ગુજરાતના પોલીસ ખાતાને લઈ મોટા સમાચાર : ASIની સીધી ભરતી રદ
- પોલીસ તંત્રમાં ASIની સીધી ભરતી રદ, ખાલી જગ્યાઓ ભરવા આદેશ
- ગૃહ વિભાગનો મોટો નિર્ણય, ૩૦ ઓગસ્ટ સુધીમાં પ્રક્રિયા પૂરી કરવા જણાવાયુ
ગાંધીનગર
ગુજરાત પોલીસની બિન હથીયારી એએસઆઈની સીધી ભરતી રદ્દ કરાઈ છે અને હેડ કોન્સ્ટેબલને બઢતી દ્વારા ખાલી જગ્યા ભરવા નિર્દેશ કરાયા છે, કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપી આગામી 30 ઓગસ્ટ સુધી પ્રક્રિયા પૂર્ણ કરવા નિર્દેશ કરાયો છે
ગુજરાત પોલીસના પરિપત્રમાં જણાવ્યું છે કે, રાજ્ય પોલીસ દળમાં બિન હથિયારી એ.એસ.આઈ સંવર્ગના અનુભવી કર્મચારીઓ મળી રહે અને ફીડર કેડરમાં બઢતીની તકો વધવાથી તેઓ ઉત્સાહપૂર્વક કામગીરી કરી શકે તેવા શુભ આશયથી ગૃહ વિભાગ ગુજરાત સરકારના સંદર્ભિત પત્રથી બિન હથિયારી આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર, (વર્ગ-૩)ની સીધી ભરતી રદ કરવાની અને આ સંવર્ગની તમામ ખાલી જગ્યાઓ માત્ર બઢતીથી જ ભરવાની મંજુરી આપવામાં આવી છે.
વધુમાં જણાવ્યું છે કે, રાજ્ય પોલીસ દળમાં બિ.હ એ.એસ.આઈ સંવર્ગની ખાલી રહેલ તમામ જગ્યાઓમાં શહેર/જીલ્લા/યુનિટ ખાતે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સંવર્ગના કર્મચારીઓ પૈકી બિન હથિયારી એ.એસ.આઈ (વર્ગ-૩) સંવર્ગના પ્રવર્તમાન ભરતી નિયમો/બઢતી અર્થે સરકાર દ્વારા વખતોવખત પ્રસિધ્ધ થયેલ નિયમાનુસાર પાત્રતા ધરાવતા હેડ કોન્સ્ટેબલ સંવર્ગના કર્મચારીઓને બઢતી આપવા તેમજ સદર બઢતીથી ખાલી પડનાર હેડ કોન્સ્ટેબલ સંવર્ગની ખાલી જગ્યાઓમાં પાત્રતા ધરાવતા પોલીસ કોન્સ્ટેબલ સંવર્ગના કર્મચારીઓને બઢતી આપવાની કાર્યવાહી તા:30/08/2024 સુધીમાં પૂર્ણ કરી તે અંગેનો અહેવાલ તા:31/08/2024 સુધી વિભાગની કચેરીએ મોકલી આપવાનો રહેશે.