંદર 19 કિલો ગાંજો છે, યુવતીની ધરપકડ કરવામાં આવી હતી. જે તે સમયે દીપનો યુવતીના પતિ પર કોલ આવ્યો કે અમારું આનંદનું ક્યાંય નામ ન આપતા, ૨૪ કલાકમાં કોર્ટમાંથી છોડાવી દઈશ. યુવતીને તેના પતિએ નામ આપવાની ના કહી કહ્યું કે દીપનો ફોન હતો, ચિંતા ન કરતા, ભૂલથી સુટકેશ બદલાઈ ગઈ છે. 24 કલાકમાં તને છોડાવી દેશે. કસ્ટમવાળા અધિકારીએ યુવતીને કશું પૂછ્યું પણ નહીં, દીપે તેની સાથે વહીવટ કરી લીધો હતોના આક્ષેપ યુવતીએ કર્યા છે.
ત્યારબાદ દીપે યુવતીના પરિવારને નાણાં આપ્યા છોડાવવાનું કહેતા દીપ અને આનંદે ધમકી આપી હતી કે જિંદગી બગાડી નાખશે, ધમકીથી યુવતીનો પરિવાર ડરી ગયો. દીપ યુવતીને જેલ પર મળવા ગયો હતો અને આશ્વાસન આપ્યું કે 10 દિવસમાં છૂટી જઈશ, હું અને તારા મમ્મી અમરેલી પંથકનું એક મોટા નેતા પાસે જશું, સરકારમાંથી તને છોડાવી લેશું. દીપ યુવતીના મમ્મીને કોઈ પાસે લઈ ગયો હતો. ત્યાં પણ એ લોકોએ માત્ર આશ્વાસન જ આપ્યું હતું.
આક્ષેપોમાં યુવતીએ દીપ, આનંદ, રવિ, કસ્ટમના અધિકારી સહિતના સામે પગલાં લેવા અરજીમાં માગણી કરી છે. સમગ્ર મામલે ગીર સોમનાથ એસ.પી. મનોહરસિંહ જાડેજાના જણાવ્યા મુજબ ફરિયાદીએ વોટ્સએપમાં અરજી મોકલી છે તેના પરથી તપાસ થવી કે કરવી મુશ્કેલ છે. યુવતીને રૂબરૂ સંબંધિત અધિકારી સમક્ષ લેખિત ફરિયાદ આપવા જણાવાયું છે. અરજી, આક્ષેપોમાં જે તથ્ય હોય તે પરંતુ અત્યારે બગસરા, અમરેલી પંથકના રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે.